You are here
Home > Prachar News > પાલિકા કચરા સ્ટેન્ડની જગ્યા નહી બદલતા વિસનગરમાં જાહેર માર્ગો ઉપર કચરો ઠાલવી વિરોધ દર્શાવ્યો

પાલિકા કચરા સ્ટેન્ડની જગ્યા નહી બદલતા વિસનગરમાં જાહેર માર્ગો ઉપર કચરો ઠાલવી વિરોધ દર્શાવ્યો

પાલિકા કચરા સ્ટેન્ડની જગ્યા નહી બદલતા
વિસનગરમાં જાહેર માર્ગો ઉપર કચરો ઠાલવી વિરોધ દર્શાવ્યો
(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
વિસનગરમાં સુંશી રોડ ઉપર આવેલ કચરા સ્ટેન્ડમાં આગ લાગતા તેનો ધુમાડો સમગ્ર વિસ્તારમાં ફેલાતા કચરા સ્ટેન્ડની જગ્યા બદલવા છેલ્લા ઘણા સમયથી માગણી હતી. પાલિકા દ્વારા તેનો નિર્ણય લેવામાં નહી આવતા જાહેર રોડ ઉપર કચરો ઠાલવી કચરા સ્ટેન્ડનો વિરોધ દર્શાવ્યો હતો. અત્યારે સર્વે નં.૩૦૫ માં કચરો ઠલવવામાં આવે છે ત્યારે તેમા પણ આગ લાગતા કચરાના ઢગલામાં આગ લાગવા પાછળનું રહસ્ય શુ? તેની ચર્ચાઓ થઈ રહી છે.
સરકાર દ્વારા સ્વચ્છ ભારત અભિયાન ચલાવવામાં આવી રહ્યુ છે. પરંતુ સ્વચ્છતા બાદ એકઠો થયેલો કચરાનો નિકાલ કરવામાં કોઈ નક્કર આયોજન ન હોઈ કચરાના ઢગલા તંત્ર માટે માથાના દુઃખાવા રૂપ સાબીત થઈ રહ્યા છે. વિસનગરમાં સુંશી રોડ ઉપર આવેલ કચરા સ્ટેન્ડમાં સમગ્ર શહેરનો કચરો ઠલવવામાં આવે છે. છેલ્લા એકાદ માસમાં આ કચરા સ્ટેન્ડમાં ચાર થી પાંચ વખત આગ લાગતા આ સમગ્ર વિસ્તારમાં ધુમાડાનુ પ્રદુષણ ફેલાતા કચરા સ્ટેન્ડને લઈ ભારે વિરોષ ઉભો થયો હતો. વોર્ડ નં.૯ અને વોર્ડ નં.૨ ના સભ્યો દ્વારા કચરા સ્ટેન્ડ ખસેડી અન્ય જગ્યાએ લઈ જવા માટે પાલિકામાં વારંવાર રજુઆત કરવામાં આવી હતી. એક વખત તો પાલિકાના કચરો ઠાલવવા આવેલા ટ્રેક્ટરો પણ રોકવામાં આવ્યા હતા. પાલિકા ઠરાવ કરી કચરા સ્ટેન્ડની જગ્યા બદલવા માટે ઉગ્ર માગણી થઈ હતી. પરંતુ પાલિકા દ્વારા કચરા સ્ટેન્ડની જગ્યા બદલવા માટે કોઈ નક્કર પગલા નહી ભરતા ભાઈબીજના દિવસે કચરા સ્ટેન્ડથી ત્રાસેલા લોકોએ ઉગ્ર મીજાજ દાખવ્યો હતો. તા.૯-૧૧ ને ભાઈબીજના દિવસે સવારે નીકળતા પાલિકા કાર્યાલય આગળ, ત્રણ દરવાજા ટાવરની વચ્ચે અને રેલવે સ્ટેશન સર્કલ આગળ કચરાના ઢગલા જોઈ આશ્ચર્ય વ્યક્ત કર્યુ હતુ. ત્રણ દરવાજા ટાવર વચ્ચોવચ્ચ કચરાના ઢગલા કરતા રસ્તો બંધ થઈ ગયો હતો. કચરા સ્ટેન્ડનો વિરોધ કરનાર લોકોનો જાહેરમાં કચરો ઠાલવવાનુ વિરોધ પ્રદર્શન જોઈ પાલિકા તંત્ર દોડતુ થઈ ગયુ હતુ. પાલિકાએ જાહેર માર્ગ ઉપરથી કચરો હટાવી તાત્કાલીક પટણી દરવાજા વિસ્તારમાં આવેલ સર્વે નં.૩૦૫ પાસેના ખાડામાં કચરો નાખવાનો નિર્ણય કરાયો હતો. અત્યારે સર્વે નં.૩૦૫ પાસેના ખાડામાં કચરો નાખવામાં આવે છે. ત્યારે તા.૨૧-૧૧-૨૦૧૮ ને બુધવારના રોજ રાત્રે આ કચરાના ઢગલામાં ભારે આગ લાગી હતી. કચરાના ઢગલામાં કેવી રીતે આગ લાગે છે અને કોણ આગ લગાડે છે તે એક રહસ્ય છે. કચરાના ઢગલામાં આગ લાગતા નૂતન હાઈસ્કુલ, ગંજબજાર, દગાલા વિસ્તાર, જવાહર સોસાયટી સમગ્ર વિસ્તારમાં રાત્રે ધુમાડાનુ વાતાવરણ છવાયુ હતુ. પાલિકા જો શહેરથી દુર કચરા સ્ટેન્ડની જગ્યાનો નિર્ણય નહી કરે તો કચરાના ઢગલામાં વારંવાર આગ લાગવાના બનાવથી સર્વે નં.૩૦૫ ગુંદીખાડ વિસ્તારના લોકો દ્વારા પણ કચરા સ્ટેન્ડનો વિરોધ કરવામાં આવે તો નવાઈ નહી.

Leave a Reply

Top