You are here
Home > News > સાબરમતી ગેસ કંપની દ્વારા થતી ઉઘાડી લુંટ

સાબરમતી ગેસ કંપની દ્વારા થતી ઉઘાડી લુંટ

વિસનગર શહેર રીક્ષા ડ્રાઈવર વેલફેર એસો.એ આવેદન આપ્યુ

સાબરમતી ગેસ કંપની દ્વારા થતી ઉઘાડી લુંટ

(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
સાબરમતી ગેસ કંપનીના સી.એન.જી.પંપ દ્વારા પુરો પાડવામાં આવતા ગેસમાં વાહનોમાં મીટર પ્રમાણે ઓછો ગેસ મળતો હોવાની ભારે બુમરાડ ઉઠી છે. સી.એન.જી.વાહન ચાલકોને ફરજીયાત સાબરમતી ગેસના પંપમાંથીજ ગેસ પુરાવો પડતો હોવાથી વાહન ચાલકો લુંટાઈ રહ્યા હોવાનુ જાણવા છતાં સાબરમતી પંપમાં ગેસ પુરાવવા મજબુર બનવુ પડે છે. વાહનચાલકો લુંટાઈ રહ્યા છે ત્યારે કંપની છેલ્લા એક માસથી તમાસો જોઈ રહી છે. અન્ય વાહન ચાલકોનુ કોઈ યુનીયન નહી હોવાથી સી.એન.જી.વાહન ચાલકો બોલી શકતા નથી. પરંતુ રીક્ષા ડ્રાયવરોનુ એસોસીએશન હોવાથી આ એસોસીએશને કંપનીની લુંટ સામે બાયો ચડાવી છે. વિસનગર શહેર રીક્ષા ડ્રાઈવર વેલ્ફેર એસો. દ્વારા કંપનીની લુંટ સામે ધારાસભ્ય તથા મામલતદારને આવેદન આપવામાં આવ્યુ હતુ.
વિસનગર શહેર રીક્ષા ડ્રાઈવર વેલ્ફેર એસો.એ આપેલ આવેદનમાં જણાવ્યુ છેકે, તા.૪-૧૧-૨૦૧૮ થી સાબરમતી ગેસ કંપની લીમીટેડ દ્વારા સી.એન.જી. ગેસના વેચાણમાં સી.એન.જી. વાહન ચાલકો અને ઓટો રિક્ષા ચાલકોને લુંટવાનું કામ થઈ રહ્યુ છે. સાબરમતી ગેસ કંપની દ્વારા એવુ કહેવામાં આવે છે કે, સી.એન.જી. ગેસ જે વાપરી રહ્યા છો તેનું કમ્પોઝીશન સ્ત્રોત બદલવામાં આવેલ છે. સી.એન.જી.ગેસમાં હાઈડ્રો-કાર્બનનું પ્રમાણ વધારે આવવાથી ગેસની ઘનતામાં વધારો થયેલ છે. તેથી વાહનોમાં રોજ કરતાં વધારે ગેસ આવવાની શક્યતા છે. પણ હકીકતમાં મીટરમાં જે પોઈંટ બતાવે છે તેની જગ્યાએ વાહનમાં ઓછો ગેસ આવે છે. અને સી.એન.જી. પંપના મીટરમાં ગેસ વધારે બતાવે છે. ઓટો રીક્ષાની ગેસની ટાંકીની કેપેસીટી ૪ કીલોની છે. ૪ કીલોથી વધારે ગેસ આવે નહીં, જ્યારે સાબરમતી ગેસના પંપ ઉપર ઓટો રીક્ષાની ગેસની ટાંકીમાં ૫ થી ૬ કીલો ગેસ બતાવે છે અને તેજ પ્રમાણે રૂપિયા ચુકવવા પડે છે. ૪ કીલોની કેપેસીટીવાળી ટાંકીમાં ૫ થી ૬ કીલો ગેસ કઈ રીતે સમાઈ શકે. જો વધારે ગેસ સમાતો હોય તો રીક્ષાની એવરેજમાં પણ વધારો થવો જોઈએ. પણ એવરેજમાં કોઈપણ જાતનો વધારો થતો નથી અને ઓટોરીક્ષા ચાલકોને વધારે ગેસ આવે છે તેમ કહીને વધારે રૂપિયા પડાવવામાં આવી રહ્યા છે. પહેલા ૪ કીલો ગેસમાં જે એવરેજ મળતી હતી તેજ એવરેજ અત્યારે ૫ થી ૬ કીલો ગેસમાં મળી રહી છે. અને રૂપિયા ૫ થી ૬ કીલોના ચુકવવા પડે છે. પહેલા રૂા.૨૦૦/- માં ૨૦૦ પ્રેસર ગેસ મળતો હતો અત્યારે રૂા.૨૦૦/- માં ૧૫૦ પ્રેસર ગેસ મળે છે. સી.એન.જી. ગેસનો ભાવ વધ્યો નથી. ગેસનું માપ પણ પહેલાની જેમ કીલો ગ્રામમાં થાય છે. તો પછી જે ગેસ પહેલા રૂા.૨૦૦/- માં ૨૦૦ પ્રેસર સી.એન.જી. ગેસ મળતો હતો તે રૂા.૨૦૦/- માં ૧૫૦ સી.એન.જી. ગેસ કેમ આપવામાં આવે છે? આવો કોઈપણ જાતનો ગેસમાં બદલાવ આવ્યો હોય તો દરેક સી.એન.જી. પંપ ઉપર આવે, ફક્ત ને ફક્ત સાબરમતી ગેસના પંપ ઉપર જ કેમ આવ્યો તેવો પ્રશ્ન દરેક ઓટો રીક્ષા ડ્રાઈવરોના મનમાં થઈ રહ્યો છે.
વિસનગરમાં સાબરમતી ગેસ લી.ના બે પંપો આવેલા છે. જેમાં ઉમા પેટ્રોલીયમ, કડા રોડ, કડા ત્રણ રસ્તા અને બીજો પંપ તિરૂપતિ પેટ્રોલીયમ, ખેરાલુ રોડ, વિસનગર એમ આ બંને સી.એન.જી. પંપ અને મહેસાણા જીલ્લાના સાબરમતી સી.એન.જી. પંપમાં આ તકલીફ જોવા મળી રહી છે.

Leave a Reply

Top