You are here
Home > News > પાલડી રોડ ઉપરના કમકમાટીભર્યા અકસ્માતમાં કારની ટક્કરથી દંપત્તીનુ મૃત્યુ-ત્રણ બાળકો નિરાધાર

પાલડી રોડ ઉપરના કમકમાટીભર્યા અકસ્માતમાં કારની ટક્કરથી દંપત્તીનુ મૃત્યુ-ત્રણ બાળકો નિરાધાર

પાલડી રોડ ઉપરના કમકમાટીભર્યા અકસ્માતમાં
કારની ટક્કરથી દંપત્તીનુ મૃત્યુ-ત્રણ બાળકો નિરાધાર

(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
વાહન ચાલકો વાહન ચલાવતી વખતે થોડી ધીરજ અને તકેદારી રાખે તો કોઈનો હસતો રમતો પરિવાર વિખરાતો બચી શકે છે. નાના બાળકો નિરાધાર થતા અટકી શકે છે. પરંતુ મશીનગત જીંદગીમાં અને પહોચવાની ઉતાવળમાં મોટાભાગના વાહન ચાલકો પુરઝડપે વાહન ચલાવતા અકસ્માતના બનાવો બને છે અને વર્ષે-દાડે લાખ્ખો લોકો અકસ્માતમાં મૃત્યુ પામે છે. વિસનગરમાં પાલડી રોડ ઉપર કારે બાઈકને ટક્કર મારતા બાઈક સવાર દંપત્તીનુ ઘટનાસ્થળે પ્રાણ પંખેરૂ ઉડી ગયુ હતુ. જે અકસ્માતના કારણે ત્રણ બાળકોએ માતા-પિતાની છત્રછાયા ગુમાવતા આ અકસ્માતના કારણે ભારે અરેરાટી ફેલાઈ હતી.
પ્રાપ્ત વિગતો મુજબ કડી તાલુકાના આબલીયારા ગામના વિનોદજી કરશનજી હેમાજી ઠાકોરના લગ્ન વડનગર તાલુકાના સુંઢીયા ગામના આશાબેન ઠાકોર સાથે થયા હતા. સુંઢીયા લોકાચાર પ્રસંગે જવાનુ થતા વિનોદજી ઠાકોર ઉં.વ.૪૨ તથા તેમના પત્ની આશાબેન ઠાકોર ઉં.વ.૩૬ બન્ને જી.જે.૦૨ સી.એસ.૦૨૮૨ નંબરના બાઈક ઉપર સુંઢીયા ગયા હતા. જેઓ પરત ફરતા હતા ત્યારે પાલડી ત્રણ રસ્તાથી પાલડી વચ્ચે સામેથી આવતી જી.જે.૨૭ સી.૮૭૭૫ નંબરની મારૂતી રીટ્‌ઝ કારનાં ચાલકે બાઈકને જોરદાર ટક્કર મારતા બાઈક સવાર દંપત્તી ઉછળીને પટકાયા હતા. જેમાં બાઈકને ભારે નુકશાન થયુ હતુ. કારનો આગળનો કાચ તુટી ગયો હતો. જે જોતા બાઈક સવાર પતિ-પત્ની કારને અથડાઈને પટકાયા હતા. બાઈક સવાર દંપત્તીને માથાના ભાગે ગંભીર ઈજા થતા બન્નેનું સ્થળ ઉપર મૃત્યુ થયુ હતુ. આ અકસ્માતના કારણે રોડ ઉપર ટ્રાફીક જામ થઈ ગયો હતો. પોલીસને જાણ કરવામાં આવતા પી.એસ.આઈ. બી.એન.ભૂંગોર, એ.એસ.આઈ. કૈલાસગીરી ગોસ્વામી વિગેરે તાત્કાલીક ઘટના સ્થળે પહોચી ટ્રાફીક હળવો કર્યો હતો. અકસ્માતમાં દંપત્તીનુ અવસાન થતા ભારે અરેરાટી ફેલાઈ હતી. પોલીસે તાત્કાલીક બન્ને મૃતદેહ વિસનગર સિવિલ હોસ્પિટલમાં લાવી પી.એમ.માટેની કાર્યવાહી કરી હતી. મૃતકના ભાઈ ઠાકોર બાલસંગજી કરશનજીની ફરિયાદ આધારે પોલીસે મારૂતી રીટ્‌ઝ કાર ચાલક વિરુધ્ધ ગુનો દાખલ કર્યો છે. આ અકસ્માતમાં ત્રણ નાના બાળકો અજય ઠાકોર ઉં.વ.૧૫, સગુણા ઠાકોર ઉં.વ.૧૨ તથા ક્રીશ ઠાકોર ઉં.વ.૧૦ એ માતાપિતાની છત્રછાયા ગુમાવી છે.

Leave a Reply

Top