You are here
Home > News > વિસનગર સિવિલમાં ફરતા સાપથી લોકોમાં ભય

વિસનગર સિવિલમાં ફરતા સાપથી લોકોમાં ભય

વિસનગર સિવિલમાં ફરતા સાપથી લોકોમાં ભય
(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
વિસનગર સિવિલ હોસ્પીટલના કંમ્પાઉન્ડમાં છેલ્લા ઘણા સમયથી એક છ ફુટનો લાંબો સાપ ફરી રહ્યો છે. જે મોટે ભાગે ટી.બી.હોસ્પીટલ મકાનની આસપાસ જોવા મળે છે. હોસ્પિટલમાં ઝાડી ઝાંખરા ઉગ્યા હોવાથી તેમજ ગંદકીના કારણે ઝેરી જીવજંતુઓ જોવા મળે છે. હોસ્પિટલના અધિક્ષક કંમ્પાઉન્ડના ખુણા ખાચરામાં વર્ષે એક વખત આંટો મારે તો ખ્યાલ આવે કે કેટલી ગંદકી છે. ઝેરી સાપને જોઈ હોસ્પિટલમાં આવતા દર્દિઓ પણ ભય અનુભવી રહ્યા છે.
વિસનગર સિવિલ હોસ્પિટલ એ કોઈ વગડામાં નથી શહેરની મધ્યમાં આવેલુ છે. તેમ છતાં હોસ્પિટલના કંમ્પાઉન્ડમાં ઝેરી જીવ જંતુ ફરતા જોવા મળે તે બતાવે છે કે હોસ્પિટલના કંમ્પાઉન્ડમાં કેટલી ગંદકી છે અને કંમ્પાઉન્ડની સ્વચ્છતા માટે કેટલી નિષ્ક્રીયતા દાખવવામાં આવી રહી છે. હોસ્પિટલ કંમ્પાઉન્ડમાં ટી.બી. હોસ્પિટલના જુના મકાન આગળથી લોકોની ભારે અવર જવર છે. સવાલા દરવાજા સ્ટેન્ડ તથા એસ.ટી. ડેપોમાં ઉતરતા મોટા ભાગના દર્દિઓ એમ.એન. કોલેજ રોડ તરફના હોસ્પિટલના દરવાજાનો અવર જવર તરીકે ઉપયોગ કરે છે. હોસ્પિટલ પાછળની સોસાયટીના લોકો પણ આ રસ્તેથી પસાર થાય છે. ત્યારે કેટલીકવાર પાણી ટાંકી તરફ તો કેટલીકવાર ટી.બી.હોસ્પિટલ મકાન તરફ એક મોટો છ ફુટનો સાપ ફરતો જોવા મળે છે. ત્યારે આ સાપને જોઈ લોકો ભય અને ગભરાટ અનુભવી રહ્યા છે.
હોસ્પિટલ કંમ્પાઉન્ડમાં જોવા મળતા ઝેરી જીવ જંતુઓનુ કારણ હોસ્પિટલમાં ઉગેલા ઝાડી ઝાખરા અને ગંદકી છે. કંમ્પાઉન્ડમાં જુના ઓ.પી.ડી. મકાનની પાછળ હોસ્પિટલ અધિક્ષકની ઓફીસની સામે માર્કેટની પાછળ જુના સ્ટાફ ક્વાર્ટર આસ પાસ પી.એમ.રૂમ આસપાસ ટી.બી. હોસ્પિટલ મકાન પાછળ સ્વસ્તિક સોસાયટીના પાછળના ભાગે વિગેરે જગ્યાએ ખુબજ પ્રમાણમાં ઝાડી ઝાખરા ઉગ્યા છે. આ ઝાડી ઝાંખરા જ ઝેરી જીવજંતુઓના છુપાવવાની જગ્યા છે. વળી પી.એમ.રૂમ પાછળના ભાગે હીરા બજાર નીચેથી પસાર થતી કેનાલ પાલિકા દ્વારા પાકી બનાવવામાં આવી ત્યારે કોન્ટ્રાક્ટરે હોસ્પિટલ કંમ્પાઉન્ડમાં માલ સામાન ઉતાર્યો હતો. જેના કારણે હોસ્પિટલની કંમ્પાઉન્ડ દિવાલ તુટી ગઈ હતી. આ કારણે પણ કેનાલમાંથી ઝેરી જીવ જંતુઓ હોસ્પિટલ પરીસરમાં પ્રવેશે છે. હોસ્પિટલની કંમ્પાઉન્ડ તુટી જવાના કારણે પી.એમ.રૂમ પાસે ગટરનું પાણી પણ ભરાઈ રહે છે. હોસ્પિટલની અંદર પાલિકાના કોન્ટ્રાક્ટરને કામ કરવાની મંજુરી આપવામાં ન જાણે કોને શું મળ્યુ હશે, શું લાભ થયો હશે? પરંતુ અત્યારે કંમ્પાઉન્ડ તુટી જવાના કારણે નુકશાન હોસ્પિટલને થઈ રહ્યું છે. કંમ્પાઉન્ડમાં ફરતો સાપ જોઈ દર્દિઓ પણ ગભરાયા છે. પી.એમ.રૂમ પાસે કંમ્પાઉન્ડ નહી બને અને હોસ્પિટલ કંમ્પાઉન્ડમાં ચારે બાજુ સ્વચ્છતા નહી થાય ત્યા સુધી આવા ઝેરી જીવ જંતુ કાયમ જોવા મળશે.

Leave a Reply

Top