You are here
Home > News > વિસનગર તાલુકા પંચાયત સામેના માર્કેટમાં કરિયાણાના વેપારીનું દબાણ દુર કરવા પાલિકાના ઠાગા ઠૈયા

વિસનગર તાલુકા પંચાયત સામેના માર્કેટમાં કરિયાણાના વેપારીનું દબાણ દુર કરવા પાલિકાના ઠાગા ઠૈયા

વિસનગર તાલુકા પંચાયત સામેના માર્કેટમાં
કરિયાણાના વેપારીનું દબાણ દુર કરવા પાલિકાના ઠાગા ઠૈયા
(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
વિસનગર તાલુકા પંચાયત સામે આવેલ માર્કેટમાં કરીયાણાના એક વેપારીએ પોતાના આર્થિક ફાયદા માટે દુકાન આગળ આશરે પાંચ ફુટ ઓટલો બનાવી ગેરકાયદેસર દબાણ કર્યુ હોવાની બાજુની દુકાનના વેપારીએ પાંચ મહિના પહેલા વિસનગર નગરપાલિકામાં લેખિત રજુઆત કરી દબાણ દુર કરવાની માંગણી કરી હતી. જેમા પાલિકા દ્વારા દબાણ દુર કરવાની કામગીરી કરવાને બદલે અરજદારને કાંઈપણ બહાને ફેરવી રહી છે ત્યારે પાલિકાની દબાણ હટાવવાની કામગીરી સામે લોકોમાં શંકાકુશંકા ઉભી થઈ છે.
વિસનગર શહેરના દરેક વિસ્તારોમાં નાના-મોટા દબાણો થયા છે. જેમા કેટલાંક નડતરરૂપ દબાણો દુર કરવા માટે અરજદારો દ્વારા પાલિકામાં લેખિત રજુઆત કરવામા આવે છે. જયારે પાલિકાના સત્તાધિશો મહિનામાં એકાદ-બે વાર શહેરના સ્ટેશન રોડ ઉપર ઉભા રહેતી લારીઓ તથા પાથરણાવાળા ઉપર દેખાવ પુરતી દબાણની કામગીરી કરી મોટા દબાણકર્તાઓને છાવરવાનો પ્રયત્ન કરતા હોવાનું લોકોમાં ચર્ચાય છે. વિસનગરમાં સ્ટેશન રોડ ઉપર તાલુકા પંચાયત સામે આવેલ માર્કેટમાં ગોકુલ પ્રોવિઝન સ્ટોર્સના વેપારીએ પોતાના ધંધાનો વિકાસ કરવા માટે દુકાન આગળ પાંચ ફુટનો મોટો ઓટલો બનાવી ગેરકાયદેસર બાંધકામ કર્યુ છે. આ વેપારીએ પોતાની દુકાન આગળ દબાણ કરતા બાજુમાં અડીને આવેલ. શિવમ ફેશન નામની રેડીમેડ દુકાનમાં આવતા-જતા ગ્રાહકોને અડચણરૂપ થાય છે. કેટલીક વખત રેડીમેડની દુકાને આવતા ગ્રાહકો દુકાન પાસે પડી જવાના બનાવો બને છે. આ આખા માર્કેટમાં એક જ કરિયાણાના આ વેપારીએ ફુટપાથ ઉપર ચાલવાની જગ્યાએ મોટો ઓટલો બનાવી ગેરકાયદેસર દબાણ કર્યુ છે. આ બાબતે બાજુમાં અડીને આવેલ શિવમ ફેશન નામની રેડીમેડ દુકાનના વેપારી પટેલ જગજીવનભાઈ ચેલદાસે ગત તા. ૬-૭-ર૦૧૮ ના રોજ વિસનગર પાલિકામાં લેખિત રજુઆત કરી કરિયાણાના વેપારીનુ ગેરકાયદેસર દબાણ દુર કરવાની માંગણી કરી હતી. ત્યારે મૌખિક રજુઆતોમાં લારીઓ અને પાથરણાવાળાના દબાણો દુર કરતા પાલિકાના સત્તાધિશો ગૌરવપથ રોડ ઉપર એક પાંચ ફુટ ઓટલાનું પાકુ દબાણ દુર કરવા અરજદારને ફુટબોલની જેમ ફેરવી રહ્યા છે. જો પાલિકાતંત્ર આ કરીયાણાના વેપારીનુ ગેરકાયદેસર દબાણ દુર નહી કરે તો આગામી સમયમાં આ અરજદાર વેપારી પોતાનો ન્યાય મેળવવા ઉચ્ચ કક્ષાએ રજુઆત કરશે તેવુ વેપારીએ જણાવ્યુ છે.

Leave a Reply

Top