You are here
Home > News > વિસનગરમાં ર્ડા.પ્રકાશભાઈ મોદીની મલ્ટીસ્પેશ્યાલીટી હોસ્પિટલનો શુભારંભ

વિસનગરમાં ર્ડા.પ્રકાશભાઈ મોદીની મલ્ટીસ્પેશ્યાલીટી હોસ્પિટલનો શુભારંભ

આધુનિક સુવિધા અને અલગ-અલગ રોગના નિષ્ણાંત ર્ડાક્ટરોની ટીમ સાથેની

વિસનગરમાં ર્ડા.પ્રકાશભાઈ મોદીની મલ્ટીસ્પેશ્યાલીટી હોસ્પિટલનો શુભારંભ

 

(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવારસમગ્ર ઉત્તર ગુજરાતમાં વિસનગર શહેર તબીબી ક્ષેત્રે મોટુ હબ બની રહ્યુ છે. અહી મોટા શહેરોની જાણીતી હોસ્પિટલોમાં મળતી સુવિધા અને સારવાર વ્યાજબી દરે મળતી હોવાથી દુરદુરથી દર્દીઓ સફળ સારવાર કરાવવા વિસનગર આવે છે. દર્દીઓને કોર્પોરેટ હોસ્પિટલ જેવી સારવાર આપવા માટે ખેરાલુના વતની અને વિસનગરના નિષ્ણાંત સર્જન ર્ડા.પ્રકાશભાઈ મોદીએ શહેરના ધરોઈ કોલોની રોડ ઉપર આવેલ શ્રધ્ધા કોમ્પલેક્ષમાં શ્રેષ્ઠ ઈન્ફ્રાસ્ટ્રક્ચર સાથે આધુનિક સુવિધાવાળી અલગ-અલગ રોગોના ગુજરાતના નિષ્ણાત ર્ડાક્ટરોની ટીમ સાથેની અદ્યતન ક્રિષ્ના મલ્ટીસ્પેશ્યાલીટી હોસ્પિટલ અને ટ્રોમા સેન્ટરનો ગત રવિવારે સવારે ર્ડા.પ્રકાશભાઈના મામા અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના મોટાભાઈ વડનગરના સામાજીક કાર્યકર સોમાભાઈ મોદીના વરદ્‌ હસ્તે શુભારંભ કરાયો હતો. આ પ્રસંગે શહેરના ર્ડાક્ટરો, વેપારીઓ, બિલ્ડરો, રાજકીય આગેવાનો, સામાજીક આગેવાનો, સગા-સબંધીઓ તથા વિસનગર શહેર-તાલુકામાંથી લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. તમામ લોકોએ ર્ડા.પ્રકાશભાઈ મોદી તથા તેમના પરિવારજનોને શુભેચ્છા પાઠવી હતી.
સમગ્ર ઉત્તર ગુજરાતમાં તબીબી ક્ષેત્રે પહેલા પાટણ શહેરનું નામ મોખરે હતુ. પરંતુ છેલ્લા ઘણા વર્ષોથી વિસનગર શહેરે તબીબીક્ષેત્રે સિધ્ધિઓના સોપાન સર કરી નામના મેળવી છે. વિસનગર શહેરમાં દુરદુરથી ગંભીર રોગોના દર્દીઓ સફળ સારવાર કરાવવા આવે છે. જેમાં વિસનગરની ક્રિષ્ના હોસ્પિટલના નિષ્ણાંત સર્જન ર્ડા.પ્રકાશભાઈ એસ.મોદીના તબીબીક્ષેત્રના બહોળા અનુભવથી સફળ સારવારનો હજ્જારો દર્દીઓએ લાભ લીધો છે. ર્ડા.પ્રકાશભાઈ મોદીએ કેટલાક દર્દીઓના જોમખી ઓપરેશનો કરી તેમને મોતના મુખમાંથી ઉગાર્યા છે. જેના કારણે ર્ડા.પ્રકાશભાઈ મોદીનું નામ તબીબીક્ષેત્રે ઉત્તર ગુજરાતમાં જાણીતુ થયુ છે. ત્યારે ર્ડા.પ્રકાશભાઈએ મોટા શહેરોની કોર્પોરેટ હોસ્પિટલોમાં મળતી સુવિધા અને સારવાર આપવા માટે શહેરના ધરોઈ કોલોની રોડ ઉપર આવેલ શ્રધ્ધા કોમ્પ્લેક્ષમાં અદ્યતન સુવિધા ધરાવતી સેન્ટ્રલ એ.સી. ક્રિષ્ના મલ્ટીસ્પેશ્યાલીટી હોસ્પિટલ અને ટ્રોમા કેર બનાવ્યુ છે. જેમાં વિસનગરના નિષ્ણાંત સર્જન ર્ડા.પ્રકાશભાઈ મોદી સાથે જાણીતા ઓર્થોપેડીક સર્જન ર્ડા.મેહુલભાઈ એ.પટેલ ૨૪ કલાક ફુલટાઈમ દર્દીઓને પોતાની સેવા આપશે. જ્યારે જાણીતા કેન્સર સર્જન દર ૧૫ દિવસે બુધવારે અને શનિવારે, ન્યુરો સર્જન અઠવાડીયાના દર બીજા અને ચોથા બુધવારે, ન્યુરો ફીઝીશીયન દર પહેલા અને ત્રીજા શનિવારે, ગેસ્ટ્રોફિઝીશીયન દર મહિનાના ગુરૂવારે, સાઈકીયાટ્રીક દર મંગળવારે, પિડિયાટ્રીક સર્જન દર શુક્રવારે, ગેસ્ટ્રોસર્જન ઓન કોલ તથા યુરો સર્જન દર ગુરુવારે આ હોસ્પિટલની વિઝીટ લઈ વ્યાજબી દરે દર્દીઓને પોતાની સેવા આપશે. આ સાથે આગામી સમયમાં આ હોસ્પિટલમાં સરકારની વિવિધ આરોગ્યલક્ષી યોજનાનો લાભ અપાવવા માટે ર્ડા.પ્રકાશભાઈ પ્રયત્નો કરી રહ્યા છે. વધુમાં આ હોસ્પિટલમાં મોડ્યુલર ઓપરેશન થિયેટર છે અને હાઈ એજ્યુકેટેડ સ્ટાફ ૨૪ કલાક કાર્યરત રહેશે. જેનો વિસનગર, વડનગર, ખેરાલુ, સતલાસણા, વિજાપુર તાલુકા સહિત સમગ્ર ઉત્તર ગુજરાતના દર્દીઓને તાત્કાલીક સફળ સારવારનો લાભ મળશે.

Leave a Reply

Top