You are here
Home > News > પાલિકા પ્રમુખ તથા સભ્યોએ કલોલ પ્લાન્ટની મુલાકાત લીધી ઈસરોના વૈજ્ઞાનિક કચરામાંથી વિજળી-ઓઈલ ઉત્પન્ન કરે છે

પાલિકા પ્રમુખ તથા સભ્યોએ કલોલ પ્લાન્ટની મુલાકાત લીધી ઈસરોના વૈજ્ઞાનિક કચરામાંથી વિજળી-ઓઈલ ઉત્પન્ન કરે છે

પાલિકા પ્રમુખ તથા સભ્યોએ કલોલ પ્લાન્ટની મુલાકાત લીધી
ઈસરોના વૈજ્ઞાનિક કચરામાંથી વિજળી-ઓઈલ ઉત્પન્ન કરે છે
(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સ્વચ્છ ભારત અભિયાન ઉપાડ્યુ છે. પરંતુ કચરાનો નિકાલ ન થાય ત્યાં સુધી આ સ્વચ્છતાનુ અભિયાન કોઈ કામનુ નથી. આ અભિયાનમાં એક સ્થળે સ્વચ્છતા થશે ત્યારે બીજા સ્થળે કચરાના ઢગ ખડકાશે. ઈસરોના વૈજ્ઞાનિક દ્વારા કલોલમાં કચરામાંથી વિજળી અને ઓઈલ ઉત્પન્ન કરવાનુ પ્લાન્ટ બનાવ્યો છે. વિસનગર પાલિકા પ્રમુખ તથા સભ્યોએ આ પ્લાન્ટની મુલાકાત લઈ વૈજ્ઞાનિક સાથે ચર્ચા કરી હતી.
મનુષ્ય દ્વારા ઉપયોગમાં લેવામાં આવતી વસ્તુઓમાંથી ઉત્પન્ન થતો કચરો એ વૈશ્વીક સમસ્યા છે. એમાંય પ્લાસ્ટીક પ્રદુષણ તો ગ્લોબલ વોર્મીંગ માટે ખતરનાક સાબીત થઈ રહ્યુ છે. આપણા અધિકારીઓ કચરાનો નાશ કરવાના નામે વર્મી કમ્પોસ્ટ પ્લાન્ટ જેવો કૌભાંડી યોજનાઓ બનાવી શકે છે. પરંતુ વૈજ્ઞાનિક ઢબે કચરાનો નિકાલ કરવાની કાર્યવાહી કરી શકતા નથી. કોઈ વૈજ્ઞાનિક કચરાના નિકાલ માટે પ્લાન તૈયાર કરે, પરંતુ અધિકારીઓને કૌભાંડ કરવા મળતુ ન હોય તો આવાં વૈજ્ઞાનિકોના પ્લાન આગળ વધવા દેતા નથી. ત્યારે કલોલમાં ઈસરોના વૈજ્ઞાનિક દ્વારા કચરાનો નિકાલ થાય અને તેમાંથી બાય પ્રોડક્ટ રૂપે વિજળી તથા ઓઈલ ઉત્પન્ન થાય તેવો એક અદ્‌ભૂત પ્લાન્ટ તૈયાર કરવામાં આવ્યો છે. પાલિકાના કચરા સ્ટેન્ડ પાસે આ પ્લાન્ટ બનાવવામાં આવ્યો છે. પાલિકા દ્વારા જગ્યા આપવામાં આવી છે અને લગભગ ૨૦ વર્ષનો કોન્ટ્રાક્ટ કરાયો છે. ત્યારબાદ પ્લાન્ટમાં આરસીસી વર્ક, મશીનરી, વિજળી, કારીગરો તમામ ખર્ચ પ્લાન્ટના સંચાલકે કર્યો છે. કચરામાંથી માટી, રોડા જેવી નક્કુર વસ્તુઓ દુર કરી બાકીનો તમામ કચરો ઉપયોગમાં લેવાય છે. તમામ કચરો કામમાં આવે છે અને પ્રોસેસ બાદ કોઈ કચરો વધતો નથી.
વિસનગર પાલિકા પ્રમુખ ગોવિંદભાઈ ગાંધી, દર્શનભાઈ પરમાર, બકુલભાઈ ત્રીવેદી, સુભાષભાઈ પટેલ તથા સેનેટરી ઈન્પેક્ટર સંદીપભાઈ પટેલે ગત અઠવાડીયે કલોલના પ્લાન્ટની મુલાકાત લીધી હતી. વિસનગરમાં આ પ્લાન્ટ નાખી શકાય કે કેમ તેની પ્લાન્ટના સંચાલક વૈજ્ઞાનિક સાથે ચર્ચાઓ કરી હતી. વૈજ્ઞાનિકના જણાવ્યા પ્રમાણે એકઠો થયેલો કચરો વાપરતા છ માસનો સમય થાય ત્યારબાદ કલોલ જેવડા શહેરનો રોજનો કચરો ઓછો પડે. વિસનગરમાં સુંશી રોડ ઉપર આવેલા પાલિકાના કચરા સ્ટેન્ડમાં એકઠો થયેલો કચરો એ માથાના દુઃખાવા રૂપ સાબીત થયો છે. ત્યારે પાલિકા પ્રમુખ તથા સભ્યોએ જે પ્લાન્ટની મુલાકાત લીધી તે પ્લાન્ટ વિસનગરમાં નાખવામાં આવે તો કચરાના નિકાલની કાયમી શાંતી થઈ જાય.

Leave a Reply

Top