You are here
Home > News > વિસનગરમાં સ્વચ્છતા માટે જન આંદોલન શરૂ કરવા સૂચન

વિસનગરમાં સ્વચ્છતા માટે જન આંદોલન શરૂ કરવા સૂચન

પાલિકાએ સ્વચ્છતાની જવાબદારી માટે વોર્ડ વાઈઝ સુપરવાઈઝરની નિમણુંક કરી

વિસનગરમાં સ્વચ્છતા માટે જન આંદોલન શરૂ કરવા સૂચન

લાઈટ, પાણી, ગટર, સફાઈ, બીલ્ડીંગ મટેરીયલનો કાટમાળ ઉઠાવવા ટે.નં.૨૩૦૩૦૦ તથા ફાયર માટે ટે.નં.૨૩૫૧૦૧ ઉપર સંપર્ક કરવો – ચીફ ઓફીસર સંજયભાઈ પટેલ

(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
સ્વચ્છ ભારત અંતર્ગત વિસનગરમાં મોટા પ્રમાણમાં સ્વચ્છતાની કામગીરી ચાલી રહી છે. ત્યારે આ અભિયાનને લોકો સુધી જોડવા અને પહોચાડવા માટે બાબુભાઈ વાસણવાળાના પ્રયત્નોથી ફાયર સ્ટેશનમાં સ્વચ્છતા પ્રેમી, બુધ્ધીજીવીઓની મીટીંગ મળી હતી. જેમાં કચરો ફેલાવનારને દંડ કરવા તથા સ્વચ્છતા માટે જન આંદોલન શરૂ કરવા સુચન કરાયા હતા. આ મીટીંગમાં મળેલા સુચનો બાદ પાલિકા દ્વારા નિયમિત સ્વચ્છતા માટે વોર્ડ વાઈઝ સુપરવાઈઝરની નિમણુંક કરી તેમના મોબાઈલ નંબર જાહેર કરવામાં આવ્યા છે. મીટીંગમાં હાજર પાલિકા પ્રમુખ તથા ચીફ ઓફીસરે સ્વચ્છતા માટેના કેટલાક સુચનોનો તાત્કાલીક અમલ થશે તેમ જણાવી સ્વચ્છતા સર્વેક્ષણમાં સહકાર આપવા માટે વિનંતી કરી હતી.

સ્વચ્છતા માટે વોર્ડ વાઈઝ સુપરવાઈઝરની નિમણુંક

વિસનગર પાલિકા વિસ્તારના જે તે વોર્ડમાં નિયમિત સફાઈ થતી ન હોય, ગંદકી જણાતી હોય કે ડોર ટુ ડોરની સેવા મળતી ન હોય તો જણાવેલ સુપર વાઈઝરનો મોબાઈલ નંબર ઉપર સંપર્ક કરી શકાશે.

      વોર્ડ નં.       સુપરવાઈઝરનુ નામ         મોબાઈલ નંબર
૧      ૧,૩,૪     ગોપાળભાઈ મકવાણા        ૯૭૨૫૨૮૩૯૮૬
૨      ૫,૭         બાબુભાઈ પરમાર              ૬૩૫૨૮૧૩૭૦૫
૩      ૨,૮         અશ્વિનભાઈ પરમાર           ૯૧૭૩૬ ૨૨૩૨૨
૪      ૯             અશોકભાઈ મકવાણા         ૭૩૮૩૯૨૧૧૯૯
૫      ૬             પ્રહેલાદભાઈ પરમાર         ૯૯૭૪૫૪૦૩૨૩

સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત વિસનગર પાલિકાએ શહેરને કચરામુક્ત બનાવવાનુ મહા અભિયાન આરંભ્યુ છે. પાલિકાના સ્વચ્છતાના મહાયજ્ઞમાં સહભાગી બની શકાય તે માટે બાબુભાઈ વાસણવાળાના પ્રયત્નોથી સ્વચ્છતાના સૂચનો માટેની અને કંઈ રીતે શહેરને સ્વચ્છ રાખી શકાય તેના માર્ગદર્શન માટે ફાયર સ્ટેશનમાં તા.૧૫-૧૨-૨૦૧૮ ના રોજ બપોરે ૨-૦૦ કલાકે મીટીંગ મળી હતી. આ મીટીંગમાં પાલિકા પ્રમુખ ગોવિંદભાઈ ગાંધી, ચીફ ઓફીસર સંજયભાઈ પટેલ, ર્ડા.જે.એન.ઝવેરી, ગોરધનભાઈ પટેલ, બાબુભાઈ વાસણવાળા, પ્રતાપભાઈ ચૌધરી, શામળભાઈ દેસાઈ, રોટરી પ્રમુખ કલ્પેશભાઈ પટેલ, લાયન્સ પ્રમુખ શૈલેષભાઈ પટેલ, રોટરેક્ટ પ્રમુખ દેવાંગભાઈ ઠક્કર, ઈશ્વરલાલ નેતા, નિમેષભાઈ તાવડાવાળા, સમર્થ ચેરીટેબલ ટ્રસ્ટના પ્રતિનિધિ, શ્યામભાઈ બ્રહ્મભટ્ટ વિગેરેએ હાજરી આપી હતી. બાબુભાઈ વાસણવાળાએ મીટીંગનો હેતુ સમજાવી સ્વચ્છતાને લગતા સુચનો કર્યા હતા. જેમાં હાજર સ્વચ્છતા પ્રેમીઓએ શહેરમાં સ્વચ્છતા માટે જન આંદોલન શરૂ કરવા, કચરો જાહેરમાં નાખનાર સામે શેહશરમ વગર દંડનીય કાર્યવાહી કરવા, સ્વચ્છતા- ગંદકી તથા પાલિકાની અન્ય સુવિધાઓ માટે ટોલ ફ્રી નંબર જાહેર કરવા, શાળા કોલેજ જેવી શૈક્ષણિક સંસ્થાઓમાં દિવસ દરમ્યાન મોટા પ્રમાણમાં કચરો થાય છે. જે સંસ્થા દ્વારા સફાઈ થાય છે પરંતુ એકઠા થયેલ કચરાનો નિકાલની સુવિધા ઉભી કરવા, પાલિકા ટીમ શરમાં શરમીમાં દંડ વસુલી શકતી નથી ત્યારે થોડા સમય માટે દંડ વસુલાત માટે ખાનગી દંડ વસુલાત માટે ખાનગી કોન્ટ્રાક્ટ આપવા, બાંધકામનો કાટમાળ કોઈ ઉપાડતુ નથી તેનો નિકાલ કરવા, વેપારીઓ સવારે દુકાન ઓફીસ ખોલી સફાઈ કર્યા બાદ કચરો જાહેરમાં નાખવા ન પ્રેરાય તે માટે અગાઉની જેમ ટ્રેક્ટર સુવિધા આપવા વિગેરે સુચનો કરાયા હતા.
મીટીંગમાં હાજર આગેવાનોના સ્વચ્છતાના સુચનો બાદ ચીફ ઓફીસર સંજયભાઈ પટેલે સ્વચ્છતા સર્વેક્ષણ અંતર્ગત પાલિકા શું કામગીરી કરી રહી છે તેની રૂપરેખા આપી હતી. ત્યારબાદ મળેલા સુચનો સંદર્ભે જણાવ્યુ હતું કે કચરો ફેલાવનાર સામે દંડનીય કાર્યવાહી કરવા પાલિકા ટીમ બનાવવામાં આવી છે. શૈક્ષણિક સંસ્થાઓ પોતાના કમ્પાઉન્ડ વૉલમાં જગ્યા ફાળવશે તો પાલિકા કચરા પેટી આપશે અને પાલિકા દ્વારા તેનો નિકાલ કરવામાં આવશે. આ સુવિધા માટે શૈક્ષણિક સંસ્થાઓએ પોતાના લેટરપેડ ઉપર માગણી કરવા જણાવ્યુ હતુ. લાઈટ, પાણી, ગટર સફાઈ તથા બીલ્ડીંગનો કાટમાળ ઉઠાવવા પાલિકાના ટે.નં.૨૩૦૩૦૦ ઉપર સંપર્ક કરવા, જ્યારે ફાયર માટે ૨૩૫૧૦૧ ઉપર સંપર્ક કરવા જણાવ્યુ હતુ. બાંધકામ થઈ ગયા બાદ મકાન માલિક બીલ્ડીંગનો કાટમાળ નહી ઉઠાવતા ગંદકી થાય છે. ત્યારે હવે આવો કાટમાળ જણાશે તો પાલિકાના સફાઈ કામદાર કાટમાળનો નિકાલ કરી રૂા.૪૦૦/- દંડ રૂપે ચાર્જ વસુલશે. જ્યારે જેને ખાડા પુરવા કાટમાળની જરૂર હોય તેને રૂા.૧૦૦/- ચાર્જમાં કાટમાળ આપવામાં આવશે. કાટમાળ ઉઠાવવા અને નખાવવા પણ ફોન ૨૩૦૩૦૦ ઉપર નોંધણી કરાવવી પડશે. વેપારીઓ રોડ ઉપર કચરો નાખે નહી તે માટે જે તે વિસ્તારના વેપારીઓની માગણી પ્રમાણે ટ્રેક્ટરની સુવિધા ચીફ ઓફીસરે જણાવ્યુ હતું. મીટીંગના અંતે પાલિકા પ્રમુખ ગોવિંદભાઈ ગાંધીએ સુચનો કરવા બદલ તથા સ્વચ્છતામાં સહકાર આપવા બદલ અગ્રણીઓનો આભાર માની સ્વચ્છતા સર્વેક્ષણમાં સહકાર આપવા નગરજનોને વિનંતી કરી હતી.

Leave a Reply

Top