You are here
Home > News > હરિહર સેવા મંડળ તથા આર.કે.પાર્ટીપ્લોટમાંથી રૂા.૭ થી ૮ લાખની મત્તા ચોરાઈ વિસનગરમાં લગ્નપ્રસંગમાં દાગીના ભરેલુ પર્સ તફડાવતી ગેંગ સક્રીય

હરિહર સેવા મંડળ તથા આર.કે.પાર્ટીપ્લોટમાંથી રૂા.૭ થી ૮ લાખની મત્તા ચોરાઈ વિસનગરમાં લગ્નપ્રસંગમાં દાગીના ભરેલુ પર્સ તફડાવતી ગેંગ સક્રીય

હરિહર સેવા મંડળ તથા આર.કે.પાર્ટીપ્લોટમાંથી રૂા.૭ થી ૮ લાખની મત્તા ચોરાઈ
વિસનગરમાં લગ્નપ્રસંગમાં દાગીના ભરેલુ પર્સ તફડાવતી ગેંગ સક્રીય
(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
પાર્ટી પ્લોટ કે વાડીમાં દિકરા કે દિકરીના લગ્ન પ્રસંગે તેમના માતા-પિતા પાસે દાગીના-રોકડ જેવો કિંમતી સામાન જરૂર હોય છે. લગ્નની ખુશાલીમાં, ઉત્સાહમાં આવો કિંમતી સામાન ભરેલ પર્સ તરફે ધ્યાન ઓછુ રહેતુ હોય છે. જેનો ગેરલાભ ઉઠાવી પર્સ તફડાવતી ગેંગ અત્યારે વિસનગરમાં સક્રીય બની છે. હરિહર સેવામંડળ અને આર.કે.પાર્ટીપ્લોટમાં લગ્ન પ્રસંગે પર્સ ચોરીના બે બનાવ બનતા રૂા.૭ થી ૮ લાખની મત્તા ચોરાયાનો બનાવ બન્યો છે. લગ્ન પ્રસંગે ચોરીના આ બનાવ બનતા પોલીસ પણ સક્રીય બની છે. આવી પર્સ તફડાવતી ગેંગનો કોઈ ભોગ ન બને તે માટે પાર્ટીપ્લોટના સંચાલકોને પણ તકેદારી રાખવા પોલીસ દ્વારા સુચન કરવામાં આવ્યુ છે.
વિસનગરમાં પાર્ટીપ્લોટ કે વાડીમાં સંતાનોના લગ્ન કરાવતા મા-બાપે અત્યારે ખાસ સચેત રહેવાની જરૂરી છે. લગ્નપ્રસંગે મહેમાન બનીને આવતી ચોર ટોળકી સક્રીય બની છે. શહેરના બે લગ્નપ્રસંગમાં દાગીના અને રોકડ ભરેલ પર્સ ચોરાવાનો બનાવ બન્યો છે. વિસનગરમાં કડા રોડ ઉપર આવેલ ઉમિયા રેસીડન્સીમાં રહેતા મીતાબેન કિશોરભાઈ માધવલાલ સોનીની દિકરી ખુશીના હરિહર સેવામંડળમાં લગ્ન હતા. દિકરીના લગ્ન હોઈ મીતાબેન સોની તથા પૂજાબેન નીલમભાઈ સોની બન્ને મંડપમાં ચૉરીની પાસે બેઠા હતા. મીતાબેન સોનીના પર્સમાં રૂા.૪૦,૦૦૦ ની કિંમતનો આઈફોન, સોનાની નથણી, સોનાનુ પેંડલ, ચાંદીની ગાય, ચાંદીનો તુલસી ક્યારો વિગેરે વિગેરે લગ્ન પ્રસંગે દિકરીને આવેલી ભેટ તથા રૂા.૧૭,૦૦૦ રોકડા મુક્યા હતા. તે સમયે કાળા કલરનું જેકેટ પહેરેલ એક ૨૫ વર્ષની ઉંમરનો યુવાન આવી મીતાબેન સોનીની નજર ચુકવી પર્સ તફડાવી દોડ્યો હતો. મીતાબેન સોનીએ બુમાબુમ કરતા ચોર યુવાન પર્સ લઈને નાસી ગયો હતો. જે બાબતે મીતાબેન સોનીએ પોલીસ ફરિયાદ કરી છે.
