You are here
Home > News > નૂતન હોસ્પિટલની વિનામુલ્યે સારવારથી રૂા.૩ કરોડનો ફાયદો

નૂતન હોસ્પિટલની વિનામુલ્યે સારવારથી રૂા.૩ કરોડનો ફાયદો

નૂતન હોસ્પિટલની વિનામુલ્યે સારવારથી રૂા.૩ કરોડનો ફાયદો

એકજ વર્ષમાં ૫૯૦ જેટલી પ્રસુતિ અને

૧૨૦૦ જેટલા ઓપરેશન કરાયા

(પ્ર. ન્યુ.સ.) વિસનગર,રવિવાર
નૂતન જનરલ હોસ્પિટલના પાયામાંજ લોકહિતનો હેતુ સમાયેલો છે. યુનિવર્સિટી કેમ્પસમાં મેડિકલ કોલેજ અંતર્ગત નૂતન જનરલ હોસ્પિટલ શરૂ થતા તેનો સીધો લાભ તાલુકાની જનતાને મળ્યો છે. હોસ્પિટલમાં સેવા આપતા વિવિધ રોગના નિષ્ણાંત ર્ડાક્ટરોના કારણે તાલુકાની જનતાને ઘર આંગણેજ તબીબી સારવાર મળતા પંથકના લોકોનો સમય અને ખર્ચનો બચાવ થયો છે. હોસ્પિટલ શરૂ થયા બાદ એકજ વર્ષમાં પ્રસુતિના ૫૯૦ અને ૧૨૦૦ જેટલા ઓપરેશન વિનામૂલ્યે કરવામાં આવતા પંથકના લોકોને સીધોજ રૂા.૩ કરોડ જેટલો ફાયદો થયો છે. પૂજ્ય સાંકળચંદ કાકાનુ એક સ્વપ્ન હતું કે, મારા તાલુકાની જનતાને વિનામૂલ્યે અને રાહતદરે ઘરઆંગણે તબીબી સારવાર મળે, પૂજ્ય સાંકળચંદ કાકાનુ આ સ્વપ્ન તેમના પૌત્ર અને યુનિવર્સિટીના પ્રેસીડન્ટ પ્રકાશભાઈ પટેલે ખરા અર્થમાં સાર્થક કરી બતાવ્યુ છે. નૂતન જનરલ હોસ્પિટલ શરૂ થતા ફક્ત એકજ વર્ષમાં આટલો લાભ થયો છે ત્યારે વિચારો કે મેડીકલ કોલેજ શરૂ થશે ત્યારે કેટલો લાભ મળશે.
વિસનગરમાં સાંકળચંદ પટેલ યુનિવર્સિટી કેમ્પસમાં મેડિકલ કોલેજ અંતર્ગત નૂતન જનરલ હોસ્પિટલ ધમધમતી થતાં લાખ્ખો રૂપિયાની સહાયનો સીધો લાભ વિસનગર શહેર તેમજ તાલુકાના દર્દીઓને મળી રહ્યો છે. છેલ્લા એક વર્ષમાં વધુમાં વધુ દર્દીઓ તેનો લાભ લેતા થયા છે. હોસ્પિટલમાં સરકારી યોજનાઓ અંતર્ગત ચીરંજીવી યોજના, બાળ સખી, આયુષ્યમાન ભારત તથા સરકારની રોડ અકસ્માતમાં સહાય જેવી સ્કીમોનો બહોળા પ્રમાણમાં દર્દીઓ લાભ લઈ રહ્યા છે. હોસ્પિટલ શરૂ થયા બાદ ફક્ત એકજ વર્ષની વાત કરીએ તો વર્ષ-૨૦૧૮ માં ૫૯૦ જેટલી પ્રસુતિ તથા ૧૨૦૦ જેટલા ઓપરેશન સફળતાપૂર્વક કરવામાં આવેલ છે. દર મહિને ૭૫ થી ૮૦ જેટલી સગર્ભા મહિલાઓને ઓપરેશન સાથેની પ્રસુતિ વિનામુલ્યે કરવામાં આવી રહી છે. દરરોજ વિનામુલ્યે ૪ થી ૫ દર્દીના ઓપરેશન, ૩૦ થી ૪૦ જેટલી સોનોગ્રાફી, ૮૦ થી ૯૦ એક્સ-રે, ૭૦૦ થી ૮૦૦ લેબોરેટરીના વિવિધ ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. લોકોમાં આરોગ્યની જનજાગૃતિ કેળવવા તથા નૂતન જનરલ હોસ્પિટલની સેવાઓનો લાભ લેતા થાય તે માટે છેલ્લા ત્રણ માસમાં અંદાજીત ૩૦ જેટલા ગામડામાં કેમ્પ કરી ૧૦,૦૦૦ જેટલા દર્દીઓની વિનામૂલ્યે નિદાન તથા સારવાર કરવામાં આવી છે. તાલુકાના બાકીના ગામડામાં કેમ્પ કરવા માટેનું આયોજન પણ કરવામાં આવ્યુ છે.
અત્યારે ખાનગી હોસ્પિટલમાં નોર્મલ પ્રસુતિના કેસમાં સરેરાશ રૂા.૧૫ થી ૨૦ હજાર તથા ઓપરેશન સાથેની પ્રસુતિમાં સરેરાશ રૂા.૪૦ હજારનો ખર્ચ થાય છે. ત્યારે નૂતન જનરલ હોસ્પિટલમાં ૫૯૦ પ્રસુતિ વિનામૂલ્યે કરવામાં આવી છે. ખાનગી સોનોગ્રાફી સેન્ટરમાં રૂા.૫૦૦ થી ૧૦૦૦ માં સોનોગ્રાફી થાય છે ત્યારે નૂતન જનરલ હોસ્પિટલમાં સોનોગ્રાફી ચાર્જ રૂા.૨૦૦ લેવામાં આવે છે. જ્યારે નૂતન હોસ્પિટલમાં દર્દિ દાખલ થયા હોય તો સોનોગ્રાફી ચાર્જ ફક્ત રૂા.૧૦૦ લેવામાં આવે છે. અન્ય ઓપરેશનો વિનામુલ્યે કરવામાં આવે છે. આ ગણતરીઓ કરતા વિસનગર શહેર અને તાલુકાના લોકોને રૂા.૩ કરોડ ઉપરાંતનો સીધો ફાયદો ફક્ત એકજ વર્ષમાં થયો છે.
નૂતન જનરલ હોસ્પિટલ ખાતે મેડીસીન, જનરલ સર્જરી, આંખ, બાળરોગ, ચર્મરોગ, માનસીક રોગ, કાન-નાક-ગળા વિગેરે વિભાગોના નિષ્ણાંત ર્ડાક્ટરો દ્વારા ડાયાબીટીસ, હૃદયરોગ, બી.પી., ડેન્ગ્યુ, મેલેરીયા, સ્વાઈનફ્લુ, ટાઈફોઈડ, પેટના રોગો, સારણ ગાંઠ, ભગંદર, પથરી વિગેરે રોગોનુ નિદાન તેમજ સારવાર આપવામાં આવી રહી છે. વધુમાં હવેથી સુપર સ્પેશ્યાલીસ્ટ ર્ડાક્ટરોની સેવાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે. જેમાં નેફરોલોજીસ્ટ દ્વારા કિડનીને લગતી સારવાર દર ગુરુવારે, યુરોલોજીસ્ટ દ્વારા મૂત્રાશય તથા પેશાબની સારવાર દર મંગળવારે તેમજ ગુરુવારે અને ન્યુરોફીજીશીયન દ્વારા માથાનો દુઃખાવો, ખેચ, વાઈ, લકવો, યાદશક્તિ ઓછી થવી વિગેરે સારવાર દર બુધવારે હોસ્પિટલ ખાતે આપવામાં આવી રહી છે. જેનો લાભ લેવા નાગરિકોને વિનંતી કરવામાં આવી છે.

Leave a Reply

Top