You are here
Home > News > ત્રણ દરવાજા ટાવર પાસે આડેધડ વાહનો પાર્ક કરતા વિસનગર પોલીસે ટ્રાફીકને અડચણરૂપ વાહન ચાલકોને દંડ ફટકાર્યો

ત્રણ દરવાજા ટાવર પાસે આડેધડ વાહનો પાર્ક કરતા વિસનગર પોલીસે ટ્રાફીકને અડચણરૂપ વાહન ચાલકોને દંડ ફટકાર્યો

ત્રણ દરવાજા ટાવર પાસે આડેધડ વાહનો પાર્ક કરતા
વિસનગર પોલીસે ટ્રાફીકને અડચણરૂપ વાહન ચાલકોને દંડ ફટકાર્યો
(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
વિસનગરમાં ત્રણ દરવાજા ટાવર સામે ફુવારાની પાસે બજારમાં ખરીદી કરવા આવનાર ગ્રાહક આડેધડ વાહનપાર્ક કરતા ટ્રાફીકની ભારે સમસ્યા સર્જાઈ છે. ત્યારે વિસનગર પી.આઈ. વી.પી.પટેલની સુચનાથી પોલીસ સ્ટાફ દ્વારા ગેરકાયદેસર પાર્ક કરેલ વાહન ચાલકો સામે કાર્યવાહી કરી હતી. કેટલાક વાહનો પોલીસ સ્ટેશનમાં લાવવામાં આવ્યા હતા. કેટલાક વાહન ચાલકોને મેમા આપીને તો કેટલાકને દંડ ફટકારી વાહનો કેવી રીતે પાર્ક કરાય તેનુ ભાન કરાવ્યુ હતું.
વિસનગરના બજારોમાં નવી દુકાનો અને નવા શો રૂમ બનતા જાય છે. પરંતુ પાલિકા તંત્રના આશિર્વાદથી પાર્કિંગના નિયમોનુ કોઈ પાલન કરવામાં આવતુ નહી હોવાથી વાહન લઈ ખરીદી કરવા આવનાર ગ્રાહકને જ્યા ત્યા વાહન પાર્ક કરવા મજબુર બનવુ પડે છે. વિસનગરના બજારોમાં આતો રોજીંદી સમસ્યા બની ગઈ છે. ત્રણ દરવાજા ટાવરની અંદર માયા બજારમાં વાહન લઈ ખરીદી કરવા આવનાર અજાણ્યા ગ્રાહકો ત્રણ દરવાજા ટાવર સામેના ફુવારા પાસે વાહન પાર્ક કરે છે. ઘણી વખતતો ચાર થી પાંચ કાર આડી અને ઉભી પાર્ક થયેલી જોવા મળે છે. આવીજ પરિસ્થિતિ બજરંગ ચોકમાં પણ છે. અહી પાર્કિંગ સ્ટેન્ડ નહી હોવા છતા તહેવારમાં ઘરાકીના સમયે વાહનોનો ખડકલો જોવા મળે છે. કાયદો અને વ્યવસ્થાનું પાલન થતુ નહી હોવાથી ઘણી વખતતો પોલીસ સ્ટેશનના દરવાજાની સામે સુધી લાઈનસર વાહનો ગોઠવાઈ જાય છે.
ત્રણ દરવાજા ટાવર વિસ્તારમાં રસ્તા સાંકડા છે, તેમાં પણ આડેધડ ગેરકાયદેસર વાહનો પાર્ક કરવાના કારણે ટ્રાફીકમાં ભારે મુશ્કેલી ઉભી થાય છે. તા.૧૮-૧૦ ના રોજ દશેરાના દિવસે ત્રણ દરવાજા ટાવર સામે આડેધડ પાર્ક કરેલ વાહનોના કારણે ટ્રાફીકની સમસ્યા સર્જાઈ હતી. વિસનગર સીટી પોલીસ સ્ટેશનના પી.આઈ. વી.પી.પટેલની સુચનાથી ગેરકાયદેસર પાર્ક કરનાર વાહન ચાલકોને શબક શીખવાડવા માટે પોલીસ સ્ટાફ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેમાં કેટલાક વાહન ચાલકોને આર.ટી.ઓ. મેમો આપવામાં આવ્યો હતો. જ્યારે કેટલાક વાહન ચાલકોને વાહન સાથે પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા. જ્યાં પોલીસે દંડ ફટકારી વાહનો મુક્ત કરવામાં આવ્યા હતા.
નોંધપાત્ર બાબત છેકે ત્રણ દરવાજા ટાવરથી સ્ટેશન સુધીના ગૌરવપથ રોડ ઉપર એક બજરંગ ચોક તથા બીજુ સી.એન.કોલેજ સામે ફોર વ્હીલ વાહનો પાર્ક કરવા માટે પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવી છે. ત્યારે આ પાર્કિંગની જગ્યામાં ટેક્ષી સ્ટેન્ડ બની ગયા છે. ભાડે વાહન ફેરવતા વાહન માલિકોએ આ બન્ને જગ્યા પચાવી પાડી છે. જેના કારણે બહારગામથી બજારમાં ખરીદી કરવા આવનાર વાહન ચાલકને રોડ ઉપર ક્યાય વાહન પાર્ક કરવાની જગ્યા મળતી નથી અને છેવટે ગમે ત્યાં વાહન પાર્ક કરવા મજબુર બને છે. પાલિકા તંત્ર અને પોલીસ સંયુક્ત રીતે કવાયત હાથ ધરી વાહન પાર્ક કરવાની જગ્યા ટેક્ષી ચાલકોના કબજામાંથી છોડાવે તો બહારગામથી વાહન લઈ ખરીદી કરવા આવનારને વાહન પાર્ક કરવાની જગ્યા મળી રહે.

Leave a Reply

Top