You are here
Home > News > એસ.કે.યુનિવર્સિટીમાં જ્ઞાનના પ્રસાર સાથે રીસર્ચ પણ થાય છે-રાજ્યપાલશ્રી

એસ.કે.યુનિવર્સિટીમાં જ્ઞાનના પ્રસાર સાથે રીસર્ચ પણ થાય છે-રાજ્યપાલશ્રી

શૈક્ષણિક નગરીના ઈતિહાસમાં ક્યારેય ન યોજાયો હોય તેવો સાંકળચંદ પટેલ યુનિવર્સિટીમાં પદવિદાન સમારંભ યોજાયો

એસ.કે.યુનિવર્સિટીમાં જ્ઞાનના પ્રસાર સાથે રીસર્ચ પણ થાય છે-રાજ્યપાલશ્રી

• સાંકળચંદ પટેલ યુનિવર્સિટી મોટુ વટવૃક્ષ બને તેમની નામના સમગ્ર ગુજરાતમાં ફેલાયેલી છે-પ્રદેશ ભાજપ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણી
• મને સંતોષ અને ગૌરવની એ બાબત છેકે બે વર્ષ પહેલા મે આ યુનિવર્સિટીનુ બીલ મંજુર કર્યુ હતુ-શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા
• ગુજરાતમાં પહેલા ૭ યુનિવર્સિટી હતી પરંતુ વડાપ્રધાન તથા તે વખતના મુખ્યમંત્રી નરેન્દ્રભાઈને વિશ્વ વિદ્યાલયનો વ્યાપ વધારતા રાજ્યમાં યુનિવર્સિટીની સંખ્યા ૬૦ થઈ છે-મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી
• જે પ્રકારના અભ્યાસક્રમ આ યુનિવર્સિટીમાં ચલાવવામાં આવી રહ્યા છે તે આજના સમય પ્રમાણે યોગ્ય છે-રાજ્યપાલશ્રી કોહલી
• પદવિદાન મેળવનાર વિદ્યાર્થીઓને યુનિવર્સિટીના પથદર્શક બનવા અને યુનિવર્સિટીને પ્રકાશીત કરવા ચેરમેન પ્રકાશભાઈ પટેલે શુભેચ્છા પાઠવી

 

(પ્ર.ન્યુ.સ.) વિસનગર, રવિવાર
વિશ્વની યુનિવર્સિટીઓ સાથે ભારતી યુનિવર્સિટીઓની તુલના થાય છે ત્યારે રેન્કીંગમાં ભારતની યુનિવર્સિટીઓ એટલા માટે પાછળ રહે છેકે જે રીસર્ચ થવુ જોઈએ અને નવા જ્ઞાનનુ સંશોધન થવુ જોઈએ તેમાં ઉણપ જોવા મળે છે. જ્યારે સાંકળચંદ પટેલ યુનિવર્સિટીમાં આ બન્ને કામ પુરતી લગન અને મહેનતથી થાય છે. જ્ઞાનના પ્રસારનુ કામ અને જ્ઞાનના સર્જનનુ કામ થાય છે તે યુનિવર્સિટીની ફેકલ્ટીને અભિનંદન આપુ છુ તેમ કહી સાંકળચંદ પટેલ યુનિવર્સિટીના પ્રથમ પદવિદાન સમારંભમાં ઉપસ્થિત રાજ્યપાલરી ઓ.પી.કોહલીએ યુનિવર્સિટીની કાર્યદક્ષતાની ભારોભાર પ્રશંસા કરી હતી.
શિક્ષણનગરી તરીકે સમગ્ર ગુજરાતમાં આગવું સ્થાન ધરાવતા વિસનગરમાં ટેકનિકલ અને મેડિકલને લગતા ઉચ્ચ અભ્યાસક્રમો દ્વારા રાજ્ય તથા દેશના યુવાનોને શ્રેષ્ઠ કારકિર્દીના નિર્માણ માટેનુ ઉત્તમ પ્લેટફોર્મ સાંકળચંદ પટેલ યુનિવર્સિટી આપી રહી છે. યુનિવર્સિટીની સ્થાપનાના ફક્ત બેજ વર્ષના ટૂંકા ગાળામાં યુનિવર્સિટી પ્રેસિડેન્ટશ્રી પ્રકાશભાઈ પટેલના નેતૃત્વ હેઠળ રાષ્ટ્રીય તથા રાજ્યકક્ષાએ શિક્ષણને લગતી વિવિધ કામગીરી દ્વારા ગુજરાતની નામાંકીત યુનિવર્સિટીમાં આગવું સ્થાન પ્રાપ્ત કર્યું છે.
