You are here
Home > News > વરસાદી પાણીની લાઈન રોડના લેવલે નાંખવામા આવી-આ તે કેવો વિકાસ? વિસનગર પાલિકાના કોન્ટ્રાક્ટરનુ બીલો મંજુર કરવા પૂરતુ કામ

વરસાદી પાણીની લાઈન રોડના લેવલે નાંખવામા આવી-આ તે કેવો વિકાસ? વિસનગર પાલિકાના કોન્ટ્રાક્ટરનુ બીલો મંજુર કરવા પૂરતુ કામ

વરસાદી પાણીની લાઈન રોડના લેવલે નાંખવામા આવી-આ તે કેવો વિકાસ?
વિસનગર પાલિકાના કોન્ટ્રાક્ટરનુ બીલો મંજુર કરવા પૂરતુ કામ
(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
વિસનગર પાલિકાના કેટલાંક કોન્ટ્રાક્ટર લાખ્ખો રૂપીયાના ખર્ચ થતુ વિકાસનુ કામ ઉપયોગમાં આવે તેવુ નહી પરંતુ ફક્ત બીલો મંજુર કરવા પુરતુ થાય છે. ભક્તોના વાસમાંથી પસાર થતા રોડ ઉપર વરસાદી પાણીના નિકાલની પાઈપ લાઈન નાખવામાં આવી છે. જે રોડ લેવલથી નીચે નહી પરંતુ રોડના લેવલમા નાખવામાં આવી છે. આડેધડ વિકાસ કામ થાય છેે ત્યારે પાલિકા પ્રમુખ પાલિકા ચીફ ઓફીસર તેમજ આ વોર્ડના સભ્યો કેમ ચુપ છે ? કોન્ટ્રાક્ટરે એવુ તો શુ બતાવ્યુ છે કે બધા મુંગા થઈને બેસી રહ્યા છે. ભ્રષ્ટાચાર નહી થવા દેવાના જાહેરમાં શપથ લેનાર સભ્યો અત્યારે કેમ આંખે પાટા બાંધીને બેઠા છે.
વિસનગર પાલિકાના કોન્ટ્રાક્ટર વિર કંન્સ્ટ્રકશન દ્વારા રૂા. ૧૦,પ૯,૦૦૦ના ખર્ચ ભક્તોના વાસ થઈ રામાપીર મંદિર નાળા સુધી વરસાદી પાણીના નિકાલ માટે પાઈપ લાઈન નાખવામાં આવી છે. વરસાદી પાણીની લાઈન રોડ લેવલથી બે કે ત્રણ ફૂટ નીચેના લેવલે નાખવામાં આવે તોજ કુદરતી રીતે વરસાદી પાણીનો નિકાલ થાય. ત્યારે અહીયા કોન્ટ્રાક્ટરે રોડના લેવલમાં કોઈપણ જાતના ઢાળ વગર પાઈપલાઈન નાખી કામગીરી પુર્ણ કરી છે. પાઈપલાઈનોમાં પાઈપો હલકી ગુણવત્તાની નાંખવામાં આવી છે. આ કામગીરી જોતા કયારેય વરસાદી પાણી આ પાઈપ લાઈનમાંથી નિકળી શકે તેમ નથી ત્યારે પ્રશ્ન એ થાય છે કે વિર કન્સ્ટ્રકંશનના કોન્ટ્રાકટર કામ કરતા હતા ત્યારે પાલિકાના એન્જીનીયર તેમજ કામગીરી ઉપર દેખરેખ રાખતા સુપર વાઈઝરે શુ ધ્યાન રાખ્યુ ? નાખેલી પાઈપ લાઈન જોતા જ આ વિકાસની કામગીરી કોઈ કામમાં આવે તેવી નથી તેવુ કહી શકાય પાલિકાના રૂા. ૧૦,પ૯,૦૦૦નો ખર્ચ માથે પડયો છે. આ કોન્ટ્રાક્ટર