You are here
Home > News > ૬.૮૩ કરોડના રોકાણો મુદ્દે ર૦ વર્ષ પૂર્વે થયેલા કેસમાં પુરાવાના અભાવે ખેરાલુ નાગરિક બેંકના તમામ ડીરેક્ટરો નિર્દોષ સાબિત થયા

૬.૮૩ કરોડના રોકાણો મુદ્દે ર૦ વર્ષ પૂર્વે થયેલા કેસમાં પુરાવાના અભાવે ખેરાલુ નાગરિક બેંકના તમામ ડીરેક્ટરો નિર્દોષ સાબિત થયા

૬.૮૩ કરોડના રોકાણો મુદ્દે ર૦ વર્ષ પૂર્વે થયેલા કેસમાં પુરાવાના અભાવે
ખેરાલુ નાગરિક બેંકના તમામ ડીરેક્ટરો નિર્દોષ સાબિત થયા
(પ્ર.ન્યુ.સ.) ખેરાલુ,રવિવાર
ખેરાલુ નાગરિક સહકારી બેંકમાં આજથી ર૦ વર્ષ પહેલા થયેલા રોકાણો મુદ્દે જિલ્લા રજીસ્ટ્રારે ફરીયાદ દાખલ કરી હતી. તે સમયે સી.આર.બી.કૌભાંડ થતા સમગ્ર ગુજરાતની સહકારી બેંકોના પાયા હચમચી ગયા હતા. લોકો સમક્ષ દરરોજ નવા નવા કૌભાંડો જાહેર થતા સહકારી બેંકોમાંથી લોકો નાણા પરત લેવા લાઈનોમાં ઉભા રહેતા હતા. બેંકોની ડીપોઝીટો ઘટી ગઈ હતી. સરકારે મોટાભાગની બેંકોના રોકાણોની તપાસ કરી ફરીયાદ દાખલ કરવા હુકમો કરતા ખેરાલુ નાગરિક સહકારી બેંક દ્વારા ૬,૮૩,૮૦,૮ર૮/- રૂપિયાના રોકાણો જિલ્લા રજીસ્ટ્રારની પરમિશન વગર કર્યાનું દર્શાવી ફરીયાદો કરી હતી. તે સમયે મોટા ભાગના લોકો એવુ માનતા હતા કે ડીરેકટરોને જેલમાં જવુ પડશે પરંતુ ફરીયાદ થયા પછી ર૦ વર્ષ પાંચ મહિના અને બાર દિવસે દુધનું દુધ અને પાણીનું પાણી સાબિત થઈ જતા ફસાયેલા નાણા પરત આવી જતા તમામ ડીરેક્ટરો અને તત્કાલીન મેનેજર નિદોર્ષ સાબિત થયા છે.
પ્રાપ્ત માહિતિ પ્રમાણે ગુજરાતની સહકારી બેંકોમાં ટી.ઓ.ડી.કૌભાંડો, કર્મચારીઓ કૌભાંડો, રોકાણના કૌભાંડો, જેવા અનેક કૌભાંડો બહાર આવ્યા હતા. ત્યારે સૌથી મોટુ સી.આર.બી.કૌભાંડ બહાર આવતા રાજ્ય સરકારે સહકારી બેંકોના ડીરેક્ટરો વિરૂધ્ધમાં કડક પગલા લેવા સુચના આપી હતી. જેથી સરકારની સુચના મુજબ ફરીયાદો થઈ હતી. જેમાં ખેરાલુ નાગરિક બેંક દ્વારા જિલ્લા રજીસ્ટ્રારની સુચના વગર કરેલા ધિરાણો અલગ તારવી કુલ ૬,૮૩,૮૦,૩ર૩/-રૂપિયા ના રોકાણો બાબતે રર-પ-૧૯૯૮ના રોજ ફરીયાદ દાખલ કરી હતી. જેમાં એલ.આઈ.સી. ગ્રેજ્યુઈટી માટે ૮.૮૦,૮ર૮/- રૂા. દેના બેંક બોન્ડ ૧૦ લાખ, વિસનગર નાગરિક બેંક ૧.૬પ કરોડ માધવપુરા મર્કેન્ટાઈલ કો.ઓપ.બેંક ૧ કરોડ, ચરોતર નાગરિક સહકારી બેંક, બે કરોડ વિજય કો.ઓપ.બેંક બે કરોડનું રોકાણ જિલ્લા રજીસ્ટ્રારની પરવાનગી વગર કર્યુ હતુ. જેથી જિલ્લા રજીસ્ટ્રારે સહકારી મંડળીઓના અધિનિયમ-૧૯૬૧ની કલમ ૭૧ના ભંગ બદલ જેની જવાબદારી હોય તે સમિતિ અને તેના અધિકારી અથવા સદર અધિનિયમની કલમ ૧૪૭(ડી)મુજબ ગુનો કરેલ છે જેની દાદ મેળવવા ફરીયાદ દાખલ કરી હતી. આ કેસ દાખલ કરનાર જિલ્લા રજીસ્ટ્રારશ્રી એમ.એમ.પરમારે તપાસ કરી હતી પરંતુ તેમનુ મૃત્યુ થતા સહકારી અધિકારી આર.એમ.લિમ્બાચીયા દ્વારા પુરતા પુરાવા રજુ કરી શક્યા નહોતા. જે પુરાવા રજુ કર્યો હતા તે તમામ પુરાવા ઝેરોક્ષ રૂપે રજુ કર્યો હતા. અસલ દસ્તાવેજો રજુ ન કરતા કોર્ટે પુરાવા ગ્રાહ્ય રાખ્યા નહોતા. બેંકના ડીરેક્ટરો તર્ફે ખેરાલુના અગ્રણી એડવોકેટ એન્ડ નોટરી બીપીન ભાઈ જે.બ્રહ્મભટ્ટ તથા બી.એસ.પટેલની ધારદાર દલીલો સાંભળી કોર્ટે માત્ર પ૦૦/- રૂપિયા દંડની જોગવાઈવાળા કેસમાં ર૦ વર્ષે પાંચ માસ અને બાર દિવસે જજમેન્ટ આપ્યુ છે. જેમા ૧૧ ડીરેક્ટર અને તત્કાલિન મેનેજર પુરાવાના અભાવે નિદોર્ષ સાબિત થયા છે. ર૦ વર્ષે પછી જજમેન્ટ આવવાથી ત્રણ ડીરેક્ટરોના મૃત્યુ થઈ ગયા છે. જેમાં વિઠ્ઠલભાઈ નરભાભાઈ પ્રજાપતિ, જોરાવરસિંહ અમરસિંહ પરમાર તથા સુબોધકુમાર બાબુસિંહ ઝાલા નામો કેસમાંથી નીકળી ગયા હતા. હયાત ૮ ડીરેક્ટરો અને તત્કાલીન મેનેજર નિદોર્ષ છુટયા છે. જેમાં કીર્તિકુમાર છનાભાઈ કંદોઈ તત્કાલીન ચેરમેન, ગોવિંદભાઈ હીરાભાઈ પ્રજાપતિ તત્કાલિન મેનેજીંગ ડીરેક્ટરશ્રી ઋષીકેશ મણીલાલ શુકલ,મયાચંદભાઈ શંકરલાલ મોદી, હસમુખભાઈ ચંદ્રશંકર ત્રિવેદી, કાંતિલાલ આદિતરામ સોની, હસમુખભાઈ ત્રિભોવનદાસ પટેલ, હર્ષદકુમાર જયંતિલાલ શાહ અને કાંતિલાલ ગંગારામ પટેલ તત્કાલિન મેનેજર નિદોર્ષ છુટયા છે. જેમાં ખેરાલુ જ્યુડીશીયલ મેજીસ્ટ્રેટશ્રી એસ.ડી.ત્રિપાઠીએ હુકમ કર્યો હતો કે આ કામના આરોપીઓને ગુજરાત સહકારી મંડળીઓના અધિનિયમ-૧૯૬૧ ની કલમ ૭૧ના ભંગ બદલ અધિનિયમની કલમ ૧૪૭ (ડી) મુજબના આક્ષેપમાંથી કિમી. પ્રોસી. કોડની કલમ રપપ (૧) અન્વયે પુરતા પુરાવાના અભાવે નિદોર્ષ ઠરાવી છોડી મુકવાનો હુકમ કરવામા આવે છે. આરોપીઓના ખત તથા જમીનખત રદ ગણવાનો હુકમ ૩-૧૧-ર૦૧૮ના રોજ જાહેર કરાયો હતો.

Leave a Reply

Top