You are here
Home > News > ભાજપના શાસનમાં પાકી કેનાલ બનાવવા સહી ઝુંબેશ કરી લડત ઉપાડી હતી તે ગોવિંદભાઈ ગાંધીના પ્રમુખકાળમાં કેનાલનુ કામ ખોરંભે

ભાજપના શાસનમાં પાકી કેનાલ બનાવવા સહી ઝુંબેશ કરી લડત ઉપાડી હતી તે ગોવિંદભાઈ ગાંધીના પ્રમુખકાળમાં કેનાલનુ કામ ખોરંભે

ભાજપના શાસનમાં પાકી કેનાલ બનાવવા સહી ઝુંબેશ કરી લડત ઉપાડી હતી તે
ગોવિંદભાઈ ગાંધીના પ્રમુખકાળમાં કેનાલનુ કામ ખોરંભે
(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
વિસનગર મધ્યેથી પસાર થતી વરસાદી પાણીની કાચી કેનાલ પાકી બનાવવાનુ કામ ભાજપના શાસનમાં શક્ય બન્યુ નહોતુ. ત્યારે ગઠબંધનના શાસને પાકી કેનાલ બનાવવાની કામગીરી શરૂ કરી હતી. ત્યારે સળીયા ચોરી કૌભાંડ બાદ કેનાલનુ કામ ખોરંભે પડ્યુ છે. ગોવિંદભાઈ ગાંધીએ ભાજપના શાસનમાં પાકી કેનાલ બનાવવા લડત ઉપાડી હતી. ત્યારે તેમના પ્રમુખકાળમાંજ કેનાલનુ કામ ખોરંભે પડ્યુ છે. પ્રમુખ કેનાલનુ કામ આગળ વધારવામાં નિષ્ફળ નિવડ્યા છે. એમ.એન. કોલેજના નાળાથી કેનાલનુ કામ કરનાર કોન્ટ્રાક્ટર અલગ છે ત્યારે આ કોન્ટ્રાક્ટર પાસે પણ કામ શરૂ કરાવી શકતા નથી. પોતાના વોર્ડમાં અટકેલો વિકાસ કરાવી શકતા ન હોય તેવા કદાચ ગોવિંદભાઈ ગાંધી પ્રથમ પ્રમુખ હશે.
શહેર મધ્યેથી પસાર થતી વરસાદી પાણીની કાચી કેનાલમાં ગટરનુ પાણી વહેતા અને ઝાડી ઝાંખરા તથા કચરાના કારણે આ કેનાલ શ્રાપરૂપ છે. આ કાચી કેનાલના કારણેજ શહેરમાં મોટા પ્રમાણમાં મચ્છરોનો ઉપદ્રવ છે. ત્યારે ગઠબંધનના શાસનમાં ગોવિંદચકલા પટેલવાડી પાછળથી નાળા સુધી પ્રથમ ચરણમાં પાકી કેનાલ બની હતી. ત્યારબાદ નાળાથી ભાથીટીંબા ઠાકોરવાસ તેમજ ભાથીટીંબાથી અંબીકા, આશીષના નાળા સુધી કેનાલ બનાવવા બે ટેન્ડર પડ્યા હતા. જેમાં નાળાથી ભાથીટીંબા સુધીનુ ટેન્ડર પડે એક વર્ષ કરતા વધુ સમય થવા છતાં કોન્ટ્રાક્ટર દ્વારા કેનાલનુ કામ શરૂ કરવામાં આવ્યુ નથી. આ કોન્ટ્રાક્ટરને પાલિકા પ્રમુખજ પંપાળી રહ્યા હોવાનુ જાણવા મળ્યુ છે. નાળાથી ભાથીટીંબા સુધીના આ ટેન્ડરમાં કોઈ વિવાદ નથી છતાં કોન્ટ્રાક્ટર કામ શરૂ કરતા નથી. ભાથીટીંબાથી અંબીકા આશીષના નાળા સુધીના કામમાં કોન્ટ્રાક્ટર સળીયા ચોરી કૌભાંડ કરતા પકડાતા મે-૨૦૧૮ થી કામ ખોરંભે પડ્યુ છે. કોન્ટ્રાક્ટરને બ્લેક લીસ્ટ કરીને પોલીસ ફરીયાદ કરવામાં આવી હોત તો અત્યાર સુધીમાંતો નવુ ટેન્ડર પડી ગયુ હોત અને કામ પણ શરૂ થઈ ગયુ હોત. પાલિકા સભ્ય ગીરીશભાઈ પટેલે કૌભાંડ પકડ્યા બાદ તેઓ પણ હજુ સુધી પોલીસ ફરિયાદ કરાવી શક્યા નથી. ધારાસભ્યને વચ્ચે રાખી ગીરીશભાઈ પટેલને મનાવી શકાય તેમ છે. પરંતુ પ્રમુખ ગોવિંદભાઈ ગાંધી કોંગ્રેસના હોવાથી ભાજપના ધારાસભ્યની સીડી ચડતા ખચકાટ અનુભવતા આ વિવાદનુ નિવારણ આવતુ નથી અને કેનાલનુ કામ આગળ વધતુ નથી.
ભાજપના ગત બોર્ડમાં આ કાચી કેનાલને પાકી બનાવવા ગોવિંદભાઈ ગાંધીએ સહી ઝુંબેશ શરૂ કરી હતી અને લડત ઉપાડી હતી. ગોવિંદભાઈ ગાંધી પ્રમુખ બનતા કેનાલના વિવાદનો અંત લાવશે અને કેનાલનુ કામ ધમધમશે તેવુ લાગતુ હતુ. ત્યારે નાળાથી ભાથીટીંબા સુધીના કેનાલના ટેન્ડરમાં કોઈ વિવાદ નથી તે કામ પ્રમુખ શરૂ કરાવી શકતા નથી. તો સળીયા ચોરી કૌભાંડના વિવાદવાળી કેનાલનુ કામ આ પ્રમુખના કાળમાં શરૂ થાય તેવી કોઈ શક્યતા દેખાતી નથી. જે કેનાલ પાકી બનાવવાની લડત ઉપાડી હતી તે કેનાલનુ કામ શરૂ કરવામાં પોતાનાજ શાસનમાં પ્રમુખ નિષ્ફળ નિવડ્યા છે.
બીજી બાજુ માર્ગ અને મકાન વિભાગનો તપાસ રીપોર્ટ આવી ગયો છે. પ્રાદેશીક કમિશ્નર કચેરીએ કમિટી બનાવી તપાસ કરવા આદેશ કર્યો છે ત્યારે કમિટી બનતી નથી અને તપાસ આગળ વધતી નથી. લોકસેવક બન્યા હોઈએ ત્યારે વિકાસ કામમાં અડચણરૂપ વ્યક્તિઓને મળી તેમને મનાવવા અને સમજાવવામાં શરમ અનુભવવી જોઈએ નહી.

Leave a Reply

Top