You are here
Home > News > વિસનગર મામલતદારની લાપરવાહીના લીધે ગ્રામ પંચાયતોના કોમ્પ્યુટર ઓપરેટરોને હોબાળા બાદ સ્ટેશનરી ફળવાઈ

વિસનગર મામલતદારની લાપરવાહીના લીધે ગ્રામ પંચાયતોના કોમ્પ્યુટર ઓપરેટરોને હોબાળા બાદ સ્ટેશનરી ફળવાઈ

વિસનગર મામલતદારની લાપરવાહીના લીધે
ગ્રામ પંચાયતોના કોમ્પ્યુટર ઓપરેટરોને હોબાળા બાદ સ્ટેશનરી ફળવાઈ
(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
સરકારે ઓછો વરસાદ ધરાવતા અસરગ્રસ્ત તાલુકાઓમાં વિસનગર તાલુકાનો સમાવેશ કરી તાલુકાના ખેડૂતોને એક હેક્ટર દીઠ રૂા.૬૮૦૦ ની સહાય આપવાની જાહેરાત કરી હતી. ત્યારે ખેડૂતો અછતની સહાય મેળવવા માટે જરૂરી જમીનના ૭-૧૨ ના ઉતારાની નકલ મેળવવા માટે ગ્રામ પંચાયતમાં જતા હતા. જ્યાં વિસનગર મામલતદારની લાપરવાહીના લીધે ગ્રામ પંચાયતોમાં ઉતારાની પુરતા પ્રમાણમાં સ્ટેશનરી નહી મળતા ખેડૂતોને વિસનગર મામલતદાર કચેરીમાં લાંબા થવુ પડ્યુ હતુ અને ખેડૂતોને આર્થિક અને શારિરીક હેરાનગતી વેઠવી પડી હતી. આ બાબતે હોબાળો થતા ગત ગુરુવારે સાંજે રાજકોટથી સ્ટેશનરી આવતા મામલતદાર કચેરી દ્વારા પંચાયતના વી.સી.ઓને બોલાવી ચાર દિવસે ઉતારાની સ્ટેશનરી આપવામાં આવી હતી.
ચાલુ વર્ષે ચોમાસુ સિઝન નિષ્ફળ જતા ખેડૂતો આર્થિક રીતે ભારે મુશ્કેલીમાં મુકાયા છે. ખેડૂતોને સિંચાઈ માટે પુરતા પ્રમાણમાં ધરોઈનું પાણી મળતા ખેડૂતો સરકાર પ્રત્યે ભારે રોષ ઉભો થયો હતો. ત્યારે સરકારે આવનારી લોકસભાની ચુંટણીને ધ્યાને રાખીને ખેડૂતોને રિઝવવા માટે ખેડૂતોને એક હેક્ટર દીઠ રૂા.૬૮૦૦ સહાય આપવાની જાહેરાત કરી હતી. ત્યારે ખેડૂતો અછતની સહાય મેળવવા માટે જરૂરી જમીનના પુરાવામાં ૭-૧૨ અને ૮-અ ના ઉતારાની નકલ મેળવવા માટે સરકારની ઈ-ગ્રામ યોજના હેઠળ ગ્રામ પંચાયતમાં નિમણુંક કરાયેલ વી.સી.(વિલેજ કોમ્પ્યુટર ઓપરેટર) પાસે જતા હતા. પરંતુ વિસનગર મામલતદાર એ.એન. સોલંકીની વહીવટી અણઆવડત કે ઢીલી નિતિના લીધે મોટાભાગની ગ્રામ પંચાયતોના વી.સી. પાસે જમીનના ૭-૧૨ ના ઉતારા કાઢવા માટે સ્ટેશનરી નહતી. જેથી ગામના ખેડૂતો ૭-૧૨ ના ઉતારા લેવા માટે વિસનગર મામલતદાર કચેરીના ઈ-ધરા કેન્દ્રમાં આવતા હતા. આ સમયે ઈ-ધરા કેન્દ્રમાં ઉતારા કાઢવા માટે એકજ કોમ્પ્યુટર ટેબલ હોવાથી ખેડૂતોને ઉતારા મેળવવા માટે લાંબી લાઈનમાં આખો દિવસ ભૂખ્યા-તરસ્યા ઉભા રહેવું પડતુ હતુ. ખેડૂતોને આર્થિક અને શારિરીક રીતે હેરાન-પરેશાન થવુ પડતુ હતુ. જમીનના ઉતારા માટે ખેડૂતોને પડતી મુશ્કેલીઓ જોઈને મામલતદાર કચેરીના વચોટીયા મેદાનમાં આવતા તાલુકા બહાર સ્થાયી થયેલ કેટલાક ખેડૂતો પોતાના ઝડપી ઉતારા કઢાવવા વચોટીયા પાસે જતા હતા. જેમાં વચોટીયા ખેડૂતની મજબુરી પ્રમાણે ૭-૧૨ ના ઉતારાની નકલના મોં માગ્યા રૂપિયા લેતા હોવાનુ ચર્ચાતુ હતુ. જ્યારે બીજી બાજુ ગ્રામ પંચાયતમાં વી.સી. પાસે ૭-૧૨ ના ઉતારાની કોઈ સ્ટેશનરી નહી હોવાથી તેઓ પણ મામલતદાર કચેરીના આંટાફેરા મારતા હતા. “ડુબતો માણસ તરણુ પકડે” તે કહેવતની જેમ પંચાયતના વી.સી.ઓ ભેગા મળીને મામલતદારની જગ્યાએ તેમના ડ્રાયવરને ઉતારાની સ્ટેશનરી માટે વિનંતી કરતા હતા. જોકે મામલતદાર કચેરીના નિષ્ઠાવાન પ્રમાણિક નાયબ મામલતદાર વી.વી.વ્યાસના પ્રયત્નોથી ગત ગુરુવારે મોડી સાંજે રાજકોટથી મામલતદાર કચેરીમાં ઉતારાની સ્ટેશનરી આવી હતી. ત્યારે નાયબ મામલતદાર વ્યાસે તાત્કાલિક પંચાયતોના વી.સી.ઓને બોલાવી ઉતારાની સ્ટેશનરી ફાળવતા ગામડાના ખેડૂતોને હાલપુરતી રાહત થશે.

Leave a Reply

Top