You are here
Home > News > અધિકારીઓ અને પદાધિકારીના દ્વેષભાવમાં વિકાસ નહી કરી શકતા ઉમતા મહિલા સરપંચે આત્મવિલોપન માટે મંજુરી માગી

અધિકારીઓ અને પદાધિકારીના દ્વેષભાવમાં વિકાસ નહી કરી શકતા ઉમતા મહિલા સરપંચે આત્મવિલોપન માટે મંજુરી માગી

અધિકારીઓ અને પદાધિકારીના દ્વેષભાવમાં વિકાસ નહી કરી શકતા
ઉમતા મહિલા સરપંચે આત્મવિલોપન માટે મંજુરી માગી
(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
વિસનગર તાલુકાના ઉમતા ગામમાં થયેલા વિકાસ સામે ગેરરીતીની અરજી થતા વિકાસ કામનુ પેમેન્ટ થઈ શકતુ નથી. ગ્રામ પંચાયતના મહિલા સરપંચ વિકાસ કરી શકતા નથી. ત્યારે મહિલા સરપંચે જીલ્લા વિકાસ અધિકારી, તાલુકા વિકાસ અધિકારી તથા ધારાસભ્ય હેરાન કરતા હોવાનો આક્ષેપ કરી જીલ્લા કલેક્ટર સમક્ષ આત્મવિલોપન કરવા મંજુરી માગતા ચકચાર જાગી છે. મહિલા સરપંચની અરજીથી રાજકીય કિન્નાખોરી અને દ્વેષભાવના કારણે સરપંચોને કેટલુ હેરાન થવુ પડે છે તે બહાર આવ્યુ છે.
વિસનગર તાલુકાના ઉમતા ગ્રામ પંચાયતમાં શર્મિષ્ઠાબેન ભરતભાઈ પટેલ સરપંચ પદે જવાબદારી સંભાળી રહ્યા છે. જેમણે જીલ્લા કલેક્ટરમાં અરજી કરતા જણાવ્યુ છેકે, ઉમતા ગ્રામ પંચાયત દ્વારા સરકારની યોજના અનુસાર વિકાસના કામો કરવામાં આવ્યા છે. ગામના ગાંડાભાઈ ત્રીભોવનદાસ પટેલે ગ્રામ પંચાયત દ્વારા થતા વિકાસ કામમાં ગેરરીતી થતી હોવાની જીલ્લા વિકાસ અધિકારીને અરજી આપી હતી. ત્યારબાદ ધારાસભ્ય ઋષિકેશભાઈ પટેલે વિજિલન્સ કમિશ્નરશ્રી તકેદારી આયોગ ગાંધીનગર ખાતે પત્ર વ્યવહાર કર્યો છે. જેમાં તકેદારી આયોગે ધારાસભ્યશ્રીની રજુઆત અંગે ચકાસણી કરી હકીકતલક્ષી અહેવાલ મોકલી આપવા જીલ્લા વિકાસ અધિકારીને જણાવ્યુ છે. પરંતુ જીલ્લા વિકાસ અધિકારીની કચેરીએથી ગુજરાત તકેદારી આયોગ ગાંધીનગરને અહેવાલ મોકલેલ નથી.
ઉમતા ગ્રામ પંચાયત દ્વારા વિકાસના કામ થયે ૧૦ માસ જેટલો સમય થવા છતા ઉમતા ગ્રામ પંચાયતને વિકાસના કામોના નાણાં મળતા નથી. બીલ મંજુર કરવા તાલુકા વિકાસ અધિકારી અને જીલ્લા વિકાસ અધિકારીને વારંવાર રજુઆત કરવામાં આવી છે. પરંતુ આ અધિકારીઓ ધારાસભ્યશ્રીએ તકેદારીમાં અરજી કરેલ હોવાથી નાણાં નહી ચુકવાય તેવુ જણાવી સંતોષકારક જવાબ આપતા નથી. જેના કારણે ઉમતા ગ્રામ પંચાયતના વિકાસના કામ અટકી ગયા છે. મહિલા સરપંચ હોવાના કારણે તાલુકા વિકાસ અધિકારી, જીલ્લા વિકાસ અધિકારી તથા ધારાસભ્ય હેરાન કરે છે. ઉમતા ગામના ગ્રામજનો મને બીનહરીફ સરપંચ તરીકે ચુંટીને લાવ્યા છે. ત્યારે હુ વિકાસના કામ કરી શકતી નથી. ગ્રામજનોને શુ જવાબ આપવો? તેથી હું સ્વેચ્છાએ આત્મવિલોપન કરવા માગુ છુ તો મને આત્મવિલોપન કરવા માટે મંજુરી આપશો.
રાજકીય કિન્નાખોરીમાં વિકાસ કામ બાબતે અરજીઓ થતા ઉમતાના મહિલા સરપંચ અધિકારીઓની આંટીઘુટીવાળી રમતમાં બરોબરના ફસાયા છે. છેવટે મહિલા સરપંચે કલેક્ટર સમક્ષ આત્મવિલોપનની મંજુરી માગતા તાલુકામાં ભારે ચકચાર જાગી છે.

Leave a Reply

Top