દ્વારા રૂા. પ,પર,૪૧૮ ના ખર્ચ આશાપુરી સોસાયટીમા વરસાદી પાણીના નિકાલની કેનાલ બનાવવામા આવી છે. તે કેનાલ પણ જમીનથી ૩ ફુટ ઉંચી કેનાલ બનાવી છે. મુખ્ય કેનાલમાં જોઈન્ટ પણ આપવામા આવ્યો નથી. કેનાલમાં પુષ્કળ કચરો અને મોટા પથરા હતા તે સાફ કર્યા વગર કોન્ટ્રાક્ટરે સ્લેબ નાખવાની કામગીરી શરુ કરતા પાલિકા સભ્ય ગીરીશભાઈ પટેલે કેનાલ ઉપર સ્લેબ ભરવાની કામગીરી અટકાવી હતી.
વિર કન્સ્ટ્રક્શન દ્વારા વિકાસ કામ ઉપયોગમાં આવે તેવુ નહી. પરંતુ બીલો મંજુર કરવા પુરતુ વિકાસ કામ થતુ હોય તેમ જણાય છે. હલકી ગુણવત્તાનો અને આડેધડ બીન અનુભવી વ્યક્તિઓ દ્વારા વિકાસ થાય છે. ત્યારે રર કરોડ અને ર૪ કરોડના વિકાસ કરાવાની ડંફાશો મારતુ પાલિકા તંત્ર તથા સભ્યોએ અત્યારે આંખે પાટા બાંધ્યા હોય તેમ જણાય છે.
ભક્તોના ઠાકોરવાસ થઈ રામાપીર મંદિર તરફના રોડની સાઈડમાં પાઈપ લાઈન નાખવામા આવી છે. તે વિસનગર વોર્ડ નં-૯માં આવે છે. વોર્ડ નં- ૯ ના કોર્પોરેટર ફુલચંદભાઈ પટેલ અન્ય વિસ્તારની રજુઆતો કરે છે. ત્યારે તેમના વિસ્તારમાં હલકી ગુણવત્તામાં અને આડેધડ થતા કામ બાબતે કેમ ચુપ છે. કોન્ટ્રાક્ટરથી એવા તો કેવા અંજાઈ ગયા છે કે ફુલચંદભાઈ પટેલને આ હલકી ગુણવત્તાની કામગીરી દેખાતી નથી. પાલિકા પ્રમુખ ગોવિંદભાઈ ગાંધી પણ જેમ તેમ કરી વિકાસનુ કામ કરી ફક્ત બીલો મંજુર કરવા પુરતી આ કામગીરી સામે બોલી શકતા નથી તે નવાઈની વાત છે અને પાલિકાના વિકાસ કામ ઉપર દેખરેખ રાખવાની જેમની પ્રથમ જવાબદારી આવે છે તે ચીફ ઓફીસર સંજયભાઈ પટેલને તો જાણે કોઈ ખબર જ ન હોય તેવું જણાય છે. શકુન્તલાબેન પટેલના પ્રમુખકાળમા રૂા.ર૪ કરોડના વિકાસ કામના ટેન્ડર પાડવામાં આવ્યા હતા. પરંતુ કોન્ટ્રાક્ટરોની કામગીરી જોતા કેટલા કરોડના વિકાસ કામ ઉપયોગી બને છે. અને કોન્ટ્રાક્ટરોની ફક્ત બીલો મંજુર કરવા પુરતી કામગીરીથી કેટલા કરોડ વ્યર્થ જવાના છે તે એક પ્રશ્ન છે. વરસાદી પાણીની લાઈનનું આવુ કામ કરનાર કોન્ટ્રાક્ટરનેે નોટીસ આપી કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહી કરવામા આવે છે કે પછી આવા કામના પણ બીલો મંજુર કરવામાં આવે છે તે જોવાનું રહ્યુ.

Leave a Reply

Top