You are here
Home > News > ગંદકીથી મચ્છરોના ઉપદ્રવના કારણે પી.એસ.આઈ.ને ડેન્ગ્યુ વિસનગર તાલુકો પોલીસ અધિકારીઓની ઘટથી રામભરોસે

ગંદકીથી મચ્છરોના ઉપદ્રવના કારણે પી.એસ.આઈ.ને ડેન્ગ્યુ વિસનગર તાલુકો પોલીસ અધિકારીઓની ઘટથી રામભરોસે

ગંદકીથી મચ્છરોના ઉપદ્રવના કારણે પી.એસ.આઈ.ને ડેન્ગ્યુ
વિસનગર તાલુકો પોલીસ અધિકારીઓની ઘટથી રામભરોસે
(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
વિસનગર તાલુકા પોલીસ સ્ટેશનની પરિસ્થિતિ અત્યારે ચીંથરેહાલ છે. પોલીસ સ્ટેશનમાં અધિકારીઓ નથી. પોલીસ સ્ટેશન ગંદકીથી ખદબદતા મચ્છરોના કારણે એક અધિકારી ડેન્ગ્યુની અસરમાં છે. પોલીસ સ્ટેશનમાં દોઢ માસથી પાઈપલાઈનથી પાણી મળતુ નથી. આરોપીઓ નાસી જાય તેવી લોકઅપની હાલત છે. તાલુકા પોલીસ સ્ટેશનનુ લોકાર્પણ તો કર્યુ, પરંતુ લોકાર્પણ બાદ પોલીસ સ્ટેશનની શું હાલત છે તે જોવાની જીલ્લા પોલીસ તંત્રએ કે ધારાસભ્યએ તસ્દી લીધી છે ખરી? સાત અધિકારીઓના મહેકમ સામે એકપણ પોલીસ અધિકારી હાજર નહી હોવાથી આખો તાલુકો રામભરોસે છે.
વિસનગર તાલુકો એ પાટીદાર અનામત આંદોલનનુ એપી સેન્ટર છે. કોમ્યુનલ તાલુકો છે. તાલુકામાંથી પસાર થતા હાઈવેના કારણે આંતરે દિવસે અકસ્માતના ગુના નોંધાય છે. ગામડાઓમાંથી કેબલ ચોરી, પશુ ચોરી, ખેતપેદાશની ચોરીના વર્ષે ઘણા ગુના નોંધાય છે. ત્યારે તાલુકા પોલીસ સ્ટેશનમાં અધિકારીઓની ગેરહાજરીથી તાલુકાના લોકો રામભરોસે છે. તાલુકા પોલીસ સ્ટેશનમાં એક પી.આઈ. તથા છ પી.એસ.આઈ.નુ મહેકમ છે. ત્યારે પી.આઈ.પુનડીયાની બદલી બાદ નવા પી.આઈ.ની નિમણુંક કરવામાં આવી નથી. બે પી.એસ.આઈ.માં એસ.એચ.ભુવા સીક રજા ઉપર છે. પોલીસ સ્ટેશન કમ્પાઉન્ડમાં ગંદકી અને કચરો હોવાથી મચ્છરોનો એટલો બધો ઉપદ્રવ છેકે મચ્છરોના ત્રાસથી પી.એસ.આઈ. ભુવા ડેન્ગ્યુની અસર નીચે સારવાર લઈ રહ્યા છે. બીજા પી.એસ.આઈ. સી.એમ.સોલંકી કરાઈ તાલીમમાં ગયા છે. સીટી પોલીસ સ્ટેશનના પી.આઈ. વી.પી.પટેલ પાસે તાલુકા પોલીસ સ્ટેશનના પી.આઈ.નો ચાર્જ છે. તાલુકા ૬૫ ગામડાની સુરક્ષા અને કાયદો વ્યવસ્થા માટે એક પણ પોલીસ અધિકારી નથી તે જીલ્લા પોલીસ તંત્ર અને પોલીસવડાની નિષ્કાળજી તથા નિષ્ક્રીયતાનુ પરિણામ કહી શકાય.
તાલુકા પોલીસ સ્ટેશન બનાવ્યા બાદ તંત્રની ઉપેક્ષાથી પોલીસ સ્ટેશનમાં સુવિધાઓના નામે મીંડુ છે. પોલીસ સ્ટેશનમાં પાણી પહોચતુ કરતી પાઈપલાઈન બગડી હોવાથી દોઢ માસથી પાણી મળતુ નથી. પાલિકામાં લેખીત રજુઆત કરવા છતાં રીપેરીંગ કરવામાં આવતુ નથી. લોકઅપની હાલત ખુબજ ખરાબ છે. આરોપીઓ નાસી જાય તેવી હાલતમાં છે. અગાઉ છ આરોપીઓ લોકઅપમાંથી નાસી ગયા હતા. જ્યારે ગત અઠવાડીયે બળાત્કાર કેસનો એક આરોપી જાળી ઉપરથી બહાર નીકળવાની કોશીશ કરતા ઝડપાયો હોવાનુ ચર્ચાય છે. આવી પરિસ્થિતિમાં કોઈ હેડ કોન્સ્ટેબલ પી.એસ.ઓ.ની જવાબદારી લેવા તૈયાર થતુ નથી. આમ તો પી.એસ.ઓ.ના ટેબલ સામે લોકઅપ રાખવાની ગાઈડલાઈન છે. જ્યારે તાલુકા પોલીસ સ્ટેશનમાં પી.એસ.ઓ.ટેબલથી ૫૦ ફૂટ દુર ખુણામાં લોકઅપ છે. લોકઅપ ઉપર દેખરેખ રાખવા માટે પી.એસ.ઓ.ટેબલ સામે સીસીટીવી કેમેરાનુ ડીસ્પ્લે પણ નથી. પોલીસ સ્ટેશનના સીસીટીવી કેમેરાનુ ડીસ્પ્લે બંધ હાલતમાં છે. લોકઅપમાં સંડાસ-બાથરૂમની પણ વ્યવસ્થા નથી. જેથી આરોપીને કુદરતી હાજતે જવુ હોય તો પી.એસ.ઓ.એ આરોપીને બહાર કાઢી લઈ જવો પડે છે અને જ્યાં સુધી આરોપી ક્રીયા ન પતાવે ત્યાં સુધી પી.એસ.ઓ.ને બહાર બેસી રહેવુ પડે છે. આવી હાલત વિસનગર તાલુકા પોલીસ સ્ટેશનની છે. ત્યારે મહત્વની બાબત તો એ છેકે કોમામાં જઈ રહેલા તાલુકા પોલીસ સ્ટેશનની હાલત બાબતે ધારાસભ્ય ઋષિભાઈ પટેલને કોઈ જાણકારી છેકે નહી?

Leave a Reply

Top