આ યુનિવર્સિટીમાં વર્ષ ૨૦૧૬માં પ્રવેશ મેળવી ઉત્તમ અભ્યાસ પૂર્ણ કરી વર્તમાન વર્ષે ડિગ્રી પ્રાપ્ત કરવા જઈ રહેલા વિદ્યાર્થીઓ માટેનો પ્રથમ ઐતિહાસિક પદવીદાન સમારંભ સંસ્થાના પ્રેરણામૂર્તિ સ્વ. શ્રી સાંકળચંદ દાદાના નિર્વાણદિને તા.૨૮/૧૧/૨૦૧૮, બુધવારના રોજ આયોજિત કરવામાં આવ્યો હતો.
આ સમારંભમાં મુખ્ય મહેમાન તરીકે ગુજરાત રાજ્યના રાજ્યપાલશ્રી ઓ.પી.કોહલી ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને શ્રેષ્ઠ કારકિર્દી માટે પ્રેરણા આપી હતી. આ પદવીદાન સમારંભમાં અતિથિ વિશેષ તરીકે ગુજરાતના લોકલાડીલા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, શિક્ષણમંત્રી ભૂપેન્દ્ર ચુડાસમા, ગુજરાત ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ જીતુભાઈ વાઘાણી તથા અગ્રણી સામાજિક કાર્યકર સોમભાઈ મોદી સહિત અન્ય શિક્ષણ, સહકારી તથા રાજકીય ક્ષેત્રના મહાનુભાવો ઉપસ્થિત રહી સમારંભની શોભા વધારી હતી.
સમારંભની શરૂઆત સાંજે ૫.૩૦ કલાકે સર્વે મહેમાનોના આગમન બાદ દીપપ્રાગટ્ય અને પ્રાર્થના દ્વારા કરવામાં આવી હતી. ત્યારબાદ યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ પ્રકાશભાઈ પટેલ દ્વારા પ્રોટોકોલ મુજબ પદવીદાન સમારંભ ખુલ્લો મુકવામાં આવેલ હતો. યુનિવર્સિટીના પ્રોવોસ્ટ પ્રો. (ડૉ.)વી. કે. શ્રીવાસ્તવ દ્વારા સાંકળચંદ પટેલ યુનિવર્સિટીના આમંત્રણને માન આપી પધારેલ સર્વે મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું અને યુનિવર્સિટી દ્વારા વર્તમાન સમયમાં રાષ્ટ્રીય તથા આંતર રાષ્ટ્રીયકક્ષાએ મેળવેલ વિશેષ ઉપલબ્ધિઓની ઝલક આપવામાં આવી હતી. ત્યારબાદ ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે યુનિવર્સિટીની જુદાજુદા ફેકલ્ટીમાં ડિગ્રી પ્રાપ્ત કરી રહેલા વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરવામાં આવી હતી.
આ પદવીદાન સમારંભમાં યુનિવર્સિટીની વિવિધ વિધાશાખાઓ એન્જીનીયીંગ (એમ.ટેક.), ફાર્મસી (એમ.ફોર્મ), નર્સિંગ, પી.જી.ડી.સી.એ., એમ.બી.એ., એમ.સી.એ. તથા એમ.કોમ.ના કુલ ૧૮૩ વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવી હતી. તેમજ ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે ૧૮ ગોલ્ડમેડલ આપવામાં આવ્યા હતા.
સંસ્થા વિકાસ માટે હમેંશા સહયોગી રહેલા દાનવીર શ્રીમતી રેવાબેન અને શ્રી મનોરભાઇ પટેલ દ્વારા મેડિકલ કોલેજ તથા હોસ્પિટલ માટે રૂપિયા ૫૦,૦૦,૦૦૦/- નું માતબર દાન આ ઐતિહાસિક પ્રસંગે આપવામાં આવ્યું. તેમજ નૂતન સર્વ વિદ્યાલય કેળવણી મંડળની સ્થાપનાના દિવસોથી પડખે ઉભેલી વિસનગર મજૂર સહકારી મંડળી તરફથી રૂપિયા ૭૦,૦૦,૦૦૦/- નું દાન આપવામાં આવ્યું.
