Select Page

મહેસાણા ડીસ્ટ્રીક્ટ બેંકની ભરતીનો વિવાદ ભાજપને દઝાડશે

મહેસાણા ડીસ્ટ્રીક્ટ બેંકની ભરતીનો વિવાદ ભાજપને દઝાડશે

મળતીયાઓની ભરતી કરવા ખાનગી એજન્સી દ્વારા જાહેરાત અપાઈ

મહેસાણા ડીસ્ટ્રીક્ટ સેન્ટ્રલ કો.ઓ.બેંક અત્યારે ભાજપ હસ્તક છે. ત્યારે લાયકાત ધરાવતા બેરોજગાર યુવાનોને તક નહી આપી મળતીયાઓની ભરતી કરવા ખાનગી એજન્સી દ્વારા થયેલી ભરતી પ્રક્રિયાએ ભારે ચકચાર જગાવી છે. વિધાનસભાની ચુંટણી આવી રહી છે તેવા સમયમાં ભરતીમાં થયેલી ગેરરીતીનો વિવાદ ભાજપને દઝાડે તેમ છે. બેંકમાં થયેલી ભરતી રદ કરવા વધુ એક રજુઆત જીલ્લા રજીસ્ટ્રાર સમક્ષ થઈ છે.
વિધાનસભાની ચુંટણીના વર્ષમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી દ્વારા ભાજપના શાસનની નિષ્ફળતાઓ તેમજ ગેરરીતીઓ બહાર લાવવામાં આવી રહી છે. ત્યારે ભાજપ શાસીત મહેસાણા ડીસ્ટ્રીક્ટ બેંકની ભરતીના વિવાદનો ચુંટણીના સમયે મોટો ધડાકો થાય તેમ છે. ભરતી માટે મહેસાણા ડીસ્ટ્રીક્ટ બેંકના હેડીંગ નીચે જાહેરાત આપવાની જગ્યાએ મળતીયાઓને નોકરી લગાવવા ખાનગી એજન્સી દ્વારા જાહેરાત આપવામાં આવી હતી. બેંકમાં વિવિધ પોસ્ટ ઉપર ૧૧૧ ની ભરતી કરવાની હતી. ત્યારે ભાણીયા, ભત્રીજાઓને નોકરીએ લગાવવા બેંક દ્વારા કુલડીમાં ગોળ ભાગતી ભરતી પ્રક્રિયા કરવામાં આવી છે. આ ભરતી પ્રક્રિયા સામે યોગ્યતા ધરાવતા બેરોજગાર યુવાનોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે. ડીસ્ટ્રીક્ટ બેંક ભાજપ હસ્તક છે. ત્યારે ગુજરાતની ભાજપ સરકારના રોજગાર કેન્દ્રને પણ ભરતીની જાણ કરવામાં આવી નથી. ભાજપ શાસીત બેંકની બોડીએ ભાજપ સરકારનાજ રોજગાર કેન્દ્રની ફજેતી કરી છે.
ડીસ્ટ્રીક્ટ બેંકમાં વહિવટદાર શાસનમાં હંગામી કર્મચારીઓની ભરતી કરવામાં આવી હતી. ત્યારે ભાજપ શાસીત બેંકના બોર્ડે હંગામી ધોરણે કામ કરતા કર્મચારીઓને છુટા કરી બેંક દ્વારા ભરતી કરવાની જગ્યાએ ખાનગી એજન્સી દ્વારા ભરતી માટેની ઓનલાઈન અરજીઓ મંગાવી હતી. અરજી કરનાર ઉમેદવારોની તા.૨૦-૩-૨૦૨૨ ના રોજ ઓનલાઈન પરીક્ષા લેવામાં આવી હતી. જોકે એજન્સી દ્વારા ભરતીનુ ફક્ત એક નાટક સીવાય બીજુ કંઈ નથી. ઓનલાઈન પરીક્ષાનુ ઉમેદવારોને પરિણામ આપવામાં આવ્યુ નથી. પરીક્ષા લેનાર કંપની કે બેંકની વેબસાઈટ ઉપર પરીક્ષાનુ રીઝલ્ટ મુકવામાં આવ્યુ નથી. ભરતી પ્રક્રિયા કરનાર કંપનીએ વેબસાઈટ બંધ કરી દીધી છે. જાણવા મળ્યા પ્રમાણે ૧૧૧ ની ભરતીમાં ૧૦૦ આસપાસ કર્મચારીઓની ભરતી કરવામાં આવી છે. ત્યારે બેંક દ્વારા ભરતી કરેલા કર્મચારીઓનુ વિધિવત લીસ્ટ જાહેર કરવામાં આવ્યુ નથી. ભાજપ શાસીત બેંક દ્વારા કાયદેસરની ભરતી કરવાની જગ્યાએ છાને છપને ભરતી કરવામાં આવતા આ મુદ્દે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમીતભાઈ શાહ તથા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સમક્ષ પણ રજુઆત કરવાની કાર્યવાહી ચાલી રહી હોવાનુ જાણવા મળ્યુ છે.
ભાજપના કેટલાક વફાદાર અને સંનિષ્ઠ કાર્યકર આગેવાનો પણ જાણે છેકે ખોટુ થઈ રહ્યુ છે. પરંતુ બેંક ભાજપ શાસીત હોઈ બોલી શકતા નથી. ભાજપના આગેવાનો એ પણ જાણે છેકે વિધાનસભા ચુંટણી વર્ષમાં બેંકની ભરતીનો વિવાદ મોટો વિસ્ફોટ કરે તેમ છે. વિરોધપક્ષ તો તાકીને બેઠો છે. મહેસાણા ડીસ્ટ્રીક્ટ બેંકની ભરતી મુદ્દે અગાઉ મહેસાણા પાલિકાના કોંગ્રેસના કોર્પોરેટર અમીતભાઈ વી.પટેલ દ્વારા જીલ્લા રજીસ્ટ્રારને તપાસ કરવા અરજી કરી હતી. ત્યારબાદ વિસનગર તાલુકાના કંસારાકુઈ ગામના ગોપાળભાઈ ભક્તીદાસ પટેલે તટસ્થ તપાસ કરી ભરતી રદ કરવા જીલ્લા રજીસ્ટ્રાર કચેરીમાં અરજી કરી છે. બેંકની ભરતીનો વિવાદ ધીમેધીમે વધતો જાય છે. ભરતીની તપાસ માટે હાઈકોર્ટમાં પણ પી.આઈ. એલ. થાય તેવી શક્યતા છે.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us