You are here
Home > News > વિસનગર કોંગ્રેસની મીટીંગમાં ભાજપને મદદગારીને લઈને હોબાળો

વિસનગર કોંગ્રેસની મીટીંગમાં ભાજપને મદદગારીને લઈને હોબાળો

વિસનગર કોંગ્રેસની મીટીંગમાં ભાજપને મદદગારીને લઈને હોબાળો
(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
લોકસભાની ચુંટણીની તૈયારી રૂપે કોંગ્રેસ દ્વારા તાલુકાવાર કાર્યકરોની મીટીંગ શરૂ કરવામાં આવી છે. વિસનગરમાં કોંગ્રેસ સંગઠન મજબુત બનાવવા માટે મળેલી મીટીંગમાં વિવિધ ચુંટણીઓમાં ભાજપને મદદ કરવાની કોંગ્રેસના કાર્યકરોની નિતિરિતિને લઈને આ ચર્ચાથી ભારે હોબાળો થયો હતો. પ્રદેશ કોંગ્રેસ જાણતુ હોવા છતાં પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરતા કાર્યકર-આગેવાનો સામે કોઈ પગલા ભરવામાં નહી આવતા હોવાની ચર્ચા સાથે નારાજગી વ્યક્ત કરવામાં આવી હતી.
લોકસભાની ચુંટણીની તૈયારી રૂપે વિસનગરમાં તા.૨૩-૧-૨૦૧૯ ને બુધવારના રોજ બપોરે પાલડી ત્રણ રસ્તા પાસે આવેલ ફન પોઈન્ટ હોટલના બેન્કવેટ હૉલમાં કોંગ્રેસની મીટીંગ મળી હતી. આ મીટીંગમાં પૂર્વ મંત્રી કિરીટભાઈ પટેલ, જીલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ, જીલ્લા પંચાયત પ્રમુખ શીલાબેન પટેલ, તાલુકા કોંગ્રેસ પ્રમુખ પશાભાઈ પટેલ, શહેર કોંગ્રેસ પ્રમુખ મનુજી ઠાકોર, પાલિકા પ્રમુખ ગોવિંદભાઈ ગાંધી, તાલુકા પંચાયત પ્રમુખ પ્રવિણભાઈ પટેલ, જીલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ રણજીતસિંહ ઠાકોર, પ્રદેશ અગ્રણી સુધીરભાઈ પટેલ, બાબુભાઈ વાસણવાળા, શામળભાઈ રબારી, ગણપતભાઈ પરમાર, માલધારી સેલના જીલ્લા પ્રમુખ શૈલેષભાઈ રબારી, કોંગ્રેસના કાર્યકર બળવંતસિંહ રાઠોડ, કિરણસિંહ ચાવડા, રૂપસંગજી ઠાકોર દેણપ, દર્શનભાઈ પરમાર જોલી, પ્રહેલાદસિંહ રાજપૂત ખદલપુર, સ્ટેન્ડીંગ કમિટિના પૂર્વ ચેરમેન ગોવિંદભાઈ તલાટી, અર્જુનસિંહ ચાવડા(દઢિયાળ) વિગેરે આગેવાનો અને કાર્યકરોએ હાજરી આપી હતી.
આ મીટીંગમાં વિસનગર શહેર અને તાલુકામાં કોંગ્રેસનુ સંગઠન મજબુત બનાવવા ઉપરાંત પેજ પ્રમુખો, પ્રેજ પ્રભારીની નિમણુંકો અને જવાબદારી સોપવાની કામગીરીની ચર્ચા ચાલતી હતી. જેમાં જીલ્લા કોંગ્રેસ પ્રમુખે જણાવ્યુ હતું કે, વિસનગરમાં કોંગ્રેસની પરિસ્થિતિ ખૂબજ ખરાબ છે તે સુધારવા ટકોર કરી હતી. શીલાબેન પટેલે સંગઠન મજબુત બનાવવા તથા લોકસભાની ચુંટણીની રણનિતિ અંગે ચર્ચા કરી હતી. તેમજ કોંગ્રેસની વર્તમાન પરિસ્થિતિ સારી છે તો તેનો લાભ લેવા જણાવ્યુ હતુ. માજી મંત્રી કિરીટભાઈ પટેલે ચુંટણી સમયે જે થાય છે તે થવુ જોઈએ નહી તેમ કહી માર્મીક ટકોર કરી હતી. બાબુભાઈ વાસણવાળાએ ચુંટણી ટાઈમે કેટલાક કાર્યકરો ભાજપના ધારાસભ્યની શેહમાં આવી ટાટીયા ખેચે છે અને એના હિસાબેજ કોંગ્રેસની સ્થિતિ ખરાબ હોવાનુ જણાવી, બહુમતી હોવા છતા તાલુકા પંચાયતની મહત્વની બે કમિટિઓ ગુમાવવી પડી હોવાની ટકોર કરી હતી.
