You are here
Home > News > કાંસા સ્ટ્રીટ લાઈટના લોકાર્પણમાં ધારાસભ્ય ઋષિભાઈનુ ઢોલ નગારા સાથે સ્વાગત

કાંસા સ્ટ્રીટ લાઈટના લોકાર્પણમાં ધારાસભ્ય ઋષિભાઈનુ ઢોલ નગારા સાથે સ્વાગત

કાંસા સ્ટ્રીટ લાઈટના લોકાર્પણમાં ધારાસભ્ય ઋષિભાઈનુ ઢોલ નગારા સાથે સ્વાગત

ભાજપ સરકારે કાંસા ગામના વિકાસકામો માટે કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવી છે. મોસાળમાં મા પિરસનાર હોય તો લેવામાં કોઈ વાંધો નથી. -જશુભાઈ પટેલ

કાંસા એન.એ.માં એલ.ઈ.ડી.લાઈટના લોકાર્પણમાં “ઋષિકેશભાઈ તુમ આગે બઢો હમ તુમ્હારે સાથ હૈ”ના નારા લાગ્યા

(પ્ર.ન્યુ.સ.) વિસ નગર,રવિવાર
વિસનગર ધારાસભ્ય ઋષિકેશભાઈ પટેલના પ્રયત્નોથી માર્ગ અને મકાન વિભાગ દ્વારા કાંસા ચાર રસ્તાથી કાંસા ગામના બસ સ્ટેન્ડ નં.૨ સુધી રૂા.૩૬ લાખના ખર્ચે ૧૨૮ એલઈડી સ્ટ્રીટલાઈટના થાંભલા નાંખવામાં આવ્યા હતા. જેનુ ધારાસભ્ય ઋષિભાઈ પટેલના હસ્તે ગત ગુરુવારે સમીસાંજે લોકાર્પણ કરી રોડ ઉપર રોશની કરવામાં આવતા ગામમાં સોનાનો સુરજ ઉગ્યો હોય તેમ જશ્નનો માહોલ જોવા મળ્યો હતો. આ પ્રસંગે ગ્રામજનો દ્વારા ઢોલ-નગારા સાથે આતશબાજી કરી ધારાસભ્યશ્રીનુ ભવ્ય સ્વાગત કરાયુ હતુ. લોકાર્પણમાં સરપંચ દ્વારા નાસ્તાનુ આયોજન કરવામાં આવ્યુ હતુ પરંતુ અંદાજ બહાર મોટી સંખ્યામાં લોકો ઉમટતા નાસ્તાની વ્યવસ્થા ખોરવાઈ હતી. ત્યારબાદ કાંસા એન.એ.માં ધારાસભ્યશ્રીના હસ્તે એલઈડી લાઈટનું લોકાર્પણ કરવામાં આવ્યુ હતુ. આ સમયે “ઋષિભાઈ આપ આગે બઢો હમ તુમ્હારે સાથ હૈ”ના નારા લાગ્યા હતા.
વિસનગરના કાંસા ચાર રસ્તાથી કાંસા ગામના બસ સ્ટેન્ડ નં.૨ સુધીના રોડ ઉપર ઘણા વર્ષોથી અંધારપટ છવાયેલો રહેતો હતો. રોડ ઉપર અંધારપટ રહેવાના કારણે રાત્રીના સમયે અવાર-નવાર વાહનોના અકસ્માતના બનાવો તથા મહિલાઓની ચેઈન સ્નેચીંગના બનાવો બનતા હતા. રાત્રીના સમયે આ રોડ ઉપર નિકળવુ પ્રજા માટે જોખમી બની ગયુ હતુ. આ બાબતે કાંસા તથા કાંસા એન.એ.વિસ્તારના સરપંચોએ ધારાસભ્ય ઋષિભાઈ પટેલને રજુઆત કરતા ધારાસભ્યશ્રીએ માત્ર ત્રણ મહિનાના સમયગાળામા કાંસા ચાર રસ્તાથી કાંસા ગામના ઉમિયા માતાના મંદિર તરફના બસ સ્ટેન્ડ સુધી એલઈડી સ્ટ્રીટ લાઈટ નાખવા માટે સરકારમાંથી રૂા.