You are here
Home > News > વિસનગર તાલુકામાં ઈન્ડસ્ટ્રીયલ પાર્ક સેન્ટર પોઈંટનો શુભારંભ

વિસનગર તાલુકામાં ઈન્ડસ્ટ્રીયલ પાર્ક સેન્ટર પોઈંટનો શુભારંભ

તાલુકામાં રોજગારી ઉભી થાય, તાલુકાનો વિકાસ થાય તેવી ઉમદા ભાવનાથી

વિસનગર તાલુકામાં ઈન્ડસ્ટ્રીયલ પાર્ક સેન્ટર પોઈંટનો શુભારંભ

(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
વિસનગર તાલુકાના લોકોને ઘર આંગણે રોજગારી મળી રહે, ઉદ્યોગો ધમધમવાથી તાલુકાનો વિકાસ થાય તેવા ઉમદા આશયથી પૂજા ડેવલોપર્સ, એવરેસ્ટ ઈન્સ્ટ્રુમેન્ટ, આર.કે.જ્વેલર્સ, અંબીકા રોલીંગ મીલ તથા વીજીઆર ગૃપ દ્વારા કડા પાસે સેન્ટર પોઈંટ નામનો ઈન્ડસ્ટ્રીયલ પાર્ક ઉભો કરવામાં આવી રહ્યો છે. તાલુકામાંથી પૈસા કમાઈ લોકો મોટા શહેરોમાં જતા રહે છે. મોટા શહેરોમાં ધંધા વ્યવસાય ડેવલપ કરે છે. જ્યારે વિસનગરમાંજ કમાઈને વિસનગરના લોકોના હિતમાં તાલુકાના વિકાસ માટે આ ગૃપ દ્વારા જે પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે તે અભિનંદનને પાત્ર છે.
વિસનગર તાલુકાના કડા ગામની સીમમાં ગાંધીનગર હાઈવે ઉપર વિસનગર શહેરના નામાંકીત પાંચ ગૃપ દ્વારા ૧૬૨ વિઘામાં સેન્ટર પોઈંટ નામે ઈન્ડસ્ટ્રીયલ પાર્ક બનાવવામાં આવી રહ્યો છે. તા.૨૫-૧૧-૨૦૧૮ ને રવિવારના રોજ સેન્ટર પોઈંટના શુભારંભ પ્રસંગે સદુથલા વાઘેશ્વરી દેવાલયના મહંત પ્રયાગપુરીજી મહારાજ, સામાજીક અગ્રણી સોમભાઈ મોદી, સમાજ શ્રેષ્ઠી કરશનભાઈ પટેલ તથા આમંત્રીતોએ મોટી સંખ્યામાં હાજરી આપી હતી. આ પ્રસંગે રાજુભાઈ પટેલ આર.કે.જ્વેલર્સ, સેન્ટર પોઈંટનો ઉદ્‌ભવ કઈ રીતે થયો તે બાબતે જણાવ્યુ હતુ કે ભાગીદારોએ બગોદરામાં ઈન્વેસ્ટમેન્ટ વિચાર કર્યો હતો. ત્યારે રાજુભાઈ પટેલે આગ્રહ રાખ્યો હતો કે વિસનગરમાંથી કમાયા છીએ તો વિસનગરની હદ છોડવી નથી. કંઈ કરવુ હોય તો તાલુકા માટે કરો. જે વિચાર બાદ કડા પાસેની જગ્યા ખરીદી. તેમાં ફાર્મ હાઉસ બનાવવાનુ સુચન આવ્યુ. પરંતુ છેલ્લે તાલુકાના ૪૦૦૦ થી ૫૦૦૦ લોકોને રોજગારી મળે તે માટે બીઝનેસ પાર્ક બનાવવાનો નિર્ણય કરાયો. તાલુકામાં છેલ્લા ૧૫-૨૦ વર્ષથી કોઈ ડેવલપમેન્ટ નથી. તાલુકાના હિત માટે ઈન્વેસ્ટમેન્ટ કરવાના વિચારને સર્વ ભાગીદારોએ આવકાર્યો. રાજુભાઈ પટેલે તેમના ભાગીદારને બીરદાવતા જણાવ્યુ હતું કે મને સારા વિચારોના કારણે સારા ભાગીદાર મળ્યા છે. મારા ભાગીદારો મારા કરતા પણ બે સ્ટેપ ચડીયાતા છે. સેન્ટર પોઈંટમાં એવુ બનાવવુ છેકે લોકો ૧૦૦ વર્ષ સુધી યાદ કરે. બીઝનેસ પાર્કમાં ઉદ્યોગપતિઓ આવશે જેનો સીધોજ ફાયદો તાલુકાને થવાનો છે. સેન્ટર પોઈંટ માટે કડા ગામના આગેવાનો અને ગ્રામજનોનો અભૂતપૂર્વ સહકાર મળતા તેમનો પણ આભાર માન્યો હતો.
આ શુભારંભ પ્રસંગે પ્રોજેક્ટની જાણકારી આપતા એવરેસ્ટ ઈન્સ્ટ્રુમેન્ટના અજીતભાઈ પટેલે જણાવ્યુ હતું કે, તાલુકાના લાભ માટે રાજુભાઈ પટેલનો બીઝનેસ પાર્કનો વિચાર ખુબજ સારો હતો. જેની પાછળ ખુબજ મહેનત કરી. વિસનગર જી.આઈ.ડી.સી.માં વિકાસ કરવો શક્ય નહોતો. તાલુકા માટે કંઈક કરીએ, તાલુકાને કંઈક નવુ આપીએ તેવા વિચાર સાથે પ્રોજેક્ટ શરૂ કર્યો. નાનામાં નાના માણસથી લઈ મલ્ટીનેશનલ કંપનીઓ આવી બીઝનેસ કરી શકે તેવો ઈન્ડસ્ટ્રીયલ પાર્ક બનાવવા જઈ રહ્યા છીએ. એકલો ઈન્ડસ્ટ્રીયલ પાર્ક નહી પરંતુ અંદર તમામ પ્રકારની સુવિધાઓ આપવા જઈ રહ્યા છીએ. કોઈપણ એક પ્રકારની ઈન્ડસ્ટ્રીઝ નહી પરંતુ જુદી જુદી ઈન્ડસ્ટ્રીઝ શરૂ થાય તે માટે ફ્રાન્સની વર્લ્ડ બેસ્ટ ડેવલપમેન્ટ કંપનીને કન્સલ્ટ કરી છે. ધોલેરા ગુજરાત મેટ્રો પ્રોજેક્ટનુ કામ કરનાર કંપનીને પાર્કના ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ તરીકે કન્સલ્ટ કર્યા છે. સરસ મજાનુ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ કરવા જઈ રહ્યા છીએ. જેમાં તમામ સુવિધાઓ ઉપરાંત રહેણાંક ફ્લેટ, રો-હાઉસ, સ્કુલ, હોસ્પિટલ વિગેરે સુવિધાઓ પણ મળી રહેશે.
સામાજીક અગ્રણી સોમાભાઈ મોદીએ પ્રસંગને અનુરૂપ જણાવ્યુ હતું કે, પૈસા પાત્ર લોકો મોટા શહેરમાં અને વિદેશ તરફ મીટ માડે છે. ત્યારે આ ભાગીદારોએ સમાજની જવાબદારી ઉપાડી, તાલુકા માટે કંઈક કરવુ છે તે લાગણી બતાવી તે ખુબ મોટી વાત છે. સમાજ પ્રત્યે જવાબદારી અદા કરવાની ભાવના ધરાવતા ઘણા ઓછા હોય છે. ઈન્ડસ્ટ્રીયલ પાર્ક આવનાર દિવસોમાં આ વિસ્તારના વિકાસ માટે ખુબ મોટો ફાળો આપશે. તાલુકાના વિકાસ માટે જે પ્લાનીંગ કર્યુ તે ખુબજ દુરંદેશી ભર્યુ પગલુ છે. આ કાર્યથી પૈસા કરતા પુણ્યની કમાણી વધારે થવાની છે.