પદવિદાન સમારંભના પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોએ કરેલ પ્રાસંગીક પ્રવચનના મહદઅંશો જોઈએ તો, પ્રદેશ ભાજપ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણીએ જણાવ્યુ હતું કે, સાંકળચંદ પટેલ યુનિવર્સિટી જેમના નામ સાથે જોડાયેલ છે તેમના નામ પ્રમાણે આ યુનિવર્સિટી ખુબ મોટુ વટવૃક્ષ બની સમગ્ર ગુજરાતમાં પ્રતિપાદિત થઈ રહી છે. ડીગ્રી ધારકોને શુભકામના આપુ છુ, પદવી મેળવનાર વિદ્યાર્થીઓ નવી ઉડાન સાથે પોતાના ક્ષેત્રમાં કામે લાગી જશે. તમે જોયેલા સપનાઓ ફુલ ગુલાબી રંગથી પુરા થાય તેવી પ્રભુને પ્રાર્થના કરુ છું.
શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ શિક્ષણમાં દાન આપનારનો આભાર માની જણાવ્યુ હતું કે ડીગ્રી મેળવી એક પડાવ પુરો કરી બીજા પડાવ તરફ આગળ વધો છો ત્યારે સ્વભાવમાં એક સંશોધનનો સ્વભાવ કેળવજો. અભણ ખેડૂતનુ ઉદાહરણ આપી જણાવ્યુ હતું કે ખેડૂત પણ સંશોધન કરે છે અને સફળતા પ્રાપ્ત કરે છે. આપણે વિકાસની હરિફાઈમાં આવી ગયા છીએ. પહેલા કોઈ ગણતુ નહોતુ, પુછતુ નહોતુ. પ્રધાનમંત્રી કે વિદેશી મંત્રી વિદેશમાં જાય ત્યારે ક્યારે ગયા અને ક્યારે આવ્યા તેની કોઈને ખબર નહોતી. અત્યારે વડાપ્રધાન નરેન્દ્રભાઈ કે વિદેશ મંત્રી સુષ્માજી જાય કે આવે તેની આખુ વિશ્વ નોંધ લે છે. યુનિવર્સિટીએ ભવ્ય અને સુંદર કાર્યક્રમ કરવા બદલ અભિનંદન આપી ગૌરવ વ્યક્ત કર્યુ હતું કે, મને સંતોષ અને ગૌરવ એ વાતનુ છેકે બે વર્ષ પહેલા મે આ યુનિવર્સિટીનુ બીલ મંજુર કરાવ્યુ હતુ.
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ પદવી પ્રાપ્ત કરનાર સ્નાતક અનુસ્નાતક તમામને અભિનંદન આપતા જણાવ્યુ હતું કે, અત્યારની પદવિદાન સમારંભની પરંપરા વેસ્ટર્ન છે. પહેલા ઋષિમુનિઓની પરંપરા અને વ્યવસ્થામાં શિષ્ય જ્યારે ભણી ઘણી બહાર નિકળતા હતા ત્યારે ગુરૂ આભામંડળમાં તિલક કરી જાણતા હતા કે તેજ કેટલુ છે. જે શિક્ષણ પ્રાપ્ત કર્યુ છે તે જીવનમાં અને સમાજ માટે ઉપયોગી બને તેવા આશિર્વાદ આપતા હતા. વાસ્તવમાં આપણુ જીવન વ્યક્તિગત જીવન ન બને અને કુટુંબ, સમાજ, રાષ્ટ્ર સમસ્તનો વિચાર કરીને બધાને કેવી રીતે ઉપયોગી બને, જ્ઞાન બધાના માટે સમર્પિત બને તેવુ જીવન જીવવા પદવી મેળવનાર