You are here
Home > News > શૌચાલયો તથા મનરેગા યોજનામાં થયેલા કામોમાં ભ્રષ્ટાચારની શંકા વ્યક્ત કરી ખંડોસણના કોંગ્રેસ કાર્યકરે તાલુકા પંચાયતમાં RTI કરતા ખળભળાટ

શૌચાલયો તથા મનરેગા યોજનામાં થયેલા કામોમાં ભ્રષ્ટાચારની શંકા વ્યક્ત કરી ખંડોસણના કોંગ્રેસ કાર્યકરે તાલુકા પંચાયતમાં RTI કરતા ખળભળાટ

શૌચાલયો તથા મનરેગા યોજનામાં થયેલા કામોમાં ભ્રષ્ટાચારની શંકા વ્યક્ત કરી
ખંડોસણના કોંગ્રેસ કાર્યકરે તાલુકા પંચાયતમાં RTI કરતા ખળભળાટ
(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
સરકારે સ્વચ્છ ભારત મિશન(ગ્રામિણ) યોજના અંતર્ગત શૌચાલય વિહોણા પરિવારોને શૌચાલય બનાવવા માટે નિયમોનુસાર સહાય આપવાની યોજના અમલમાં મુકી છે. જેમાં વિસનગર તાલુકાના ગામોમાં બનાવેલા શૌચાલયો તથા મનરેગા યોજનામાં થયેલા વિકાસ કામોમાં ભ્રષ્ટાચાર થયો હોવાની શંકા વ્યક્ત કરતા ખંડોસણના કોંગ્રેસના એક કાર્યકરે તા.૨૨-૧૨-૨૦૧૫ થી ૧-૧૦-૨૦૧૮ સુધીમાં સરકારની ગ્રાન્ટમાંથી તાલુકામાં બનાવેલા શૌચાલયોનો લાભ લેનાર લાભાર્થીના નામ-સરનામા તથા તેમને ફળવાયેલ રકમ તથા મનરેગા યોજનામાં સરકારની વિવિધ ગ્રાન્ટોમાંથી તાલુકામાં થયેલા વિકાસ કામોની માહિતી માગતા સ્થાનિક રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે.
સરકારની સ્વચ્છ ભારત મિશન(ગ્રામિણ) યોજના તથા તાલુકા પંચાયતની મનરેગા યોજનામાં વિસનગર તાલુકામાં થયેલ વિકાસ કામોમાં ભ્રષ્ટાચાર થયો હોવાની શંકા વ્યક્ત કરતા તાલુકાના ખંડોસણ ગામના કોંગ્રેસના કાર્યકર રબારી શૈલેષભાઈ સાગરભાઈએ સરકારના માહિતી અધિકાર કાયદા અન્વયે વિસનગર તાલુકા પંચાયતમાં માહિતી માગી છે. જેમાં અરજદારે સ્વચ્છતા અભિયાન હેઠળ બનાવેલ શૌચાલયોમાં કઈ માહિતી માગી છે તેની વિગતો જોઈએ તો, સરકારની સ્વચ્છ ભારત યોજના અંતર્ગત વિસનગર તાલુકાના ગામડાઓમાં તા.૨૨-૧૨-૨૦૧૫ થી તા.૧-૧૦-૨૦૧૮ સુધીના સમયગાળામાં કેટલા શૌચાલયો બનાવ્યા. તથા સરકારની વિવિધ નાણાંકીય ગ્રાન્ટોમાંથી ફળવાયેલ રકમની આધાર-પુરાવા સહિતની માહિતી, તાલુકા પંચાયતે કયા પ્રકારના માપદંડો અમલમાં મુકીને શૌચાલય નિર્માણ યોજનાના અમલીકરણ અંગે યાદી તૈયાર કરેલ હોય તો તે તમામ ગામદીઠ શૌચાલયોનો લાભ લેનાર લાભાર્થીના નામ, સરનામા અને તેમને ફાળવાયેલ ગ્રાન્ટની રકમની માહિતી, તાલુકા પંચાયતે કયા પ્રકારના માપદંડો અમલમાં મુકીને શૌચાલયનો લાભ લેનાર લાભાર્થીને તેની સહાયનું ચુકવણુ કઈ રીતે કરવામાં આવ્યુ છે તેની માહિતી તથા કયા લાભાર્થીને કઈ તારીખે નાણાંકીય રકમનુ ચુકવણુ કરાયુ છે તે સહિતની અન્ય માહિતીની પ્રમાણિત નકલો માગી છે. જ્યારે સરકારની મનરેગા યોજનામાં તા.૨૨-૧૨-૨૦૧૫ થી ૧-૧૦-૨૦૧૮ સુધીના સમયગાળામાં તાલુકા પંચાયત વિસ્તારના તમામ ગામોમાં સરકારની યોજનાનો લાભ આપવા માટે અખત્યાર કરાયેલ વહીવટી કામગીરીની પધ્ધતિઓ અંગેના ઉપલબ્ધ કાયદા અને કેન્દ્ર-રાજ્ય સરકાર તેમજ જીલ્લા પંચાયત મહેસાણાના આદેશો અને પ્રમાણપત્રોની માહિતી સહિતના આધાર-પુરાવા, મનરેગા યોજના માટે કેન્દ્ર સરકારની ગ્રાન્ટ તેમજ મહેસાણા સંસદ સભ્ય અને રાજ્ય સભાના સભ્યશ્રીઓને ફળવાયેલ ગ્રાન્ટોમાંથી વિસનગર તાલુકામાં ગામદીઠ ફળવાયેલ ગ્રાન્ટની માહિતી, મનરેગા યોજનામાં તાલુકા પંચાયતે કયા પ્રકારના માપદંડો અમલમાં મુકીને યોજના દ્વારા જરૂરીયાતમંદ પરિવારોને શોધી તે પરિવારની વ્યક્તિને ૧૦૦ દિવસની રોજગારી આપવા માટે યાદી તૈયાર કરેલ હોય તો તે તમામ ગામદીઠ મનરેગા યોજનાનો લાભ લેનાર લાભાર્થીના નામ, સરનામા અને તેમને ફાળવાયેલ ચુકવવામાં આવેલ રકમ અને આ યોજનામાં વિસનગર તાલુકાના તમામ ગામોમાં સાર્વજનિક વિકાસ કામો થયા હોય તો તે ગામનું નામ અને લાભાર્થીઓની નામ-સરનામા તથા ફોન-મોબાઈલ સહિતની વિગતવાર માહિતી અને મનરેગા યોજનામાં હાથ ધરાયેલ ગામોમાં વિકાસકામો પૂર્ણ કરેલ છે કે નહી તે અંગે દેખરેખ રાખવાની કામગીરી હાથ ધરાય છેકે નહી તેની આધાર-પુરાવા સાથેની પ્રમાણિત નકલોની માહિતી માગી છે. અરજદારે સરકારની વિવિધ યોજનામાં તાલુકાના દરેક ગામોમાં થયેલા વિકાસકામોની માહિતી માગતા તાલુકા પંચાયતમાં ખળભળાટ મચી ગયો છે.

Leave a Reply

Top