સંગઠનની મીટીંગમાં સંગઠન મજબુત બનાવવા માટેની ચર્ચા તથા સૂચનોના બદલે કોંગ્રેસથી કાર્યકરો અળગા થાય તેવા આક્ષેપોથી નારાજ થયેલા જીલ્લા કોંગ્રેસ માલધારી સેલના પ્રમુખ શૈલેષભાઈ રબારીએ જણાવ્યુ હતુ કે, જે લોકો પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરે છે તેમના વિરુધ્ધ પાર્ટી દ્વારા કેમ પગલા ભરવામાં આવતા નથી? ગત વિધાનસભા અને તાલુકા પંચાયત પ્રમુખની ચુંટણીમાં રૂપિયાની લાલચમાં આવી ભાજપને કોણે મદદ કરી છે તેની તમામને ખબર છે. તાલુકા પંચાયત પ્રમુખ કોંગ્રેસના બને તે માટે અમે મહેનત કરી હતી. બે સભ્યોને કોઈપણની શેહમાં કે લાલચમાં આવ્યા વગર પકડી રાખ્યા હતા. ત્યારે સ્ટેન્ડીંગ કમિટિ અને ન્યાય સમિતિના ચેરમેનની ચુંટણીમાં તાલુકાના જવાબદાર હોદ્દેદારના ઈશારે બે સભ્યો ગેરહાજર રહેતા આ બન્ને સમિતિઓ કોંગ્રેસને ગુમાવવી પડી છે. શૈલેષભાઈ રબારીએ રોષ સાથે મીટીંગમાં બળાપો કાઢ્યો હતો કે, તાલુકા પંચાયત પ્રમુખની ચુંટણીમાં મણાજી ઠાકોરનો મેન્ડેટ આપ્યો હતો ત્યારે મેન્ડેટ કોને બદલ્યો. તાલુકા પંચાયતની ચુંટણીમાં કોંગ્રેસના ડેલીગેટોએ પક્ષપલટો કરી ભાજપને ટેકો આપ્યો. તેમના વિરુધ્ધ શુ કાર્યવાહી થઈ. વિધાનસભાની ચુુંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર મહેશભાઈ પટેલના વિરુધ્ધમાં કોંગ્રેસના જે કાર્યકરો તથા આગેવાનોએ ભાજપના ઉમેદવારને મદદ કરી તેમના વિરુધ્ધ શુ કાર્યવાહી થઈ વિગેરે બાબતે ખુલાસા માગ્યા હતા. કેટલાક આગેવાનો ભાજપના ધારાસભ્ય સાથે બેસતા હોવાના અને મદદ કરતા હોવાના આક્ષેપથી મીટીંગમાં ભારે ગરમાવો થયો હતો. મીટીંગમાં અફડાતફડી થઈ હતી. આ મીટીંગમાં ચુંટણી ટાણે પેરાશુટ લઈને ઉતરતા ઉમેદવાર ન આવે તેવી પણ લાગણી કાર્યકરોએ વ્યક્ત કરી હતી. ત્યારે મીટીંગ બાદ કાર્યકરોમાં ગત વિધાનસભાની ચુંટણીમાં મોટા ગજના એક નેતાએ કોંગ્રેસ અને ભાજપ બન્ને પાસેથી લાખ્ખો રૂપિયા લીધા હોવાનો પણ મુદ્દો ચર્ચાયો હતો.
લોકસભાની ચુંટણી વચ્ચે હજુ બે માસ બાકી છે. ત્યારે કોંગ્રેસની આ મીટીંગમાં જે ઉગ્ર ચર્ચાઓ થઈ અને ઉભરા ઠલવાયા તેનાથી આગામી લોકસભામાં કોંગ્રેસના કાર્યકરો વિરોધપક્ષના ઉમેદવારને મદદ કરવા જતા ખચકાશે તે ચોક્કસ વાત છે.

Leave a Reply

Top