સેન્ટર પોઈન્ટમાં કઈ ઈન્ડસ્ટ્રીઝ શરૂ થાય તેવા પ્રયત્નો કરાશે?

ઓટો મોબાઈલ્સ, ઓટો પાર્ટસ, લોજીસ્ટીક એન્ડ વેર હાઉસ, પેકેજીંગ, ડેરી પ્રોડક્ટ્‌સ, રીટેલ એન્ડ હોલસેલ, ગ્લાસ એન્ડ સીરામીક, વાયર એન્ડ કેબલ, કોમોડીટી ટ્રેડ, કોલ્ડ સ્ટ્રોરેજ, પ્રિન્ટીંગ એન્ડ સ્ટેશનરી, એગ્રીકલ્ચર, ફર્નિચર, ઈલેક્ટ્રોનીક્સ એન્ડ કોમ્પ્યુટર, પ્લાસ્ટીક, એપેરેલ એન્ડ એસેસરીઝ, ટેલીકોમ, ટોય(રમકડાં), હોમ એપ્લાયન્સીસ, કોટન ઝીનીંગ, સોઈંગ મશીન, ફેન(પંખા), ડ્રગ એન્ડ ફાર્માસ્યુટીકલ, સ્પોર્ટસ, ગુડસ, જ્વેલરી એન્ડ ગોલ્ડ પ્લોટીંગ, જનરલ લાઈટ સર્વિસ, પેઈન્ટ શોપ ફોર ઓટોમોબાઈલ્સ, ફેબ્રીકેશન વર્કશોપ, મશીન પાર્ટસ, ફુડ પ્રોસેસીંગ.

