You are here
Home > News > ઋષિભાઈ માર્કેટયાર્ડના ચેરમેન પદે સતત બીજી ટર્મ બીનહરિફ

ઋષિભાઈ માર્કેટયાર્ડના ચેરમેન પદે સતત બીજી ટર્મ બીનહરિફ

ચેરમેન સામે ઉમેદવાર ઉભો રાખવાની યોજના ઉંધી પડી

ઋષિભાઈ માર્કેટયાર્ડના ચેરમેન પદે સતત બીજી ટર્મ બીનહરિફ

(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
કોઈ વ્યક્તિ કૌભાંડ કે ગેરરીતી કર્યા વગર લોકહિતને લક્ષમાં રાખી કામ કરતો હોય તેમ છતાં ચુંટણીમાં તેનો વિરોધ કરવો એ વિસનગરના રાજકારણની ખાસીયત છે. વિસનગર માર્કેટયાર્ડના ચેરમેનની બીજા ટર્મની ચુંટણીમાં ચેરમેન પદેથી ઋષિભાઈ પટેલને હટાવવા તખ્તો ગોઠવાયો હતો. પરંતુ ડીરેક્ટરોની બહુમતી નહી થતા વિરોધી જુથના હાથ ટુંકા પડતા ચેરમેન પદે ધારાસભ્ય ઋષિભાઈ પટેલ અને વાઈસ ચેરમેન પદે મણીભાઈ ચૌધરી બીનહરિફ થયા હતા.
વિસનગર માર્કેટયાર્ડના બોર્ડ ઓફ ડીરેક્ટરના પાંચ વર્ષના સમયકાળમાં ચેરમેન અને વાઈસ ચેરમેન પદના પ્રથમ અઢી વર્ષની મુદત પુરી થતા બીજી અઢી વર્ષની ટર્મ માટે તા.૨૮-૧૧-૨૦૧૮ ના રોજ માર્કેટયાર્ડના બોર્ડ રૂમમાં ચુંટણી અધિકારી પાટણ જીલ્લા રજીસ્ટ્રાર સુનીલભાઈ ચૌધરીની ઉપસ્થિતિમાં ચુંટણી યોજાઈ હતી. જેમાં કુલ ૧૭ પૈકી એક ડીરેક્ટર મૈયત થતા ૧૬ ડીરેક્ટરોએ હાજરી આપી હતી. ચેરમેનની ચુંટણી પ્રક્રિયા હાથ ધરાતા ડીરેક્ટર એલ.કે.પટેલે ચેરમેન પદ માટે ધારાસભ્ય ઋષિભાઈ પટેલની દરખાસ્ત કરી હતી. જ્યારે ડીરેક્ટર પ્રિતેશભાઈ પટેલે ટેકો આપ્યો હતો. બીજા કોઈ ફોર્મ નહી ભરાતા ચુંટણી અધિકારીએ ઋષિભાઈ પટેલને ચેરમેન પદે બીનહરિફ જાહેર કર્યા હતા. ચેરમેનની ચુંટણી બાદ એક કલાક પછી બોર્ડ રૂમમાં ચેરમેનની અધ્યક્ષતામાં વાઈસ ચેરમેનની ચુંટણી યોજાઈ હતી. જેમાં વાઈસ ચેરમેન માટે મણીભાઈ ચૌધરીની ગંગારામભાઈ પટેલે દરખાસ્ત કરી હતી. જ્યારે પરેશભાઈ પટેલે ટેકો આપ્યો હતો. બીજુ ફોર્મ નહી ભરાતા વાઈસ ચેરમેન પદે મણીભાઈ ચૌધરીને બીનહરિફ ચુંટાયેલા જાહેર કરાયા હતા.
ચેરમેન વાઈસ ચેરમેન બીનહરિફ થતા ડીરેક્ટરો, માર્કેટયાર્ડ વેપારી મહામંડળના પ્રમુખ કરશનભાઈ પટેલ તથા હોદ્દેદારો તેમજ માર્કેટયાર્ડ ઓફીસ સ્ટાફે બન્ને હોદ્દેદારોને શુભેચ્છા પાઠવી હતી. માર્કેટયાર્ડના બોડ ઓફ ડીરેક્ટરના પ્રથમ અઢી વર્ષમાં વાઈસ ચેરમેનનુ કોકડુ ગુંચવાયેલુ રહ્યુ હતુ. ધારાસભ્ય ઋષિભાઈ પટેલને સહકારી ક્ષેત્રે આંગળી પકડીને લઈ આવનાર હરેશભાઈ ચૌધરી વાઈસ ચેરમેનના દાવેદાર હતા. પરંતુ ઋષિભાઈ પટેલ હરેશભાઈ ચૌધરીને વાઈસ ચેરમેન પદે બેસાડી શક્યા નહોતા. ચેરમેનની ચુંટણી પહેલા ઋષિભાઈ પટેલ રાજસ્થાનના ચુંટણી પ્રવાસે હતા તે વખતે ચેરમેનની ચુંટણીના લગભગ પાંચ છ દિવસ અગાઉ શહેરની એક સંસ્થામાં ચેરમેન પદેથી ઋષિભાઈ પટેલને ઉથલાવવા બે ડીરેક્ટરો વચ્ચે મીટીંગ મળી હતી. જેમાં લગભગ ૬ ડીરેક્ટરોનુ ઋષિભાઈ વિરોધમાં સંખ્યાબળ થયુ હોવાનુ જાણવા મળ્યુ હતુ. ખુટતા ડીરેક્ટર ખરીદવા માટે લાલચ પણ આપવામાં આવી હતી. પરંતુ એક સંસ્થાની મીટીંગમાં ભુગર્ભમાં હિલચાલ કરતા વિરોધ કરનાર ડીરેક્ટરને ખુલ્લા પાડવામાં આવતા ઋષિભાઈને ઉથલાવવાના ષડયંત્રનો ભાંડો ફુટી ગયો હતો. ખરેખર તો ભ્રષ્ટાચાર, ગેરરીતી કે વિવાદ વગર ગંજબજારના વેપારીઓ અને ખેડૂતોના હિતમાં કામ કરતા ચેરમેનને સર્વ સંમતીથી ફરીથી ચેરમેન પદે બેસાડી સન્માન આપવુ જોઈએ. પરંતુ રાજકીય દ્વેષભાવમાં સારા વ્યક્તિઓને સત્તા ઉપરથી ઉથલાવવાના પ્રયત્નો કરવા એ વિસનગરના ગંદા રાજકારણની તાસીર છે.

Leave a Reply

Top