You are here
Home > News > વર્કઓર્ડરના ૧૭ માસ બાદ પણ જમાઈપરા કેનાલનુ કામ ખોરંભે

વર્કઓર્ડરના ૧૭ માસ બાદ પણ જમાઈપરા કેનાલનુ કામ ખોરંભે

વિસનગર પાલિકા દ્વારા કોન્ટ્રાક્ટરોની કેટલી આળપંપાળ થાય છે તેનો બોલતો પુરાવો

વર્કઓર્ડરના ૧૭ માસ બાદ પણ જમાઈપરા કેનાલનુ કામ ખોરંભે

(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
વિસનગર પાલિકાના ગઠબંધનના શાસનમાં કરોડોના વિકાસ કામના ટેન્ડર પાડવામાં આવ્યા છે. કોન્ટ્રાક્ટરોને વર્કઓર્ડર આપવામાં આવ્યા છે. પરંતુ પાલિકા પ્રમુખ તથા ચીફ ઓફીસર દ્વારા કોન્ટ્રાક્ટરોને થતી આળપંપાળના કારણે કોન્ટ્રાક્ટર કહ્યામાં રહ્યા નથી. જમાઈપરા કેનાલ બનાવવા માટે ૧૭ માસ અગાઉ વર્કઓર્ડર આપવામાં આવ્યો હતો. ત્યારે કોન્ટ્રાક્ટર દ્વારા હજુ કામ શરૂ કરવામાં આવ્યુ નથી. કોન્ટ્રાક્ટરો એવુ તે શુ બતાવે છેકે માગણી મુજબ તુર્તજ મુદત વધારો કરી આપવામાં આવે છે. પરંતુ કામ નહી કરનાર કોન્ટ્રાક્ટરને નોટીસ આપી બ્લેક લીસ્ટ કરવામાં આવતા નથી. પ્રમુખ અન્ય વિસ્તારમાં વિકાસ કામ કરે છે. ત્યારે તેમના વિસ્તારમાંજ વિકાસ કામ આગળ વધારી શકતા નથી.
વિસનગર પાલિકા પ્રમુખ ગોવિંદભાઈ ગાંધી સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત શહેરની સ્વચ્છતાનુ અભિયાન આરંભ્યુ છે. પરંતુ શહેરની વચ્ચેથી નર્કાગાર સ્થિતિમાં પસાર થતી વરસાદી પાણીની કેનાલ પાકી બનાવવાનુ કામ આગળ વધારી શકતા નથી. ભાજપના શાસનમાં ગોવિંદભાઈ ગાંધીએજ ગંદકી અને મચ્છરોનો ઉપદ્રવ કરતી કેનાલ પાકી બનાવવા લડત ઉપાડી હતી. જ્યારે તેઓ હાલમાં પાલિકાના પ્રમુખ સ્થાને છે. સર્વ સત્તા તેમની પાસે છે. ત્યારે તેમના શાસનમાંજ વર્કઓર્ડર આપવા છતા કેનાલનુ કામ શરૂ કરાવી શકતા નથી. હિરાબજાર કોમર્શીયલ સેન્ટર પાછળથી પટેલવાડી પાછળ સુધીની કેનાલ પાકી બની ગઈ છે. આગળ નાળાથી અંબિકા, આશીષ સોસાયટી નાળા સુધી કેનાલ પાકી બનાવવા માટે બે ભાગમાં ટેન્ડરીંગ કરવામાં આવ્યુ છે. જેમાં ભાથીટીંબા મંદિરથી અંબિકા, આશીષ સોસાયટીના નાળા સુધીની કેનાલનુ કામ સળીયા કૌભાંડના કારણે અટક્યુ છે. જ્યારે નાળાથી જમાઈપરા સુધીની કેનાલ પાકી બનાવવા માટે ક્રિશા કન્સ્ટ્રક્શન મુ.મક્તુપુરને તા.૧૮-૯-૨૦૧૭ ના રોજ વર્કઓર્ડર આપવામાં આવ્યો હતો. આ કોન્ટ્રાક્ટરને રૂા.૨૩૧ લાખના પેકેજના ટેન્ડરના પાંચ વિકાસ કામ કરવાના હતા. જેમાં મહેસાણા રોડ શ્રેય પેટ્રોલપંપ સામે નવિન નાળુ બનાવવાની કામગીરી પુર્ણ કરવામાં આવી છે. સીનેપ્લસથી એસ.કે.કોલેજ તરફ રૂા.૬૦ લાખના ખર્ચે પેવર બ્લોકની કામગીરી પૂર્ણ કરાઈ છે. રામાપીર મંદિરથી દેપલ તળાવ તરફની કેનાલ અધુરી બનાવાઈ છે. જ્યારે દિપરા દરવાજા કમ્પાઉન્ડ પાછળ નવીન કેનાલ તથા જમાઈપરા કેનાલનુ કામ હજુ શરૂ કરાયુ નથી. આ કોન્ટ્રાક્ટર દ્વારા હિરો હોન્ડા શો-રૂમ પાસે નાખવામાં આવેલ વરસાદી પાણીની પાઈપલાઈનના પેમેન્ટનો વિવાદ થતા આ વિવાદના કારણે અન્ય કામો પણ બંધ કરવામાં આવ્યા છે. જોકે પાઈપલાઈનનો વિવાદ ચાલતો હતો તે દરમ્યાનજ પ્રમુખ શકુન્તલાબેન પટેલે તેમના સમયકાળમાં સીનેપ્લસથી એસ.કે.કોલેજ સુધી પેવર બ્લોક નાખવાની કામગીરી પુર્ણ કરાવી હતી. પાલિકા પ્રમુખ પાસે હોશીયારી હોય અને કોન્ટ્રાક્ટરો પાસે કામ કઢાવવાની આવડત હોય તો ગમે તેવા વિવાદમાં કામ કરાવી શકે છે. જે આવડત અને હોશીયારીનો પ્રમુખ ગોવિંદભાઈ ગાંધીમાં અભાવ હોય તેમ જણાય છે. જેના કારણેજ તેમને જે અભિયાન ઉપાડ્યુ હતુ તે કેનાલનુ કામ કોન્ટ્રાક્ટર પાસે કરાવી શકતા નથી. વર્કઓર્ડર આપ્યા બાદ ૧૭ માસ થવા છતા કોન્ટ્રાક્ટરે કેનાલનુ કામ શરૂ નહી કરતા પાલિકા દ્વારા કોન્ટ્રાક્ટરને બ્લેક લીસ્ટ કરવાની પણ કાર્યવાહી કરવામાં આવી નથી. આ વર્કઓર્ડરમાં ૬ માસની મુદત હતી. ત્યારે પાલિકા પ્રમુખ, ચીફ ઓફીસર તથા બાંધકામ ચેરમેન ઉપર શંકા એ ઉપજે છેકે કયા કારણે કોન્ટ્રાક્ટરને છાવરવામાં આવી રહ્યા છે. કોન્ટ્રાક્ટરથી કેમ અંજાઈ ગયા છે. સત્તાધીશો કોઈ લાલચમાં આવ્યા ન હોય તો કોન્ટ્રાક્ટર સામે કડક પગલા ભરી કેનાલનુ કામ તાત્કાલીક શરૂ કરાવશે ખરા?

Leave a Reply

Top