સેન્ટર પોઈન્ટમાં કંઈ સુવિધાઓ મળશે

આર.સી.સી.રોડ, ૨૪ ઠ ૭ ઈલેક્ટ્રીસીટી, સ્ટોર્મ વોટર ડ્રેનેજ, ફાયર ફાઈટીંગ પોઈન્ટ, એડમીન બીલ્ડીંગ, ૨૪ ઠ ૭ વોટર સપ્લાય, ટ્રક ટર્મિનલ, બેંક-એટીએમ, સીસીટીવી કેમેરા, વાઈફાઈ ઝોન, મેડીકલ સ્ટોર, પાર્કિંગ એન્ડ લેન્ડસ્કેપ, લોડીંગ એન્ડ અનલોડીંગ, કુરીયર એન્ડ પોસ્ટ, વે-બ્રીજ, સ્ટ્રીટ લાઈટ, ગઝેબોઝ , સ્ટ્રીટ ફર્નિચર, કોમન ટોયલેટ, પબ્લીક ટ્રાન્સપોર્ટ, હોટલ, રેસ્ટોરન્ટ, રેસીડન્ટ ક્વાટર્સ, કોમર્શીયલ કોમ્પલેક્ષ, ફ્યુઅલ સ્ટેશન, ડોરમેટરી.

તાલુકાના હિત માટે સેન્ટર પોઈન્ટનો શુભારંભ કરનાર ભાગીદારોને પ્રચાર સાપ્તાહિકના અભિનંદન

(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
વિસનગરમાં સ્પીનીંગ મીલ હતી. મોડલેમ હતું કે જ્યાંથી મોટી સંખ્યામાં લોકો રોજગારી મેળવતા હતા. આ બન્ને સંસ્થાઓ ભાગી પડતા તાલુકામાં રોજગારી આપતી કોઈ મોટી ઈન્ડસ્ટ્રીઝ રહી નહોતી. ત્યારબાદ મોટી સંખ્યામાં રોજગારી આપતો સબમર્સીબલ પંપ અને હિરા ઉદ્યોગ પણ પડી ભાગ્યો હતો. મોટી સંખ્યામાં રોજગારી આપવામાં તાલુકા વાંઝીયો છે. ત્યારે તાલુકામાંથી ૪૦૦૦ થી ૫૦૦૦ લોકોને રોજગારી મળે, તાલુકાનો વિકાસ થાય તેવા હેતુથી ઈન્ડસ્ટ્રીયલ પાર્ક માટે નિર્ણય કરાયો. સેન્ટર પોઈન્ટના પૈસા પાત્ર ભાગીદારો મોટા શહેરમાં ઝડપી ગ્રોથ મળે તેવું ઈન્વેસ્ટમેન્ટ કરી શકતા હતા. પરંતુ તાલુકાના લોકો માટે તાલુકાના વિકાસ માટે કંઈ કરી છુટવાની ભાવના અને તમન્ના સાથે ઈન્ડસ્ટ્રીયલ પાર્ક સેન્ટર પોઈન્ટનો શુભારંભ કર્યા તે બદલ પ્રચાર સાપ્તાહિક પરિવાર સેન્ટર પોઈન્ટના ભાગીદાર પૂજા ડેવલોપર્સના હરેશભાઈ પટેલ તથા જય પટેલ, એવરેસ્ટ ઈન્સ્ટ્રુમેન્ટ પ્રા.લી.ના અજીતભાઈ પટેલ તથા પરિમલભાઈ પટેલ, આર.કે.જ્વેલર્સના રાજુભાઈ પટેલ તથા જયમીન પટેલ, અંબીકા એલોયઝ સ્ટીલ ઈન્ડયા લી.ના અશ્વીનભાઈ પટેલ તથા ભરતભાઈ પટેલ તેમજ વી.જી.આર.ના અનીલભાઈ પટેલ હેપ્પીનો આભાર માની અભિનંદન પાઠવે છે.

Leave a Reply

Top