
વિસનગર ઉમા બાવન સમાજની વાડીમાં મીટીંગ મળી
પાટીદાર કોંગ્રેસ વિકાસ મંચ દ્વારા મજબુત સંગઠન બનાવાશે
(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
લોકસભાની ચુંટણીમાં નજીક આવતાજ વિવિધ વિકાસ મંચ દ્વારા સંગઠનો બનાવવાના પ્રયત્નો શરૂ થયા છે. માજીમંત્રી કીરીટભાઈ પટેલની અધ્યક્ષતામાં વિસનગર તાલુકામાં પાટીદાર કોંગ્રેસ વિકાસ મંચની મીટીંગો શરૂ થઈ છે. આ વિકાસ મંચ થકી કોંગ્રેસનુ સંગઠન વધુ મજબુત બનાવવા વધુમાં વધુ પાટીદારોને વિકાસ મંચમાં સામેલ કરવા તેમજ રાજકીય અને સામાજીક પ્રવૃત્તીથી પાટીદાર સમાજના ઉત્થાન કરવાના વિચારો વિસનગરમાં યોજાયેલ મીટીંગમાં વ્યક્ત કરવામાં આવ્યા હતા.
વિસનગરના પૂર્વ ધારાસભ્ય તેમજ સરકારના પૂર્વ મંત્રી કીરીટભાઈ પટેલે તેમના ધારાસભ્ય કાળમાં નાતજાતના ભેદભાવ વગર તાલુકામાં કરેલા વિકાસ કાર્યો અને લોકસેવાના કાર્યોને લઈને આજે પણ તેઓ તાલુકાની જનતામાં આદરભાવ ધરાવે છે. કીરીટભાઈ પટેલ પાટીદાર કોંગ્રેસ વિકાસ મંચના પ્રમુખ તરીકે મીટીંગો શરૂ કરતા લોક આવકાર મળી રહ્યો છે. વિસનગરમાં તા.૨૫-૧૦-૨૦૧૮ ના રોજ મહેસાણા જીલ્લા પાટીદાર વિકાસ મંચ દ્વારા કાંસા ચાર રસ્તા પાસે ઉમા બાવન સમાજની વાડીમાં વિસનગર શહેર અને તાલુકાના પાટીદારોની મીટીંગનુ આયોજન કરવામાં આવ્યુ હતુ. વિકાસમંચના પ્રમુખ માજી મંત્રી કીરીટભાઈ પટેલની અધ્યક્ષતામાં યોજાયેલ આ મીટીંગમાં વિકાસ મંચના ઈન્ચાર્જ મહામંત્રી સુરેશભાઈ પટેલ(વાલમ), ઉપપ્રમુખ જયપ્રકાશભાઈ, એ.જે.પટેલ, તાલુકા કોંગ્રેસ પ્રમુખ પશાભાઈ પટેલ, જીલ્લા પંચાયત પ્રમુખ શીલાબેન પટેલ, તાલુકા પંચાયત પ્રમુખ પ્રવિણભાઈ પટેલ, પાલિકા પ્રમુખ ગોવિંદભાઈ ગાંધી, બાબુભાઈ વાસણવાળા, વડનગર કોંગ્રેસ અગ્રણી તથા માર્કેટયાર્ડના ડીરેક્ટર પરેશભાઈ પટેલ, કમલેશભાઈ પટેલ, રોહિતભાઈ પટેલ, જીલ્લા પંચાયત સદસ્યો, તાલુકા પંચાયતના સભ્યો, પાલિકા સભ્યો વિગેરે આગેવાનો અને કાર્યકરોએ હાજરી આપી હતી. આ મીટીંગમાં પાટીદાર વિકાસ મંચનો હેતુ બાબતે જણાવ્યુ હતુ કે રાજકીય અને સામાજીક પ્રવૃત્તિથી પાટીદાર સમાજના ઉત્થાન માટે વિવિધ પ્રવૃત્તિઓ આવનાર સમયમાં કરવામાં આવશે. તાલુકા અને શહેરના પાટીદારોને વિકાસમંચના સભ્ય બનાવી પાટીદારો કોંગ્રેસ પક્ષ પણ મજબુત બને તેવા કાર્યો કરવામાં આવશે. દિવાળી બાદ જીલ્લા અને તાલુકામાં સીટ વાઈઝ તેમજ પાલિકામાં વોર્ડ વાઈઝ બેઠકો અને મીટીંગો કરી પાટીદારો વધુમાં વધુ જોડાય તેવુ અભિયાન ચલાવવામાં આવશે. કોંગ્રેસ પક્ષમાં રહેલા અન્ય સમાજો જોડે ખભેખભો મિલાવી સમજુતીથી પાર્ટીના સંગઠનને મજબુત બનાવવાનુ કામ કરવામા આવશે. વિસનગરની મીટીંગમાં જીલ્લા પંચાયત, તાલુકા પંચાયત તથા પાલિકામા ચુંટાયેલા સભ્યો તેમજ ટીકીટ મેળવી ચુંટણી લડેલા કાર્યકરોએ હાજરી આપી હતી.
પાટીદાર કોંગ્રેસ વિકાસ મંડળના જીલ્લાના ઈન્ચાર્જ સુરેશભાઈ પટેલ (વાલમ)એ જણાવ્યુ હતું કે તા.રપ-૧૦ના રોજ બપોર પછી પાટીદાર કોંગ્રેસ વિકાસ મંચ દ્વારા વડનગર તાલુકાની મીટીંગ વડનગરમાં સાતસો સમાજની વાડીમાં મળી હતી. જેમા વડનગર, ખેરાલુ તથા સતલાસણા તાલુકાના પાટીદારોએ આ મીટીંગમા હાજરી આપી હતી. આ મીટીંગમા પણ પાટીદારો વિકાસ મંચમાં જોડાઈ કોંગ્રેસને મજબુત બનાવવા હાકલ કરવામા આવી હતી.