You are here
Home > News > હિંમતનગરના ઢુઢરમાં ૧૪ માસની બાળા સાથે દુષ્કર્મ કરવાની ઘટનામાં વિસનગર ક્ષત્રિય ઠાકોર સેનાની નરાધમને ફાંસી આપવા માગણી

હિંમતનગરના ઢુઢરમાં ૧૪ માસની બાળા સાથે દુષ્કર્મ કરવાની ઘટનામાં વિસનગર ક્ષત્રિય ઠાકોર સેનાની નરાધમને ફાંસી આપવા માગણી

હિંમતનગરના ઢુઢરમાં ૧૪ માસની બાળા સાથે દુષ્કર્મ કરવાની ઘટનામાં
વિસનગર ક્ષત્રિય ઠાકોર સેનાની નરાધમને ફાંસી આપવા માગણી
(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
હિંમતનગર તાલુકાના ઢુઢર ગામમાં ૧૪ માસની માસુમ બાળા ઉપર થયેલ દુષ્કર્મની ઘટનાના વિરોધમાં વિસનગર ક્ષત્રિય ઠાકોર સેના દ્વારા ગત સોમવારે રાત્રે શહેરના ડોસાભાઈ બાગથી ત્રણ દરવાજા ટાવર સુધી કેન્ડલ માર્ચ યોજાઈ હતી. ત્રણ દરવાજા ટાવર પાસે ક્ષત્રિય ઠાકોર સેનાના કાર્યકરોએ બાળા સાથે દુષ્કર્મ આચરનાર પરપ્રાંતિય નરાધમને ફાંસી આપવાની માગણી સાથે તેના પુતળાનું દહન કરી રોષ વ્યક્ત કર્યો હતો.
હિંમતનગર તાલુકાના ઢુઢર ગામમાં એક પરપ્રાંતિય નરાધમે ૧૪ માસની માસુમ બાળા સાથે દુષ્કર્મ કરવાની ઘટનાના પ્રત્યાઘાતો સમગ્ર રાજ્યમાં પડ્યા છે. અને દરેક સમાજના લોકો આ પરપ્રાંતિય નરાધમને ફાંસીની સજા મળે તેવી માગણી કરી પોતાનો રોષ વ્યક્ત કરી રહ્યા છે. જેમાં વિસનગર ક્ષત્રિય સેનાએ ગત રવિવારે શહેરમાં પાણીપુરીની લારીઓ ચલાવતા તમામ પરપ્રાંતિય લોકોના ધંધા-રોજગાર બંધ કરાવી રોષ વ્યક્ત કર્યો હતો. જ્યારે સોમવારે રાત્રે ૯-૦૦ કલાકે ક્ષત્રિય ઠાકોર સેના દ્વારા માસુમ બાળા પર દુષ્કર્મ આચરનાર નરાધમ આરોપીને ફાંસીની સજા આપવાની માગણી સાથે ડોસાભાઈ બાગથી ત્રણ દરવાજા ટાવર સુધી કેન્ડલ માર્ચ યોજાઈ હતી. આ કેન્ડલમાર્ચના કાર્યક્રમમાં વિસનગર ક્ષત્રિય ઠાકોર સેનાના પ્રમુખ લાલસિંહ ઠાકોર, તાલુકા પ્રમુખ લાભુજી ઠાકોર(ભાન્ડુ), પાલિકા વિરોધપક્ષના નેતા અજમલજી ઠાકોર, પાલિકા સભ્ય ઈકબાલભાઈ ચોકસી, શામળભાઈ રબારી સહિત પાલિકા સભ્યો અને ક્ષત્રિય ઠાકોર સેનાના ભાઈ-બહેનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. કેન્ડલ માર્ચ બાદ ત્રણ દરવાજા ટાવર પાસે ક્ષત્રિય ઠાકોર સેનાના કાર્યકરોએ બાળા પર દુષ્કર્મ આચરનાર નરાધમના પુતળાનુ દહન કરી રોષ વ્યક્ત કર્યો હતો.

Leave a Reply

Top