You are here
Home > News > પ્રેમિકાને પામવા પતિ હેવાન બન્યો પતિએ ક્રૂરતાપૂર્વક પત્નીને રહેસી લાશ કુવામાં નાખી

પ્રેમિકાને પામવા પતિ હેવાન બન્યો પતિએ ક્રૂરતાપૂર્વક પત્નીને રહેસી લાશ કુવામાં નાખી

પ્રેમિકાને પામવા પતિ હેવાન બન્યો
પતિએ ક્રૂરતાપૂર્વક પત્નીને રહેસી લાશ કુવામાં નાખી
(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
વિસનગર તાલુકાના ઉમતા ગામમાં પતિ-પત્ની ઓર વોના પ્રણયમાં પતિ હેવાન બની પત્નીને તીક્ષ્ણ હથિયારથી રહેંસી નાખ્યા બાદ, પોતાની કરતુતો છુપાવવા લાશ કુવામાં ફેંકી હત્યાના આ બનાવથી સમગ્ર પંથકમાં ભારે ચકચાર જાગી છે. પતિની હેવાનીયત ઉપર લોકો ફીટકારની લાગણી વ્યક્ત કરી રહ્યા છે. મૃતક યુવતીના ભાઈની ફરિયાદ આધારે પોલીસે હત્યારા પતિ અને તેની પ્રેમિકા વિરુધ્ધ હત્યાનો ગુનો દાખલ કર્યો હતો. જે ફરિયાદ બાદ ગણતરીના કલાકોમાં પોલીસે બન્નેની ધરપકડ કરી જેલને હવાલે કર્યા હતા.
પરણિતાની ક્રૂરતાપૂર્વક થયેલી હત્યાની બનાવની વિગતવાર હકીકત જોઈએ તો, ઉમતા ગામના ખેતી કરતા નિઝામખાન અહેમદખાન મુમતખાન પઠાણની નાની બેન જેનપબેનના લગ્ન પાંચ વર્ષ અગાઉ ઉમતા ગામમાં રહેતા અને રીક્ષા ડ્રાઈવીંગનો વ્યવસાય કરતો ઈદ્રીશખાન મુરાદખાન ચૌહાણ સાથે થયાહતા. લગ્ન બાદ ઈદ્રીશખાન ચૌહાણના ઉમતા ગામની યુવતી શમીમબાનુ નથ્થેખાન અહેમદખાન ચૌહાણની સાથે આડા સબંધો હોઈ આ વ્યક્તિ પ્રેમિકા સાથેજ ફરતો હતો. પ્રેમસબંધના કારણે ઈદ્રીશખાન તેની પત્નીને રાખતો નહોતો. ખોટા બહાના હેઠળ તેને મારઝુડ કરી ઘરમાંથી કાઢી મુકતો હતો. જેનપબેને આ બાબતની જાણ તેના ભાઈ, ભાભી અને ઉમતા રહેતી તેની બહેનોને કરી હતી કે મારા પતિ શમીમબાનુ સાથે આડા સબંધો ધરાવે છે. ત્યારે જેનપબેનની જીંદગી બગડે નહી તે માટે તેને સમજાવી તેના પતિને ઘરે મુકી આવતા હતા.