૩૬ લાખ મંજુર કરાવ્યા હતા. ત્યારે વિસનગર માર્ગ અને મકાન વિભાગ તથા વિસનગર વીજ કંપનીના અધિકારીઓ દ્વારા એલઈડી સ્ટ્રીટ લાઈટના ૧૨૮ થાંભલા નાખવાની યુધ્ધના ધોરણે કામગીરી પૂર્ણ કરવામાં આવી હતી. આ એલઈડી લાઈટનુ ધારાસભ્ય ઋષિભાઈ પટેલના હસ્તે ગુરુવારે સમી સાંજે લોકાર્પણ કરી રોડ ઉપર રોશની કરવામાં આવી હતી. આ પ્રસંગે કાંસાના ગ્રામજનો દ્વારા ધારાસભ્ય ઋષિભાઈનું ઢોલ નગારા વગાડી તથા આતશબાજી કરી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યુ હતુ. આ કાર્યક્રમમાં બીઆરસી ભવનના હૉલમાં સભાનુ આયોજન કરાયુ હતુ. જ્યાં ધારાસભ્ય ઋષિભાઈએ જણાવ્યુ હતુ કે ગામના અગ્રણી જશુભાઈ પટેલ ભાજપમાં જે.વી. ના હુલામણા નામથી ઓળખાયછે. જશુભાઈ ભાજપના અદના અને અનુભવી કાર્યકર છે. જેમની પાસેથી ઘણુ શીખવા મળ્યુ છે. ગામના આગેવાન જશુભાઈ તથા કે.સી.પટેલના પ્રયત્નોથી ગામનો ઘણો વિકાસ થયો છે. કાંસા ગામના સરપંચ ભરતભાઈ પટેલ(ગામી) તથા એન.એ. સરપંચ અમિષાબેન પરમારના પ્રયત્નોથી આજે કાંસા ચાર રસ્તાથી કાંસા ગામ સુધી એલઈડી લાઈટના થાંભલા નંખાયા છે. હજુ પણ આપણે ઉંઝા સુધીના ફોરલેન સુધી પહોચવાનુ છે. આ સાથે સરકારની સૌથી મોટી આયુષ્યમાન ભારત આરોગ્યલક્ષી યોજનાનો લાભ લેવા લોકોને અપીલ કરી હતી. વધુમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ લીધેલ જી.એસટી અને નોટબંધીના નિર્ણયને યોગ્ય ગણાવી કોંગ્રેસના નેતાઓને આડેહાથ લેતા જણાવ્યુ હતું કે, ભૂતકાળમાં યુ.પી.એ. સરકારમાં લોકો વિકાસના નામે પોતાના ઘર ભરતા હતા. કેટલાક લોકો ચુંટણી ટાણે રાજકીય દુકાનો ખોલી પોતાની ખીચડી પકવતા હતા. ગત વિધાનસભાની ચુંટણીઓમાં રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં ભાજપ ભલે હારી હોય પણ આગામી લોકસભાની ચુંટણીમાં દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જ બનશે. જ્યારે સરકારના સવર્ણોને ૧૦ ટકા આર્થિક અનામતનો લાભ આપવાના નિર્ણયને આવકારતા જણાવ્યુ હતુ કે, સવર્ણોને અનામતનો લાભ આપવા સરકાર છેલ્લા એક વર્ષથી પ્રયત્નો કરતી હતી આજે લોકસભાની ચુંટણી ટાણેજ નરેન્દ્રભાઈ મોદીએ સવર્ણોને ૧૦ ટકા આર્થિક અનામતનો લાભ આપવાની જાહેરાત કરી કોંગ્રેસના નેતાઓની બોલતી બંધ કરી દીધી છે. વધુમાં તેમને ગુજરાતના નાયબ મુખ્યમંત્રી અને કાંસાના ભાણેજ નિતિનભાઈ પટેલને યાદ કરતા જણાવ્યુ હતું કે નિતિનભાઈ પટેલને કાંસા ગામ પ્રત્યે અતૂટ લાગણી છે. અને ગ્રામજનોને પણ તેમના પ્રત્યે લાગણી છે. ત્યારે નિતિનભાઈ પટેલની જેમ પોતાના ઉપર લાગણી રાખવાની ગ્રામજનોને મીઠી ટકોર કરતા જણાવ્યું હતુ કે, કાંસા ગામે વિધાનસભાની ચુંટણીમાં મને બબ્બે વખત હાર પહેરાવ્યો છે. આ ગામ હાર પણ પહેરાવે અને સમય આવે તો કપડા પણ ઉતારી લે તેવું ગામ છે. જ્યારે ગામના અગ્રણી અને પુર્વ જીલ્લા ભાજપ પ્રમુખ જશુભાઈ પટેલે જણાવ્યું હતુ કે આપણા તાલુકાના જાગૃત ધારાસભ્ય ઋષિકેશભાઈ પટેલ કાંસા ગ્રામ પંચાયતના સરપંચ ભરતભાઈ પટેલ તથા પંચાયતની બોડીના સદસ્યોના પ્રયત્નોથી રોડ ઉપર સ્ટ્રીટ લાઈટો નંખાઈ છે. હાલમાં ગુજરાત અને કેન્દ્રની ભાજપ સરકારમાં ગુજરાતનો દરેક ક્ષેત્રે સર્વાંગી વિકાસ થયો છે. આજે સરકારે ગામના વિકાસના કામો માટે કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવી છે. એટલે મોસાળમાં માં પિરસનાર હોય તો લેવામાં કાંઈ વાંધો નથી. તેમ જણાવી ગામના ૮૪ વિઘાના તળાવને રમણીય નયનરમ્ય બનાવવા, ગામમાં મોટું સ્પોર્ટસ સંકુલ બનાવવા તથા શિરડીનગરથી કાંસા ગામમાં થઈ પાલડી ત્રણ રસ્તા સુધીનો રીંગ રોડ બનાવવા માટે સરકારમાં રજુઆત કરવા માંગણી કરી હતી. આ સાથે જશુભાઈએ ગ્રામજનોને જાગૃત અને સંગઠીત બની ગામનો વિકાસ કરવા અનુરોધ કર્યો હતો. આ કાર્યક્રમ બાદ ધારાસભ્યશ્રીએ ગામની પ્રાથમીક શાળાનં-૧ માં ચાલતી રાત્રી શાળાની મુલાકાત લઈ ધો. ૬ થી ૮ના ગણિત, વિજ્ઞાન, અંગ્રેજીના બાળકોને શિક્ષણને લગતી પ્રશ્નોતરી કરી બાળકોના જવાબોથી પ્રભાવિત થયા હતા. અને જશુભાઈ પટેલ દ્વારા રાત્રી શાળા શરૂ કરવાના નિર્ણયથી પ્રસંશા કરી હતી. આ પ્રસંગે ધારાસભ્ય ઋષિકેશભાઈ પટેલ, પુર્વ જીલ્લા ભાજપ પ્રમુખ જશુભાઈ પટેલ, તાલુકા પંચાયત પ્રમુખ પ્રવિણભાઈ પટેલ એ.પી.એમ.સી.ના ડીરેક્ટર એલ.કે. પટેલ, તાલુકા ભાજપ મહામંત્રી મુકેશભાઈ ચૌધરી, તાલુકા ભાજપ મહામંત્રી મહેશભાઈ પટેલ, પુર્વ તાલુકા ભાજપ પ્રમુખ કે.સી.પટેલ, પુર્વે જીલ્લા પંચાયત સદસ્ય વિણાબેન પટેલ, ઉમતાના પુર્વ સરપંચ અંકિતભાઈ પટેલ, કાંસા સરપંચ ભરતભાઈ પટેલ(ગામી), ઉપસરપંચ દિપકભાઈ પટેલ, કાંસા એન.એ.સરપંચ પતિ રાજેશભાઈ પરમાર, શહેર ભાજપ પ્રમુખ વિજયભાઈ પટેલ, મુકેશભાઈ પટેલ (ઘાઘરેટ), મહિલા મોરચાના શકુન્તલાબેન પટેલ, ઈશ્વરભાઈ રબારી (છોગાળા), પુર્વ કોર્પોરેટર નાગજીભાઈ રબારી, પાલિકાના પુર્વ ચેરમેન જે.કે.ચૌધરી, જનકભાઈ બારોટ, કે.કે. પટેલ(કેન્ટીન), મિનાક્ષીબેન મકવાણા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સફળ એન્કરીંગ ગામના યુવા આગેવાન દિલીપભાઈ જી. પટેલે કર્યું હતું. આ કાર્યક્રમ પુર્ણ થયા બાદ ધારાસભ્ય ઋષિકેશભાઈના હસ્તે કાંસા એન.એ. વિસ્તારની સ્ટ્રીટલાઈટનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જ્યાં એન.એ.પંચાયતના સરપંચ અમિષાબેન પટેલ, કમલેશભાઈ પટેલ (વકીલ), પંચાયતના સભ્ય વિષ્ણુભાઈ પટેલ, સુરેશભાઈ રબારી સહિત પંચાયતના સભ્યો હાજર રહ્યા હતા. સ્ટ્રીટ લાઈટના લોકાર્પણ બાદ સરપંચશ્રીએ ધારાસભ્ય સહિત તમામ આગેવાનો ને મોં મીઠુ કરાવી આનંદ વ્યક્ત કર્યો હતો.

Leave a Reply

Top