You are here
Home > News > પૂર્વ ધારાસભ્ય પ્રહેલાદભાઈ ગોસાના પ્રયત્નથી જુથ અથડામણમાં સમાધાન

પૂર્વ ધારાસભ્ય પ્રહેલાદભાઈ ગોસાના પ્રયત્નથી જુથ અથડામણમાં સમાધાન

લીમડો કાપવાની બાબતે પટેલ અને ઠાકોરો વચ્ચે પથ્થરમારા સાથે ઘર્ષણ થયુ હતુ

પૂર્વ ધારાસભ્ય પ્રહેલાદભાઈ ગોસાના પ્રયત્નથી જુથ અથડામણમાં સમાધાન

સમાધાન માટે ઠાકોર સમાજના આગેવાનોની મહત્વની ભૂમિકા

(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
વિસનગરમાં ઉત્તરાયણના આગળના દિવસે ફતેહ દરવાજા વિસ્તારમાં ખેતરમાં લીમડો કાપવાની બાબતે પટેલો અને ઠાકોરો વચ્ચે ભારે અથડામણ થઈ હતી. બન્ને જુથ વચ્ચે ભારે પથ્થરમારો થયો હતો. જેમાં નવ વ્યક્તિઓને નાની મોટી ઈજાઓ થઈ હતી. કોમવાદના ઝેરના કારણે વિસનગરને ભૂતકાળમાં ઘણુ સહન કર્યુ છે. ત્યારે પૂર્વ ધારાસભ્ય પ્રહેલાદભાઈ ગોસા તથા ઠાકોર સમાજના આગેવાનોના પ્રયત્નથી સમાધાન થતા વિસનગરના લોકોએ હાશકારો અનુભવ્યો હતો.
વિસનગરમાં ઉત્તરાયણના આગળના દિવસે તા.૧૩-૧-૨૦૧૯ ના રોજ બપોરના સમયે અશાન્તીનો માહોલ સર્જાયો હતો. ફતેહ દરવાજા વિસ્તારના કનુભાઈ વિઠ્ઠલભાઈ ઈશ્વરભાઈ પટેલનુ પીંડારીયા તળાવ વિસ્તારમાં ખેતર આવેલુ છે. જે ખેતરમાં આવેલો લીમડો વારંવાર કપાતો હોવાથી ભક્તોના ઠાકોરવાસના એક ઠાકોર ઈસમ ઉપર શક કર્યો હતો. પરંતુ કોઈ પુરાવો નહી હોવાથી ઠપકો આપી શકતા નહોતા. તા.૧૩-૧ ના રોજ એક વ્યક્તિનો ખેતરમાં લીમડો કાપતો ફોટો પાડ્યો હતો. મોબાઈલમાં ફોટો પાડ્યા બાદ ખેડૂત લીમડો કાપનાર ઈસમના ઘરે ઠપકો આપવા ગયા હતા. ત્યારે ઠાકોર યુવાનોએ ખેડૂતને માર માર્યો હતો. પોતાના વિસ્તારના અને સમાજના વ્યક્તિની માર મારતા જોઈ સામેજ મકાનમાં રહેતા માયાબજારમાં સોનપરીવાળા અનીલભાઈ લક્ષ્મણભાઈ પટેલ તથા તેમનો પુત્ર જુબીનકુમાર અનીલભાઈ પટેલ બચાવવા જતા તેની ઉપર પણ હુમલો થતા માથામાં ઈજા થઈ હતી. આ ઝઘડામાં બન્ને જુથ સામ સામે આવી જતા ભારે પથ્થરમારો થયો હતો. જુથ અથડામણને કાબુમાં લેવા એસ.પી. નીલેશ જાજડીયા, ડી.વાય.એસ.પી. એમ.બી.વ્યાસ, પી.આઈ.વી.પી.પટેલ સહીતનો પોલીસ કાફલો બનાવ સ્થળે ખડકાઈ ગયો હતો. પોલીસને બળ પ્રયોગ કરવાની ફરજ પડી હતી.
પથ્થરમારામાં ઈજા થતા અનીલભાઈ પટેલ, જુબીનકુમાર પટેલ, કનુભાઈ પટેલ તથા ઠાકોર સમાજના નેહલબેન ભરતજી ઠાકોર, ભીખાજી મણાજી ઠાકોર, ગોવિંદજી જીવણજી ઠાકોર, બળવંતજી વિષ્ણુજી જુજારજી ઠાકોર, નિતાબેન ઉદાજી ઠાકોર તેમજ મિતુલજી ઉદાજી ઠાકોરને તાત્કાલીક સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવતા સારવાર આપવામાં આવી હતી.
બન્ને જુથના લોકો સિવિલ હોસ્પિટલમાં દોડી આવતા હોસ્પિટલમાં ભારે ટોળા થયા હતા. તળ કડવા પાટીદાર સમાજના પ્રમુખ તેમજ પૂર્વ ધારાસભ્ય પ્રહેલાદભાઈ ગોસા, મહામંત્રી ભરતભાઈ પટેલ એકાઉન્ટન્ટ, પૂર્વ કોર્પોરેટર મુકેશભાઈ પટેલ, કલ્પેશભાઈ પટેલ રૂપકલા વિગેરે આગેવાનો તથા યુવાનો તેમજ ઠાકોર સમાજના પાલિકા વિરોધપક્ષના નેતા અજમલજી ઠાકોર, પાલિકા સભ્ય મધુબેન ઠાકોરના પતિ ભૂપતજી કરશનજી ઠાકોર, મેઠાજી સોનાજી ઠાકોર, અંબાલાલ ભુદરજી ઠાકોર વિગેરે આગેવાનો તથા યુવાનો હોસ્પિટલમાં આવતા સમાધાન માટેની ચર્ચાઓ થઈ હતી. વિસનગર સીટી પોલીસ સ્ટેશનમાં એસ.પી.નીલેશ જાજડીયાની હાજરીમાં પણ બન્ને સમાજના આગેવાનો વચ્ચે સમાધાન માટે મીટીંગ મળી હતી. જે સમાધાનમાં પૂર્વ ધારાસભ્ય પ્રહેલાદભાઈ ગોસાની મહત્વની ભૂમિકા રહેતા સમાધાન થતા મામલો થાળે પડ્યો હતો.

Leave a Reply

Top