જેનપબેને તેના ભાઈ-ભાભીને વાત કરી હતી કે, પતિની પ્રેમિકા શમીમબાનુએ ધમકી આપી હતી કે, તુ ઈદ્રીશને છોડી દે નહીતર લાંબા સમયે પરીણામ સારૂ આવશે નહી. પ્રેમિકાને આખો દિવસ રીક્ષામાં લઈને ફરતા અને તેના નજીક આવેલ ગોરધનની ખડકીની બાજુમાં આવેલ વાડામાં આખો દિવસ લઈને બેસી રહેતા ઈદ્રીશખાનને સુધરી જવા ઠપકો આપતા તેણે ઉધ્ધતાઈથી જણાવેલ કે મારે શમીમને રાખવાની છે, જેનપને ક્યારેય રાખીશ નહી. જેનપબેનને તેનો પતિ અને પતિની પ્રેમિકા બન્ને ભેગા થઈ મારઝુડ કરી ઘરેથી કાઢી મુકતા જેનપબેન છેલ્લા છ માસથી તેના ભાઈના ઘરે રહેતી હતી.
તા.૨૩-૧-૨૦૧૯ ના રોજ નિઝામખાન પઠાણ તથા તેમની બહેન જેનપબેન બન્ને સવારે ૯-૦૦ કલાકે ગામની સીમમાં આવેલ ખારા નામથી ઓળખાતા ખેતરમાં ચાલતા ગયા હતા. જ્યાં રસ્તામાં જેનપબેને તેના ભાઈને વાત કરી હતી કે આજે સવારે ૧૦-૦૦ કલાકે ઈદ્રીશખાને બોડકના વહેળામાં મને મળવા બોલાવેલ છે. જેનપબેન તેના પતિને મળવા ગઈ હતી. નિઝામખાન પઠાણ બપોરે ૧૨-૩૦ કલાકે ઘરે આવતા તેમની નાની બેન જેનપબેન ઘરે નહી આવતા તેને શોધવા માટે બોડકના વહેળા તરફ ગયા હતા. જ્યાં જેનપબેન નહી મળતા બોડકના વહેળા તરફથી થોડા આગળ નારણભાઈ ભગુભાઈ પટેલના ખેતરમાં આવેલ અવાવરૂ કુવામાં જોતા કુવામાં એક ટોકર અને દુપટ્ટો પાણીના ઉપરના ભાગે તરતો હતો. ઉમતા ગામમાં આ બાબતે જાણ કરતા ગ્રામજનો મોટી સંખ્યામાં આવી ગયા હતા. ખાટલાને રસ્સી બાંધી ખાટલો કુવામાં ઉતારી તેની ઉપર જેનપબેનને મૃત હાલતમાં બહાર કાઢી હતી. જેનપબેનને કુવામાંથી કાઢીને જોતા તેના કપાળના ભાગે, ગળાના ભાગે, પેટ, બન્ને પડખાના ભાગે તીક્ષ્ણ હથિયારથી ઘા માર્યા હોવાનુ જણાયુ હતુ. જેનપબેનની હત્યા કરી તેની લાશ કુવામાં નાખી દીધી હતી.

– શમીમબાનુએ ધમકી આપી હતી કે ઈદ્રીશને છોડી દે નહીતર લાંબા સમયે પરીણામ સારૂ નહી આવે
– ઈન્ચાર્જ પી.આઈ.વી.પી.પટેલ, પી.એસ.આઈ. એસ.એચ.ભુવા તથા પોલીસ ટીમે બનાવના ગણતરીના કલાકોમાં બન્ને આરોપીઓની ધરપકડ કરી
– પતિ સ્વિકારશે તેવી આશાએ પત્ની મળવા ગઈ અને તીક્ષ્ણ હથિયારથી રહેસી નાખી
– હેવાન બનેલા ઈદ્રીશખાને મૃતક યુવતીના ભાઈને કહ્યુ હતું કે જેનપને મેં મારી નાખી લાશ કુવામાં નાખી દીધી છે, થાય તે કરી લો.

જેનપબેનની લાશ કુવામાંથી કાઢ્યા બાદ નિઝામખાન પઠાણ તથા તેમના મોટાભાઈ બન્ને ઈદ્રીશખાન ચૌહાણ અને શમીમબાનુ ચૌહાણને મળવા ગયા હતા. પ્રથમ ઈદ્રીશખાન પઠાણ મળતા જેનપબેનની લાશ બાબતે પુછતા કહેવા લાગેલ કે મેં જેનપને મારીને કુવામાં નાખી દીધી છે. તમારાથી થાય તે કરી લો. તમે મારૂ કંઈ બગાડી શકવાના નથી. ત્યારબાદ શમીમબાનુને મળતા કહેવા લાગેલ કે ઘરમાં પગ મુક્યો છે તો મજા નહી આવે. આ બાબતે નિઝામખાન અહેમદખાન પઠાણની ફરિયાદ આધારે પોલીસે ઈદ્રીશખાન મુરાદખાન ચૌહાણ તથા શમીમબાનુ નથ્થેખાન અહેમદખાન ચૌહાણ વિરુધ્ધ હત્યાનો ગુનો દાખલ કર્યો હતો. કેસની તપાસ કરનાર તાલુકા પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ પી.આઈ.વી.પી. પટેલ તથા પી.એસ.આઈ. એસ.એચ.ભુવા અને તેમની ટીમે ગુનો નોંધાયા બાદ ગણતરીના કલાકોમાં બન્ને આરોપીઓની ધરપકડ કરી હતી. જે કુવામાંથી લાશ મળી તેના આસપાસ તપાસ કરતા કુવામાંથી લગભગ ૭૦ મીટર દુર એરંડાના ખેતરની વચ્ચેથી જેનપબેનના ચપ્પલ, માથે વાળ બાંધવાનુ અંબોડીયુ લોહીના નિશાન તથા જપાજપીના કારણે ખેતર ખુંદાયેલો ભાગ વિગેરે મળી આવ્યુ હતુ.

Leave a Reply

Top