You are here
Home > Local News > જુલાઈ-૧૭ થી જી.એસ.ટી. રીકવરી કરવા પરિપત્ર વિજ કંપનીની તમામ સેવાઓમાં ૧૮ ટકા GST લાગશે

જુલાઈ-૧૭ થી જી.એસ.ટી. રીકવરી કરવા પરિપત્ર વિજ કંપનીની તમામ સેવાઓમાં ૧૮ ટકા GST લાગશે

જુલાઈ-૧૭ થી જી.એસ.ટી. રીકવરી કરવા પરિપત્ર
વિજ કંપનીની તમામ સેવાઓમાં ૧૮ ટકા GST લાગશે
(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
વિજ પુરવઠો એ આવશ્યક સેવા છે. ગ્રાહક પાસે બીજો કોઈ વિકલ્પ નથી. ત્યારે ઈજારાસાહીનો દુરઉપયોગ કરી સરકાર દ્વારા વિજ કંપનીની તમામ સેવાઓમાં ૧૮ ટકા જી.એસ.ટી. લગાવવાનો પરિપત્ર કરવામાં આવ્યો છે. આ પરિપત્રની અસર નાનામાં નાના વ્યક્તિથી માંડી પૈસાપાત્ર વ્યક્તિઓ સુધી થશે. ફક્ત એનર્જી ચાર્જીસ અને ડીપોઝીટમાંજ જી.એસ.ટી. લાગશે નહી. સરકારના આ પરિપત્રથી ગરીબ અને જરૂરીયાતમંદ વ્યક્તિઓ પણ જી.એસ.ટી.ની અસરમાં આવશે અને ફરજીયાત જી.એસ.ટી. ચુકવવો પડશે.
કેન્દ્ર સરકાર દ્વારા જી.એસ.ટી.નો અમલ કરાયો ત્યારે કેન્દ્રીય નાણાંમંત્રીએ જણાવ્યુ હતું કે ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને જી.એસ.ટી.ની કોઈ અસર થશે નહી. ટેક્ષચોરી કરતા મોટા વેપારીઓ માટે જી.એસ.ટી.નો અમલ કરાયો છે. ત્યારે હવે ગરીબ અને મધ્યમવર્ગના લોકો જી.એસ.ટી.ની અસર નીચે આવે, ફરજીયાત જી.એસ.ટી. ચુકવવો પડે તેવો સરકારની વિજ કંપની દ્વારા પરિપત્ર કરવામાં આવ્યો છે. વિજ કંપનીની તમામ સેવાઓને જી.એસ.ટી.ની અસર નીચે આચરી લેવામાં આવી છે અને તે પણ જી.એસ.ટી.નો મીનીમમ ચાર્જીસ ૫ ટકા નહી પરંતુ ૧૮ ટકા જી.એસ.ટી. વસુલવા આદેશ કરાયો છે. વિજ કંપનીની વિવિધ સેવાઓના ચાર્જીસ જેવા કે સર્વિસ કનેક્શન ચાર્જ, ફીક્સ ચાર્જ, દરેક એસ્ટીમેટ ચાર્જ, રજીસ્ટ્રેશન ચાર્જ, રીએસ્ટીમેટ ચાર્જ, ટેસ્ટ રીપોર્ટ ચાર્જ, મીટર ટેસ્ટીંગ ચાર્જ, સોલાર મીટર ટેસ્ટીંગ ચાર્જ, બળેલા મીટર ચાર્જ, રીસીલીંગ ઓફ મીટર, સીફ્ટીંગ ઓફ મીટર વિગેરે વિજ કંપનીના ચાર્જીસમાં ૧ લી નવેમ્બર ૨૦૧૮ થી ૧૮ ટકા જી.એસ.ટી. લગાવવાનુ શરૂ કરવામાં આવ્યુ છે. ફક્ત એનર્જી ચાર્જીસ એટલેકે જેટલો વિજ વપરાશ કરવામાં આવ્યો હોય તેના ઉપર તેમજ જે ડીપોઝીટ ભરવાની થાય તેના ઉપર જી.એસ.ટી. લાગશે નહી. એ સીવાયની વિજકંપનીની તમામ સેવાઓ ૧૮ ટકા જી.એસ.ટી.માં આવરી લેવામાં આવી છે. જી.એસ.ટી.નો અમલ જુલાઈ-૧૭ થી થયો હતો. ત્યારે જુલાઈ-૧૭ થી જે વિજ ગ્રાહકોએ વિવિધ ચાર્જીસ ભર્યો હોય તેમની પાસેથી ૧૮ ટકા જી.એસ.ટી. વસુલવા પરિપત્રમાં આદેશ કરાયો છે. જે જી.એસ.ટી. સીધોજ ગ્રાહકના વિજ બીલમાં ઉધારવામાં આવશે.
જી.એસ.ટી.ના અમલ વખતે કહેવાતુ હતું કે નાના અને મધ્યમ વર્ગને ગભરાવવાની જરૂર નથી. આ વર્ગને જી.એસ.ટી.ની કોઈ અસર થશે નહી. ત્યારે વિજળીની જરૂર કોને ન પડે? સરકારના આ પરિપત્રથી તમામ વર્ગના લોકો જી.એસ.ટી.ની અસર નીચે આવી ગયા છે. વિજ પુરવઠો એ આવશ્યક સેવા છે. વળી ગ્રાહક પાસે વિજ પુરવઠો મેળવવા બીજો કોઈ વિકલ્પ નથી. ત્યારે સરકારે ઈજારાશાહીનો ખોટો દુર ઉપયોગ કરી તમામ વિજ ગ્રાહકોને જી.એસ.ટી.ની અસર નીચે લાવી દીધા છે. ૧૮ ટકા જી.એસ.ટી. ઘણો કહેવાય. જી.એસ.ટી.નો મીનીમમ ચાર્જ ૫ ટકા લગાવી શકાતો હતો પરંતુ સરકાર જાણે છેકે ૧૮ ટકા જી.એસ.ટી. ઠોકી બેસાડવાથી કોઈ ગ્રાહક વિજ સેવાથી વિમુખ થવાનુ નથી. વિજ ચોરી કરનારના કરોડો રૂપિયા સરકાર માફ કરી શકે છે. અબજો રૂપિયાની લોનો લઈ દેશ છોડીને જતા ઉદ્યોગપતિઓ પાસેથી સરકાર વસુલાત કરી શકતી નથી. ત્યારે આવશ્યક સેવાઓમાં ૧૮ ટકા જેટલો જી.એસ.ટી. લગાવી તીજોરીઓ ભરવાની સરકારના આવા પરિપત્રથી વિજ ગ્રાહકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે.

Leave a Reply

Top