You are here
Home > News > વિસનગર તાલુકાના વહીવટીતંત્રની જાગૃતતાના લીધે સરકારે તાલુકાના ૨૨,૭૫૦ ખેડૂતો માટે રૂા.૨૩.૮૬ કરોડ ફાળવ્યા

વિસનગર તાલુકાના વહીવટીતંત્રની જાગૃતતાના લીધે સરકારે તાલુકાના ૨૨,૭૫૦ ખેડૂતો માટે રૂા.૨૩.૮૬ કરોડ ફાળવ્યા

વિસનગર તાલુકાના વહીવટીતંત્રની જાગૃતતાના લીધે
સરકારે તાલુકાના ૨૨,૭૫૦ ખેડૂતો માટે રૂા.૨૩.૮૬ કરોડ ફાળવ્યા
(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
રાજ્ય સરકારે ચોમાસાની સિઝનમાં ૬૫૦ મી.મી.થી ઓછો વરસાદ ધરાવનાર મહેસાણા જીલ્લાના અસરગ્રસ્ત તાલુકાઓમાં વિસનગર તાલુકાને અસરગ્રસ્ત જાહેર કરી તાલુકાના ખેડૂતોને એક હેક્ઠર જમીન દીઠ રૂા.૬૮૦૦ કૃષિ ઈનપુટની સહાય આપવાની જાહેરાત કરી હતી. જેમાં વિસનગર તાલુકા વિકાસ અધિકારી, મામલતદાર, ખેતીવાડી વિસ્તરણ અધિકારી તથા તાલુકાના તલાટી કમ મંત્રીશ્રીઓની સંયુક્ત મહેનતથી તાલુકાના ૨૨,૭૫૦ ખેડૂતોની ઓનલાઈન ડેટા એન્ટ્રી થતા સરકારે મહેસાણા જીલ્લામાં વિસનગર તાલુકાને સૌથી વધુ રૂા.૨૩.૮૬ કરોડની માતબર રકમ ફાળવી છે. ત્યારે આગામી ટુંક સમયમાં વહીવટી પ્રક્રીયા પુર્ણ થયા બાદ દરેક ખેડૂતોના બેંક ખાતામાં તેમની સહાયની રકમ જમા થશે તેવુ ટીડીઓ વિજયભાઈ ચૌધરીએ જણાવ્યું છે.
સરકારે ગત ચોમાસામાં ઓછો વરસાદ ધરાવનાર તાલુકાઓ પૈકી વિસનગર તાલુકાને અસરગ્રસ્ત જાહેર કરી તાલુકાના તમામ ખેડૂતોને એક હેક્ટર જમીન દીઠ રૂા.૬૮૦૦ કૃષિ ઈનપુટની સહાય આપવાની જાહેરાત કરી હતી. આ સહાય મેળવવા માટે ખેડૂતોને રજુ કરવાના પુરાવામાં જમીનના ૭-૧૨ અને ૮-અ ના ઉતારા મહત્વના હતા. જેના કારણે ખેડૂતોનો ૭-૧૨ ના ઉતારા લેવા માટે મામલતદાર કચેરીના ઈ-ધરા કેન્દ્રમાં ભારે ઘસારો રહેતો હતો. શરૂઆતમાં ઈ-ધરા કેન્દ્રમાં ખેડૂતોને ઉતારા આપવા માટે એકજ કોમ્પ્યુટર ટેબલ હોવાથી ખેડૂતોને લાંબીલાઈનમાં ઉભા રહી હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. આ બાબત મામલતદાર એ.એન. સોલંકીના ધ્યાને આવતા તેમને જમીનના ઉતારા માટે તાત્કાલિક બીજુ ટેબલ ગોઠવતા ખેડૂતોને ઝડપી ઉતારા મળતા હતા. જ્યારે બીજુ બાજુ તાલુકાના કોઈપણ ખેડૂતો સરકારી સહાયથી વંચિત રહી ન જાય તે માટે વિસનગર તાલુકા વિકાસ અધિકારી વિજયભાઈ ચૌધરીએ તાલુકાના તમામ તલાટી કમ મંત્રીઓને પોતાની ગ્રામ પંચાયતમાં નિયમિત હાજર રહી ખેડૂતોની ઈનપુર સહાયના ફોર્મ સ્વિકારવાની કામગીરી ઝડપી કરવા સુચના આપી હતી. ત્યારે તલાટી કમ મંત્રીઓએ એક સમાજ સેવકની જેમ નિઃસ્વાર્થભાવે તાલુકાના ૨૨,૭૫૦ ખેડૂતો પાસેથી પુરાવા સાથેના અરજી ફોર્મ સ્વિકારવાની ઉત્સાહપૂર્વક કામગીરી કરી હતી. ત્યારબાદ ટીડીઓ વિજયભાઈ ચૌધરીએ શહેર-તાલુકાના ૬૫ ગામોમાંથી આવેલ ૨૨,૭૫૦ અરજી ફોર્મની ઓનલાઈન ડેટા એન્ટ્રી કરવા માટે ૧૩ ગ્રામસેવક પાંચ તલાટી કમ મંત્રી અને બે ટીએલઈ મળી કુલ ૨૦ કર્મચારીઓને ડેટા એન્ટ્રીની કામગીરી યુધ્ધના ધોરણે પૂર્ણ કરવા સુચના આપી હતી. ટીડીઓની સુચનાથી અત્યારે ગ્રામસેવકો તથા તલાટી કમ મંત્રીઓ ખેડૂતોના અરજી ફોર્મની ડેટા એન્ટ્રીની કામગીરી ઝડપી પૂર્ણ કરતા હાલમાં આ કામગીરી પૂર્ણતાના આરે છે. વિસનગર તાલુકા વિકાસ અધિકારી વિજયભાઈ ચૌધરી, મામલતદાર એ.એન. સોલંકી, તાલુકાના તલાટી કમ મંત્રી અને ખેતી વિસ્તરણ અધિકારીની નિષ્ઠાપૂર્વકની કામગીરીને કારણે હાલમાં મહેસાણા જીલ્લાના અસરગ્રસ્ત તાલુકાઓમાં વિસનગર તાલુકાના ખેડૂતો માટે સરકારમાંથી સૌથી વધુ ૨૩ કરોડ ૮૬ લાખની માતબર રકમ ફળવાઈ છે. અને આ રકમ વહીવટી પ્રક્રિયા પુર્ણ થયા બાદ દરેક ખેડૂતોના બેંક ખાતામાં સીધી જમા થશે તેવુ ટીડીઓ વિજયભાઈ ચૌધરી દ્વારા જણાવાયુ છે. આમ વિસનગર તાલુકાના ખેડૂતોને અછતની સહાય ઝડપી અને વધુ અપાવવામાં તાલુકાના વહીવટીતંત્રનુ મહત્વનુ યોગદાન છે. જે ખરેખર બિરદાવવા લાયક, અભિનંદનને પાત્ર છે.

Leave a Reply

Top