You are here
Home > News > વાયબ્રન્ટ ગુજરાત સમિટમાં મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીના હસ્તે અંબિકા એલોયઝને પ્રોડક્શન અને પ્રોફીટ ગ્રોથનો એવોર્ડ

વાયબ્રન્ટ ગુજરાત સમિટમાં મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીના હસ્તે અંબિકા એલોયઝને પ્રોડક્શન અને પ્રોફીટ ગ્રોથનો એવોર્ડ

વાયબ્રન્ટ ગુજરાત સમિટમાં મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીના હસ્તે
અંબિકા એલોયઝને પ્રોડક્શન અને પ્રોફીટ ગ્રોથનો એવોર્ડ
(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-૨૦૧૯ માં સમગ્ર ગુજરાતની નાની મોટી હજ્જારો ઈન્ડસ્ટ્રીઝમાંથી ફક્ત ૧૪ ઈન્ડસ્ટ્રીઝને વિવિધ એવોર્ડ આપવામાં આવ્યા હતા. જેમાં વિસનગર માટે ગૌરવની બાબત છેકે વિસનગરની અંબિકા એલોયઝ એન્ડ સ્ટીલ ઈન્ડીયા લી.ને મુખ્યમંત્રી તથા નાયબ મુખ્યમંત્રીના હસ્તે પ્રોડક્શન અને પ્રોફીટ ગ્રોથ કેટેગરીનો એવોર્ડ મળ્યો છે. આવી મંદીમાં પણ અંબિકા એલોયઝમાં ટર્ન ઓવર, પ્રોફીટ તથા ગ્રોથમાં વધારો જોવા મળ્યો છે. જે કંપનીના આવડત અને અનુભવ ધરાવતા ડાયરેક્ટરોની કાબેલીયતનુ પરિણામ છે.
વિસનગરમાં અંબિકા રોલીંગ મીલ અને અંબિકા એલોયઝ એન્ડ સ્ટીલ ઈન્ડીયા લી.નો પાયો આજથી ૨૫ વર્ષ પહેલા નંખાયો હતો. સવાલા ગામમાં પ્રથમ ૧૯૯૪ માં અંબિકા રોલીંગ મીલની શરૂઆત થઈ ત્યારબાદ વર્ષ ૨૦૦૭-૦૮ માં વડનગર રોડ ઉપર અંબિકા એલોયઝની સ્થાપના થઈ. આ કંપનીના ઉદ્યોગપતિઓએ અત્યારે સમગ્ર ગુજરાતમાં વિસનગરનો ડંકો વગાડ્યો છે. વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-૨૦૧૯ માં વિવિધ ક્ષેત્રની ઈન્ડસ્ટ્રીઝોને વિવિધ કેટેગરીમાં એવોર્ડ આપવા માટે સરકાર દ્વારા અરજીઓ મંગાવવામાં આવી હતી. જેમાં વિસનગરની અંબિકા એલોયઝે ગ્રોથ ઈન પ્રોડક્શન એન્ડ પ્રોફીટ કેટેગરીના એવોર્ડ માટે એપ્લીકેશન કરી હતી. વિવિધ કેટેગરીના એવોર્ડ માટે વિસનગરની અન્ય સાત થી આઠ ઈન્ડસ્ટ્રીઝોએ પણ એપ્લીકેશન કરી હતી. જેમાં વાયબ્રન્ટ ગુજરાત સમિટના ત્રણ દિવસના કાર્યક્રમમાં તા.૧૯-૧-૨૦૧૯ ના રોજ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી તથા નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલના હસ્તે વિસનગરની અંબિકા એલોયઝ એન્ડ સ્ટીલ ઈન્ડીયા લી. કંપનીને ગ્રોથ ઈન પ્રોડક્શન એન્ડ પ્રોફીટનો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. અંબિકા એલોયઝના ચેરમેન એન્ડ મેનેજીંગ ડીરેક્ટર અશ્વીનભાઈ ઈશ્વરભાઈ પટેલ, ટેકનીકલ ડીરેક્ટર ભરતભાઈ ઈશ્વરભાઈ પટેલ, એડમીન ડીરેક્ટર હસમુખભાઈ ઈશ્વરભાઈ પટેલ, યશ અશ્વીનભાઈ પટેલ, શાહીલ ભરતભાઈ પટેલ તથા ફાયનાન્સ મેનેજર ચીરાગ નવિનચન્દ્ર શાહ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી વિસનગરને ગૌરવ અપાવતો એવોર્ડ સ્વિકાર્યો હતો.
મહત્વની બાબત તો એ છેકે આ એવોર્ડ એ કોઈ વગના આધારે નહી પરંતુ કંપનીની છેલ્લા ત્રણ વર્ષની કામગીરીને જોઈને આપવામાં આવે છે. એપ્લીકેશનમાં વિવિધ ૩૫ જેટલા એનેક્ષ્ચર(ફોર્મ) ભરવાના હોય છે. જેમાં તમામ ફોર્મમાં જરૂરી ડૉક્યુમેન્ટ સબમીટ કરવાના થાય છે. એકપણ ફોર્મમાં એકપણ ડૉક્યુમેન્ટ ખૂટે તો એપ્લીકેશન રીજેક્ટ થાય છે. અંબિકા એલોયઝ દ્વારા લગભગ ચાર થી પાંચ દિવસમાં ૫૦૦ પેજની ફાઈલ તૈયાર કરી સબમીટ કરવામાં આવી હતી. દરેક દસ્તાવેજ કંપની પાસે હતા. જે બતાવે છેકે કંપનીનુ કામ કેટલુ બારીકાઈથી કાયદાકીય રીતે થાય છે. એપ્લીકેશનમાં કર્મચારીઓને લગતી વેલફેર કામગીરી, સામાજીક કામગીરી, કાયદાકીય નિતિ નિયમોનુ પાલન થાય છેકે નહી. કંપની દ્વારા પર્યાવરણ જાળવણીની કામગીરી થાય છેકે નહી. પ્રોડક્શનમાં ક્વૉલીટી સાથે પર્યાવરણનુ રક્ષણ, નોકરીની કેટલી તક ઉભી કરાય છે, કસ્ટમર સાથેનો કેવો વ્યવહાર છે વિગેરે અનેક બાબતોની ચકાસણી બાદ એવોર્ડ માટે પસંદગી કરવામાં આવે છે. અંબિકા એલોયઝ દ્વારા છેલ્લા ત્રણ વર્ષનો પ્રોફીટ એન્ડ ગ્રોથનો ડેટા આપવામાં આવ્યો હતો. કંપની સાથે સંકળાયેલા ૩૦૦ કસ્ટમરનો ડેટા, વાર્ષિક રૂા.૨૫૦ કરોડનુ ટર્ન ઓવર વિગેરે બાબતોની ચકાસણી બાદ અંબિકા એલોયઝની એવોર્ડ માટે પસંદગી કરવામાં આવી હતી.

Leave a Reply

Top