વિદ્યાર્થીઓને સલાહ આપી હતી. મેળવેલ જ્ઞાન વ્યક્તિગત કરીયર માટે નહી પરંતુ તમારા જ્ઞાનથી સમાજને કેટલો લાભ થાય છે તે જરૂરી છે. જેમાં તાડના વૃક્ષનુ પણ ઉદાહરણ આપ્યુ હતુ. ડીગ્રી માનવતાના ઉત્કર્ષ માટે ઉપયોગી બને તેવા સાચા અર્થમાં આગળ વધવા શુભાષિષ પાઠવ્યા હતા. શ્રેષ્ઠ શિષ્ય માટે ગુુરૂનુ કેટલુ મહત્વ છે તે બાબતે જણાવ્યુ હતું કે સાંદીપની ઋષિ ન મળ્યા હોત તો કૃષ્ણ ન હોત. વિશ્વામીત્ર રામને મળ્યા ન હોત તો રામ ન હોત. શીવાજીને રામબક્ષ ન મળ્યા હોત તો શીવાજી ન હોત. રામકૃષ્ણ પરમહંસને કદાચ વિવેકાનંદ ન મળ્યા હોત તો વિવેકાનંદ ન હોય. આજ રીતે યુનિવર્સિટીના ગુરૂજનો, શિક્ષકો, ડીન એ બધાએ આપેલ શિક્ષણ વિદ્યાર્થીઓને ઉચ્ચ સ્થાન પ્રાપ્ત કરાવે. ગુજરાતમાં ૧૯૯૦ પહેલા સાત યુનિવર્સિટી હતી. અત્યારના વડાપ્રધાન તે વખતના મુખ્યમંત્રી નરેન્દ્રભાઈએ વિશ્વ વિદ્યાલયોનો વ્યાપ વધારીને, વિદ્યાર્થીઓ સારામાં સારૂ શિક્ષણ પ્રાપ્ત કરે. ગુજરાતના વિદ્યાર્થીને બહાર ભણવા જવુ ન પડે. વિદેશમાં જવુ ન પડે તે માટે સાતમાંથી ક્રમશઃ ૬૦ યુનિવર્સિટી ગુજરાતને આપી છે. આ ઉપરાંત ચીલાચાલુ કોર્ષથી આગળ વધીને પેટ્રોલીયમ યુનિવર્સિટી, રક્ષા યુનિવર્સિટી, પોલીટીક સાયંસ યુનિવર્સિટી આપી જેમાં દુનિયાભરના લોકો અભ્યાસ માટે આવે છે. આ સાથે કૃષિ યુનિવર્સિટી સાથે ઓર્ગેનિક ખેતી થાય તે માટે ઓર્ગેનિક યુનિવર્સિટી આગળ વધારી છે. દુનિયાની સૌથી મોટી રેલ્વે ભારતમાં છે ત્યારે વડોદરાને રેલ્વે યુનિવર્સિટી આપી છે. ગુજરાતના યુવાનોને વ્યાપક તક મળે, પોતાનો અભ્યાસ કરવા, રીસર્ચ કરવા વિદ્યાર્થીઓને પુરતી તક મળે, ડીગ્રી સાથે જોબ મળે, રોજગાર મળે તે પ્રકારની વ્યવસ્થાનો વિચાર કરી ગુજરાત આગળ વધી રહ્યુ છે. ભારત ભવિષ્યમાં મહાસત્તા બનવા તરફ જઈ રહ્યુ છે, અત્યારે દેશ કરવટ બદલી રહ્યો છે. આગળ વધી રહ્યો છે તેવા સમયે પદવી ધારણ કરી સમાજમાં આવી રહ્યા છો. તેવા સમયે ભરોશો છેકે ડગલે ને પગલે સફળતા તમારા ચરણો સ્પર્શ કરશે. આપણા માટે નહી પણ બધાના માટે બનીને સાંકળચંદ પટેલ યુનિવર્સિટી ડગ માંડી રહી છે ત્યારે આ પ્રથમ બેચ ભાગ્યશાળી છે, ઈતિહાસ બની રહેશે. સાંકળચંદકાકાના સ્વપ્નએ શિક્ષણની જેહાદ જગાવી હતી. તેમની આશા પુરી પાડશો.
