You are here
Home > News > મોટા દબાણકારો સામે અદબવાળી બેસી જતી વિસનગર પાલિકાનુ લારીઓવાળાનુ દબાણ હટાવવા સુરાતન

મોટા દબાણકારો સામે અદબવાળી બેસી જતી વિસનગર પાલિકાનુ લારીઓવાળાનુ દબાણ હટાવવા સુરાતન

મોટા દબાણકારો સામે અદબવાળી બેસી જતી
વિસનગર પાલિકાનુ લારીઓવાળાનુ દબાણ હટાવવા સુરાતન
(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
વિસનગર પાલિકામાં ગઠબંધનનુ શાસન આવ્યુ ત્યારથી ગરીબ લારીઓવાળા ઉપર અમાનવીય અત્યાચાર થઈ રહ્યો છે. વૈકલ્પીક વ્યવસ્થા નહી કરી આપી વારંવાર દબાણ હટાવવાના નામે લારીઓવાળાનુ દબાણ હટાવી સુરાતન બતાવવામાં આવી રહ્યુ છે. જ્યારે મોટા દબાણકારોના દબાણ હટાવવાની રજુઆત થાય ત્યારે પાલિકા અદબ વાળીને બેસી જાય છે.
સ્વચ્છતા સર્વેક્ષણ અંતર્ગત વિસનગર પાલિકા દ્વારા છેલ્લા વીસેક દિવસથી સ્વચ્છતા અને દબાણો દુર કરવાની ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. તા.૨૮-૧૨ ને શુક્રવારના રોજ સાંજના સમયે અચાનક પાલિકાની દબાણ ટીમ ગૌરવપથ રોડ ઉપર ઉતરી પડી રોજે રોજ ધંધો કરી પરીવારનુ ગુજરાન ચલાવતા ગરીબ લારીઓવાળા ઉપર અત્યાચાર શરૂ કર્યો હતો. આ વખતે તો માલસામાન સાથે લગભગ ૧૨ લારીઓ ટ્રેક્ટરોમાં ભરી ફાયર સ્ટેશનમાં મુકવામાં આવી હતી. ગરીબ વેપારીઓને માલ સામાનનુ ભારે નુકશાન થયુ હતુ. રોડની સાઈડમાં ફૂટપાથ ઉપર લારીઓ ઉભી રાખવાની પાલિકા દ્વારા છુટછાટ આપવામાં આવી છે. ગૌરવપથ રોડ ઉપર જો લારીઓજ ઉભી રાખવી ન હોય તો પાલિકાએ વૈકલ્પીક વ્યવસ્થા કરવી જોઈએ. ત્યારે પાલિકા દ્વારા દર બે ચાર દિવસે દબાણનુ નાટક કરી લારીઓવાળાને હેરાન કરવામાં આવે છે. આ નાના વેપારીઓ પાસે દુકાનો ખરીદવા લાખ્ખો રૂપિયા નથી ત્યારે શીયાળો, ઉનાળો અને ચોમાસામાં ખુલ્લામાં રોડ ઉપર ઉભા રહી વેપાર કરે છે.
વિસનગર પાલિકામાં જ્યારથી કોંગ્રેસ અને વિકાસ મંચની સત્તા આવી છે ત્યારથી દબાણના નામે ફક્ત લારીઓવાળા ઉપરજ સીતમ ગુજારવામાં આવી રહ્યો છે. દુકાનો આગળ ફૂટપાથ ઉપર અને રોડ ઉપર માલસામાન ગોઠવી ચાલવાવાળા અને ટ્રાફીકને અડચણ થાય ત્યાં સુધી દબાણ કરનાર મોટા વેપારીઓ સામે કાર્યવાહી કરવા પાલિકા હિમ્મત કરી શકતી નથી. રોડ ઉપર મંડપ ઉભા કરી વેપાર કરતા લોકોને પાલિકા પંપાળે છે. ન જાણે આ લોકો કોના કેટલા ખીસ્સા ભરતા હશે? માર્કેટોમાં મોટા પ્રમાણમાં દબાણ કરનાર સામે કાર્યવાહી કરવાની જગ્યાએ પાલિકા સત્તાધીશો અદબવાળીને બેસી જાય છે. ફક્ત ને ફક્ત દર વખતે ગરીબ લારીઓવાળાનેજ હેરાન કરવામાં આવે છે.

Leave a Reply

Top