આ બનાવની બે દિવસ બાદ વિસનગરમાં મહેસાણા રોડ ઉપર આવેલ ગુરૂનાનક સોસાયટીમાં રહેતા અને ગંજબજારમાં ફ્રૂટનો વ્યવસાય કરતા વાસુદેવભાઈ દયારામ બચાણીના પુત્ર મનીષકુમાર બચાણીના આર.કે.પાર્ટીપ્લોટમાં લગ્ન હતા. જેના કન્યા પક્ષના લોકો અજમેરથી વિસનગર આવ્યા હતા. કન્યાની માતાના પર્સમાં સોનાની ત્રણ થી ચાર વીંટીઓ, ગીફ્ટમાં આવેલ સોનાના પાંચ લોકેટ, દોઢ તોલાનો દોરો, છ તોલાની ચાર બંગડીઓ વિગેરે સોનાના દાગીના તથા દોઢ થી બે લાખની રોકડ પર્સમાં મુકી હતી. પાર્ટી પ્લોટમાં એન્ટ્રી થતાજ મુકેલા બેઠક માટેના સોફાવાળા ટેન્ટમાં કન્યાની માતા પર્સ લઈને બેઠા હતા. પાર્ટી પ્લોટમાં વર અને કન્યાની એન્ટ્રી થતાજ શો માટે મુકવામાં આવેલા ફુવારા શરૂ થતા સોફા ઉપર પર્સ મુકી કન્યાની માતા આ એન્ટ્રી જોવા ઉભા થયા ત્યારે પાછળથી ટેન્ટનુ કાપડ ફાડી કોઈ ચોર ઈસમ રૂા.૬ થી ૭ લાખના દાગીના અને રોકડ ભરેલ પર્સ ઉઠાવી ગયો હતો. આ પ્રસંગમાં સિન્ધી સમાજના ગુરૂ મહારાજ ગીફ્ટ આપવા લાવેલા સોનાનો દોરો તથા અન્ય એક વ્યક્તિના ખીસ્સામાંથી રોકડ ભરેલ પર્સની પણ ચોરી થઈ હતી. જે બાબતની ફરિયાદ હજુ સુધી પોલીસ સ્ટેશને નોંધાઈ નથી.
પાર્ટીપ્લોટ અને વાડીઓમાં યોજાતા લગ્નપ્રસંગે અત્યારે ચોર ટોળકીઓ દાગીના ભરેલ પર્સ તફડાવવા સક્રીય બની છે. આ ટોળકી લગ્નપ્રસંગમાં એક કલાક ફરી કોની પાસે કિંમતી સામાન છે તે અંગે પ્રથમ રેકી કરતા હોવાનુ અનુમાન છે. લગ્નપ્રસંગોમાં વર અને કન્યા બન્ને પક્ષના લોકો હોય છે. દિકરા અને દિકરીના નજીકના સબંધીઓ સીવાયના મોટાભાગના લોકોને બન્ને પક્ષના લોકો એકબીજાને ઓળખતા હોતા નથી. જેનો ગેરલાભ ઉઠાવી નવા નક્કોર કપડા પહેરી ચોર ટોળકી બીન્દાસ્ત બધાની વચ્ચે ફરે છે અને ચોરી કરે છે. ત્યારે લગ્ન પ્રસંગોમાં કિંમતી સામાન ભરેલ પર્સ કે બેગ અત્યારે જવાબદાર વ્યક્તિ સાચવીને રાખે તે ખુબજ જરૂરી બન્યુ છે.
વિસનગરના પાર્ટીપ્લોટમાં બે દિવસના અંતરે બે બનાવ બનતાં પોલીસ પણ સક્રીય બની છે. સીટી પોલીસ સ્ટેશનના પી.આઈ. વી.પી.પટેલની સુચનાથી શહેરના તમામ પાર્ટીપ્લોટના સંચાલકોને પાર્ટીપ્લોટમાં ફરજીયાત સીસીટીવી રાખવા, લગ્નપ્રસંગે દર અડધા કલાકે ચોર ટોળકીથી કિંમતી સામાન બચાવવા, સાવચેત રહેવા માટે માઈકમાં સુચના આપવા જરૂરીયાત પ્રમાણે સીક્યુરીટી મેન રાખવા સુચનો કરવામાં આવ્યા છે.

Leave a Reply

Top