રાજ્યપાલશ્રી ઓ.પી.કોહલીએ યુનિવર્સિટી માટે પ્રથમ પદવિદાન સમારોહ ખુબજ મહત્વનો હોય છે. આ યુનિવર્સિટીએ પદવિદાન સમારંભનુ સુંદર આયોજન કરવા બદલ અભિનંદન આપતા જણાવ્યુ હતું કે, યુનિવર્સિટીના પાયામાંથી જેમનો પરિશ્રમ, કલ્પના અને દ્રષ્ટી કામ કરી છે તે સ્વ.સાંકળચંદ પટેલનુ ખુબજ સન્માન પ્રગટ કરૂ છું. રાજ્યપાલશ્રીએ વધુમાં જણાવ્યુ હતું કે, જ્ઞાનનો પ્રસાર કરવો અને જ્ઞાનનુ સર્જન કરવુ એ બે કામ યુનિવર્સિટીના છે. જે જ્ઞાનનુ સર્જન થયુ છે તે જ્ઞાન વિદ્યાર્થીઓને આપતા રહીશુ અને નવા જ્ઞાનનુ સર્જન ન કરીએ તો જ્ઞાન આગળ વધશે નહી. એટલા માટે યુનિવર્સિટીઓ માટે આવશ્યક છેકે, કેવળ જ્ઞાનનો પ્રસાર ન કરે. નવા જ્ઞાનનુ સર્જન પણ કરે. દુનિયાની યુનિવર્સિટીઓ સાથે ભારતની યુનિવર્સિટીઓની તુલના થાય છે ત્યારે રેકીંગમાં આપણી યુનિવર્સિટીઓ પાછળ રહે છે, જે રીસર્ચ થવુ જોઈએ અને નવા જ્ઞાનનુ સંશોધન થવુ જોઈએ તેમાં ઉણપ જોવા મળે છે. જેમાં સાંકળચંદ પટેલ યુનિવર્સિટીમાં આ બન્ને કામ પુરતી લગનથી થાય છે. જ્ઞાનના પ્રસારનુ અને જ્ઞાનના સર્જનનુ કામ થાય છે જે માટે યુનિવર્સિટીની ફેકલ્ટીને અભિનંદન આપુ છુ. યુવાનો ઈચ્છે છેકે તેઓ યુનિવર્સિટીમાંથી બહાર નીકળે ત્યારે રોજગાર મળે. આપણી શિક્ષા પાસે અપેક્ષા રાખીએ કે આપણા યુવાનોને એમ્પ્લોયેબલ બનાવે. રોજગાર માટે સક્ષમ બનાવે. સાંકળચંદ પટેલ યુનિવર્સિટી માટે એ વાતની ખુશી છેકે જે પ્રકારના વિષય આ યુનિવર્સિટીમાં ચલાવવામાં આવી રહ્યા છે તે આજના સમયની જરૂરીયાત પ્રમાણેના છે. યુનિવર્સિટીમાં આવા પ્રકારનું શિક્ષણ મેળવ્યા બાદ મને વિશ્વાસ છેકે, વિદ્યાર્થીઓ જાતેજ પોતાના રોજગારનુ સર્જન કરશે.
યુનિવર્સિટી પ્રેસિડેન્ટશ્રી પ્રકાશભાઈ પટેલે ઉચ્ચ અભ્યાસક્રમ બાદ ડિગ્રી પ્રાપ્ત કરેલ સર્વે વિદ્યાર્થીઓને શુભેચ્છા આપેલ અને યુનિવર્સિટી હમેંશા એમના શ્રેષ્ઠ ભવિષ્ય માટે મદદરૂપ રહેશે એવી ખાતરી આપી હતી. વિશેષમાં કેમ્પસ ખાતે કાર્યરત નવીન મેડિકલ કોલેજ તથા અન્ય ઘણા પ્રોજેક્ટ દ્વારા નજીકના ભવિષ્યમાં સમગ્ર ઉત્તર ગુજરાતને બહોળો લાભ મળી રહેશે એવું જણાવ્યું હતું. સમારંભના અંતે યુનિવર્સિટીના રજિસ્ટ્રારશ્રી કિશનકુમાર જૈની દ્વારા ઉપસ્થિત સર્વે મહાનુભાવોનો યુનિવર્સિટીવતી હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ શ્રી પ્રકાશભાઈ પટેલ અને યુનિવર્સિટીના પ્રોવોસ્ટ પ્રો. (ડૉ.)વી.કે. શ્રીવાસ્તવના માર્ગદર્શન હેઠળ યુનિવર્સિટીની સમગ્ર ટીમ દ્વારા આ અદ્વિતીય પ્રથમ પદવીદાન સફળ આયોજન માટે ખૂબજ જોશ અને ઉત્સાહપૂર્વક મહેનત કરવામાં આવીહતી.

Leave a Reply

Top