You are here
Home > Prachar News > માઁ અમૃતમ તથા વાત્સલ્ય કાર્ડ માટે લાભાર્થીઓને ધક્કા

માઁ અમૃતમ તથા વાત્સલ્ય કાર્ડ માટે લાભાર્થીઓને ધક્કા

વિસનગરમાં એજન્સીના કર્મચારીની લાપરવાહીના લીધે

માઁ અમૃતમ તથા વાત્સલ્ય કાર્ડ માટે લાભાર્થીઓને ધક્કા

(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
રાજ્ય સરકાર દ્વારા ગરીબ અને મધ્યમવર્ગના જરૂરીયાતમંદ પરિવારોને રાહતદરે કે વિનામુલ્યે તબીબી સારવાર મળી રહે તેવા હેતુથી મુખ્યમંત્રી માઁ અમૃતમ્‌ તથા માઁ વાત્સલ્ય યોજના અમલમાં મુકવામાં આવી છે. આ યોજનાનો તમામ જરૂરીયાતમંદ પરિવારોને લાભ અપાવવા સરકારે ખાનગી એજન્સીને કામગીરી સોંપી છે. પરંતુ એજન્સીના જવાબદાર કર્મચારીની લાપરવાહીના લીધે કેટલાય ગરીબ અને જરૂરીયાતમંદ પરિવારો સરકારની આ આરોગ્યલક્ષી યોજનાનો લાભ લેવાથી વંચિત રહી જાય છે. જેમાં વિસનગર તાલુકા બ્લોક હેલ્થ ઓફીસમાં ફરજ બજાવતા એજન્સીના કર્મચારીની લાપરવાહીના લીધે તાલુકાના કેટલાય લાભાર્થીઓ સરકારની આ યોજનાનો લાભ લેવા માટે કચેરીના ધક્કા ખાઈ રહ્યા છે.
રાજ્ય સરકાર દ્વારા ગરીબ અને જરૂરીયાતમંદ પરિવારોને રાહતદરે કે વિનામુલ્યે તબીબી સહાય મળી રહે તે માટે મુખ્યમંત્રી માઁ અમૃતમ્‌ અને માઁ વાત્સલ્ય યોજના અમલમાં મુકવામાં આવી છે. સરકારની આ આરોગ્યલક્ષી યોજનાનો લાભ લેવા માટે સરકાર દ્વારા મોટી મોટી જાહેરાતો પણ કરવામાં આવે છે. આ યોજનાનો તાલુકાના છેવાડામાં રહેતા તમામ ગરીબ અને જરૂરીયાતમંદ પરિવારોને લાભ આપવા માટે સરકારે આ કામગીરી ખાનગી એજન્સીને સોપી છે. અને સરકારની આ આરોગ્યલક્ષી યોજનાનો લાખ્ખો ગરીબ અને જરૂરીયાતમંદ પરિવારોએ લાભ લીધો છે. પરંતુ એજન્સીના કર્મચારીની લાપરવાહીના લીધે કેટલાય ગરીબ પરિવારો આજે પણ સરકારની આ તબીબી યોજનાનો લાભ લેવાથી વંચિત છે. વિસનગર તાલુકા બ્લોક હેલ્થ ઓફીસમાં ફરજ બજાવતા એજન્સીના કર્મચારીની અનિયમિતતા અને લાપરવાહીના લીધે હાલમાં મુખ્યમંત્રી માઁ અમૃતમ તથા માઁ વાત્સલ્ય કાર્ડ માટે આવતા લાભાર્થીઓ કચેરીના ધક્કા ખાઈ રહ્યા છે. કાર્ડ લેવા માટે આવતા લાભાર્થીઓને એજન્સીના કર્મચારી દ્વારા લાંબી મુદતની તારીખો આપવામાં આવે છે. જેમાં કેટલાક લાભાર્થીઓને તો આજદીન સુધી કાર્ડ પણ મળ્યા નથી. લાભાર્થીઓ કાર્ડ લેવા માટે એજન્સીના કોમ્પ્યુટર ઓપરેટરને પુછપરછ કરે તો તમે તમારૂ કાર્ડ જાતે શોધી લો તેમ કહીને એક પ્લાસ્ટીકના ડબ્બામાં મુકેલા કાર્ડનો જથ્થો બતાવવામાં આવે છે. હાલમાં પ્લાસ્ટીકના ડબ્બામાં ૫૦૦ થી વધુ માઁ અમૃતમ તથા માઁ વાત્સલ્ય કાર્ડ તૈયાર પડ્યા છે. જેમાં કેટલાક કાર્ડ ઉપર લાભાર્થીનો ફોટો પણ દેખાતો નથી. જ્યારે કેટલાક કાર્ડ તૈયાર ન હોવાથી લાભાર્થીઓ તબીબી સારવાર માટેનુ કાર્ડ લેવા માટે કચેરીના ધક્કા ખાય છે. ત્યારે તાલુકા બ્લોક હેલ્થ ઓફીસર શુકલાબેન રાવલ તાલુકાના લાભાર્થીઓને પડતી મુશ્કેલી દુર કરવા આ બેદરકાર અનિયમિત એજન્સીના કર્મચારીને ફરજનું ભાન કરાવે તેવી લાભાર્થીઓની લાગણી છે.

Leave a Reply

Top