You are here
Home > News > સાર્વજનિક સ્મશાનગૃહ ટ્રસ્ટનો અંધશ્રધ્ધા નિવારણનો પ્રયોગ સફળ રહ્યો કાળીચૌદસે મોટી સંખ્યામાં મહિલાઓએ સ્મશાનગૃહ નિહાળ્યુ

સાર્વજનિક સ્મશાનગૃહ ટ્રસ્ટનો અંધશ્રધ્ધા નિવારણનો પ્રયોગ સફળ રહ્યો કાળીચૌદસે મોટી સંખ્યામાં મહિલાઓએ સ્મશાનગૃહ નિહાળ્યુ

સાર્વજનિક સ્મશાનગૃહ ટ્રસ્ટનો અંધશ્રધ્ધા નિવારણનો પ્રયોગ સફળ રહ્યો
કાળીચૌદસે મોટી સંખ્યામાં મહિલાઓએ સ્મશાનગૃહ નિહાળ્યુ
(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
કાળીચૌદસના દિવસે સ્મશાનગૃહ પ્રત્યેની અંધશ્રધ્ધા દુર કરવા માટે વિસનગરમાં સાર્વજનિક સ્મશાનગૃહ ટ્રસ્ટ દ્વારા સ્મશાનમાં રોશની, આતશબાજી તથા મહાપ્રસાદનો યોજવામાં આવેલ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો. તાલુકાના મોટાભાગના ગામડાના લોકોએ હાજરી આપી હતી. ત્યારે નવાઈની વાત છેકે આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં મહિલાઓએ હાજરી આપી અંધશ્રધ્ધા નિવારણના ટ્રસ્ટના અભિગમને સફળ બનાવ્યો હતો.
દિવાળીના તહેવારમાં કાળીચૌદસના દિવસે સ્મશાનગૃહમાં તાંત્રીક વિધિઓની વાતોને લઈને લોકોમાં ભારે અંધશ્રધ્ધા ફેલાયેલી રહે છે. વિસનગરમાં અંતિમ વિસામો ટ્રસ્ટ દ્વારા પટણી દરવાજા પાસે આવેલ સાર્વજનિક સ્મશાનગૃહ અદ્યતન બનાવવામાં આવ્યુ છે. ત્યારે શહેરના લોકો સ્મશાનગૃહની સુવિધાઓથી વાકેફ થાય તેમજ કાળીચૌદસની અંધશ્રધ્ધા દુર થાય તેવા હેતુથી ટ્રસ્ટ દ્વારા સાર્વજનિક સ્મશાનગૃહમાં કાળીચૌદસની રાત્રે રોશની, આતશબાજી, અંતીમ સંસ્કાર કરાયેલ સ્વર્ગસ્થોને શ્રધ્ધાંજલી તથા મહાપ્રસાદનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.
આપણી હિન્દુ સંસ્કૃતિમાં અંતિમ સંસ્કાર પ્રસંગે સ્મશાનગૃહમાં યુવતીઓ, મહિલાઓની ઉપસ્થિતિ અયોગ્ય ગણવામાં આવતી હોવાથી યુવતીઓ તેમજ મહિલાઓ ક્યારેય સ્મશાન જોઈ શકતા નથી. ત્યારે અંતિમ વિસામો ટ્રસ્ટ દ્વારા કાર્યક્રમ યોજવામાં આવતા યુવતીઓ અને મહિલાઓ મોટી સંખ્યામાં ઉમટી અદ્યતન સ્મશાનગૃહ નિકાળ્યુ હતુ. મોટાભાગની મહિલાઓએ પ્રથમ વખત સ્મશાનગૃહમાં પગ મુક્યો હતો. કાળીચૌદસના દિવસે શહેર અને તાલુકાના ગામડામાંથી ૧૦,૦૦૦ થી ૧૨,૦૦૦ લોકોએ સ્મશાનગૃહની મુલાકાત લઈ અદ્યતન સ્મશાન બનાવવા બદલ ટ્રસ્ટીઓની કામગીરી બીરદાવી ભરપેટ વખાણ કર્યા હતા. ચાર થી પાંચ ડબા ઘીનો બનાવેલ મહાપ્રસાદ વહેચવામાં આવ્યો હતો. ત્યારે મોટાભાગના લોકોએ સ્મશાનગૃહમાંજ મહાપ્રસાદ આરોગી અંધશ્રધ્ધાની વાતોને જાકારો આપ્યો હતો.
આ પ્રસંગે ટ્રસ્ટના પ્રમુખ રાજુભાઈ પટેલ આર.કે.જ્વેલર્સ, તમામ દાતાઓનો તેમજ અદ્યતન સ્મશાનગૃહ બનાવવામાં સહકાર આપનાર તમામનો આભાર માની તેમનુ સન્માન કરવામાં આવ્યુ હતુ. રાજુભાઈ પટેલે જણાવ્યું હતું કે આ પ્રથમવાર બન્યુ છેકે કાર્યક્રમમાં સ્મશાનગૃહમાં યુવતીઓ અને મહિલાઓ ઉપસ્થિત રહી હોય. શહેરના જાણીતા કથાકાર તથા કર્મકાંડી રાજુભાઈ મહારાજે પ્રસંગોચીત વ્યક્તવ્ય આપતા જણાવ્યુ હતું કે, શ્રધ્ધા જ્યારે ડગી જાય છે, શ્રધ્ધા ઓછી થાય છે ત્યારે અંધશ્રધ્ધાની શરૂઆત થાય છે. જેમણે શુકન અને અપશુકન બાબતે પણ વિસ્તૃત માહિતી આપી હતી. સ્મશાનગૃહમાં લાભપાંચમના દિવસ સુધી રોશની રાખવામાં આવી હતી. ત્યારે દિવાળીથી લાભપાંચમ સુધી રોજ ૧૫૦૦ થી ૨૦૦૦ લોકોએ સ્મશાનગૃહની મુલાકાત લીધી હતી. સ્મશાનગૃહની મુલાકાત લેનાર તમામે ટ્રસ્ટના પ્રમુખ રાજુભાઈ પટેલ તથા તમામ ટ્રસ્ટીઓને સ્મશાનગૃહને અદ્યતન બનાવવા બદલ બીરદાવ્યા હતા.

Leave a Reply

Top