You are here
Home > News > વિસનગરમાં સ્વચ્છતાના જાહેરમાં શપથ લેનાર ધારાસભ્ય ઋષિભાઈના ઘર આગળજ નર્કાગાર ગંદકી

વિસનગરમાં સ્વચ્છતાના જાહેરમાં શપથ લેનાર ધારાસભ્ય ઋષિભાઈના ઘર આગળજ નર્કાગાર ગંદકી

વિસનગરમાં સ્વચ્છતાના જાહેરમાં શપથ લેનાર
ધારાસભ્ય ઋષિભાઈના ઘર આગળજ નર્કાગાર ગંદકી
(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
આપણા નેતાઓ વિશ્વ પર્યારણ દિને સ્વચ્છતાના સંકલ્પો કરે છે અને ગાંધી જયંતીએ સ્વચ્છતાના જાહેરમાં શપથ લે છે પરંતુ આ ફક્ત સરકારે સુચવેલા કાર્યક્રમો પુરતુજ સીમીત રહે છે. હકીકતમાં નેતાઓ વડાપ્રધાનના સ્વચ્છ ભારત અભિયાન પ્રમાણે સ્વચ્છતા રાખવા અને જાળવવા કોઈ પ્રયત્નો કરતા નથી તેવુ વિસનગરના ધારાસભ્ય ઋષિભાઈ પટેલ ઉપરથી કહી શકાય. ધારાસભ્ય ઋષિભાઈ પટેલના ઘર આગળજ બારેમાસ નર્કાગાર ગંદકી રહે છે. ત્યારે આ ગંદકી દુર કરવા જાહેરમાં સ્વચ્છતાના શપથ લેનાર ધારાસભ્ય કેમ કોઈ પ્રયત્ન કરતા નથી તેવા લોકો પ્રશ્ન કરી રહ્યા છે.
વિસનગરના ધારાસભ્ય ઋષિભાઈ પટેલ થલોટા રોડ ઉપરની હરદ્વાર સોસાયટીમાં રહે છે. ધારાસભ્યની સોસાયટીની બહાર નીકળતાજ સામે જી.આઈ.ડી.સી.ના વરંડાને અડીને આવેલ એક ગટર બારેમાસ ઉભરાતા અહી ભારે ગંદકી ફેલાયેલી રહે છે. બારેમાસ દુર્ગંધ મારતુું પાણી ભરાયેલુ રહે છે. આ ગંદકીમાં આ વિસ્તારના લોકો તથા સફાઈ કામદારો કચરો ઠાલવતા નર્કાગાર જેવી સ્થિતિ સર્જાય છે. પાણી ભરાઈ કાદવ કિચ્ચડ થતો હોઈ અહી ભુંડનો પણ ત્રાસ વર્તાય છે. ભુંડ અચાનક દોડતા નાના વાહન ચાલકો પણ અકસ્માતનો ભોગ બને છે.
ધારાસભ્યની કૃપા દ્રષ્ટીથી સર્જાયેલા કચરાના સ્ટેન્ડ આગળથી થલોટા રોડ ઉપરની સોસાયટીઓમાં રહેતા અનેક લોકો વાહનો લઈને પસાર થાય છે. જે આ કચરો, કાદવ કિચ્ચડ અને ભુંડ જોઈને નાકનુ ટેરવુ ચડાવ્યા વગર રહેતા નથી. આ કચરો જોઈને લોકોને સુગ ચડે છે ત્યારે અહીથી દિવસમાં બે-ત્રણ વખત પસાર થતા આપણા ધારાસભ્યને કચરો કેમ દેખાતો નથી તે પ્રશ્ન છે. પછી કાવાદાવાથી ખદબદતી ગંદી રાજનિતિમાં કચરો અને ગંદકી જોવાની આદત તો નથી પડી ગઈને? આપણે માનીએ કે પાલિકામાં અત્યારે કોંગ્રેસનુ શાસન છે પરંતુ ધારાસભ્ય સ્વચ્છતા માટે અધિકારીને તો કહી શકે તેમ છે. વડાપ્રધાનના સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત ધારાસભ્ય હાથમાં ઝાડુ લઈ સફાઈ કરી શકતા હોય, સ્વચ્છતા માટે શપથ લઈ શકતા હોય પરંતુ તેમના વિસ્તારમાં જો સ્વચ્છતા રાખી શકતા ન હોય તો સ્વચ્છતાના કાર્યક્રમો કરવાનો મતલબ શુ?

Leave a Reply

Top