You are here
Home > News > પ્રહેલાદભાઈ ગોસાના હુંકારથી કચરા સ્ટેન્ડનો ઠરાવ પેન્ડીંગ

પ્રહેલાદભાઈ ગોસાના હુંકારથી કચરા સ્ટેન્ડનો ઠરાવ પેન્ડીંગ

પ્રહેલાદભાઈ ગોસાના હુંકારથી કચરા સ્ટેન્ડનો ઠરાવ પેન્ડીંગ

(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
વિસનગર પાલિકા દ્વારા સર્વે નં.૩૦૫ માં કચરો ઠલવાતા તેનો ભારે વિરોધ થયો હતો. જે સંદર્ભે ફરતો ઠરાવ થતા પૂર્વ ધારાસભ્ય પ્રહેલાદભાઈ ગોસાએ ઠરાવમાં સહી કરનાર સભ્યનો જવાબ માગવામાં આવશે તેવો હુંકાર કરતા આ ઠરાવનો અમલ હાલ પૂરતો પેન્ડીંગ રાખવામાં આવ્યો હોવાનુ જાણવા મળ્યુ છે.
વિસનગરમાં પટણી દરવાજા પાસે સાર્વજનિક સ્મશાન સામે આવેલી સર્વે નંબર ૩૦૫ ની જગ્યા ગુંદીખાડના પાટીદારોએ શહેરના હિતમાં વૉટર વર્કસ માટે આપી હતી. ત્યારે સુંશી રોડ ઉપરના કચરા સ્ટેન્ડના વિવાદના કારણે ૩૦૫ માં કચરો ઠલવવામાં આવતા તેનો ભારે વિરોધ થયો હતો. પૂર્વ ધારાસભ્ય પ્રહેલાદભાઈ ગોસાએ હુંકાર કર્યો હતો કે, આ જગ્યામાં કચરા સ્ટેન્ડ માટે થયેલો ફરતો ઠરાવ અટકાવવામાં નહી આવે તો ઠરાવમાં સહી કરનાર સભ્યોનો જવાબ માગવામાં આવશે. પૂર્વ ધારાસભ્યના હુંકારથી હાલ પૂરતો આ ઠરાવ પેન્ડીંગ રાખવામાં આવ્યો હોવાનુ પાલિકા સભ્ય રાકેશભાઈ પટેલે જણાવ્યુ છે. સભ્ય રાકેશભાઈ પટેલે જણાવ્યુ હતું કે ઠરાવ પેન્ડીંગ રાખવામાં આવશે. હાલ આ કચરા સ્ટેન્ડના દરવાજાને તાળુ મારવામાં આવ્યુ છે. કચરો નાખતા અટકાવાયા છે. વૉટર વર્કસમાં ફરજ બજાવતા કર્મચારીઓનેજ અંદર જવા દેવામાં આવશે. આ જગ્યામાં જુનો ભંગાર પડ્યો છે તેનો નિકાલ કરવા માટે પણ પાલિકામાં લેખીત આપ્યુ છે. આ કચરા સ્ટેન્ડનો ઠરાવ કેન્સલ થાય તે માટે પ્રમુખ સાથે પણ વાતચીત થઈ ગઈ છે. આગામી જનરલમાં આ ઠરાવને કોઈપણ સંજોગોમાં બહાલી આપવામાં આવશે નહી.
આ બાબતે પાલિકા પ્રમુખ ગોવિંદભાઈ ગાંધીનો સંપર્ક કરતા તેમણે જણાવ્યુ છેકે, સુંશી રોડ ઉપર એકજ જગ્યામાં કચરો ઠાલવવામાં આવે અને તેનો નિકાલ ન થાય તે અયોગ્ય છે. આ કચરા સ્ટેન્ડમાંથી કચરાનો ઝડપી નિકાલ કરવામાં આવશે. પ્રમુખે વધુમાં જણાવ્યુ હતું કે, શહેરમાં બીજી બે જગ્યા કચરા સ્ટેન્ડ માટે નક્કી કરવામાં આવી રહી છે. જેનો ટુંક સમયમાં ઠરાવ થશે. શહેરના કચરાના નિકાલ માટે એકજ જગ્યા નહી પરંતુ બે-ત્રણ વોર્ડની વચ્ચે એક સેન્ટર થાય તે રીતનો નિર્ણય કરી રહ્યા છીએ. જેથી કોઈ એક કચરા સ્ટેન્ડમાં વધારે કચરો એકઠો થાય નહી. ફરતો ઠરાવ પેન્ડીંગ કરાયો છે કેન્સલ નહિ. કચરા સ્ટેન્ડ બાબતે પ્રવર્તી રહેલી ગેરમાન્યતા બાબતે પ્રમુખે જણાવ્યુ હતું કે હવેના કચરા સ્ટેન્ડમાં કચરો ઠાલવ્યા બાદ કચરામાંથી પ્લાસ્ટીક, ધુળ, પથરા તથા અન્ય કચરો જુદો કરી તેનો નિકાલ કરવામાં આવશે. જેથી કચરા સ્ટેન્ડમાં વધારે કચરો એકઠો થશે નહી.

Leave a Reply

Top