You are here
Home > News > લોકસભાની ચુંટણી માથે આવી રહી છે ત્યારે વિસનગર કોંગ્રેસની મીટીંગમાં ઝપાઝપીથી જુથવાદ વકર્યો

લોકસભાની ચુંટણી માથે આવી રહી છે ત્યારે વિસનગર કોંગ્રેસની મીટીંગમાં ઝપાઝપીથી જુથવાદ વકર્યો

લોકસભાની ચુંટણી માથે આવી રહી છે ત્યારે
વિસનગર કોંગ્રેસની મીટીંગમાં ઝપાઝપીથી જુથવાદ વકર્યો
(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
વિસનગર તાલુકા પંચાયત સંકુલના આરામગૃહમાં યોજાયેલ કાેંગ્રેસ સંગઠનની મીટીંગમાં તાલુકામાં કોંગ્રેસની નબળી પરિસ્થિતિના મુદ્દે તાલુકા કોંગ્રેસ પ્રમુખ પશાભાઈ પટેલ અને જીલ્લા કોંગ્રેસ માલધારી સેલના પ્રમુખ શૈલેષભાઈ રબારીએ એકબીજા ઉપર આક્ષેપ કરી ઝપાઝપી કરતા આ મામલે તાલુકાનુ રાજકારણ ગરમાયુ છે અને તાલુકા કોંગ્રેસ સંગઠનનો આંતિરક જુથવાદ સપાટી ઉપર દેખાયો છે ત્યારે લોકસભાની ચુંટણી પહેલા આ જુથવાદને ડામવા માટે કોંગ્રેસના પ્રદેશના નેતાઓ શું પગલા ભરે છે તે જાણવા કાર્યકરોની મીટ મંડાયેલી છે.
છેલ્લા ઘણા સમયથી ગુજરાતમાં કોગ્રેસને ‘એક સાંધે ને તેર તુટે’ જેવી સંગઠનની કફોડી હાલત થઈ છે. ગુજરાતમા કોંગ્રેસમાંથી જીતેલા ધારાસભ્યો અને કાર્યકરો પક્ષપલટો કરી પોતાની નારાજગી વ્યક્ત કરી રહ્યા છે. ત્યારે કોંગ્રેસના પ્રદેશ કક્ષાના નેતાઓ લોકસભાની ચુંટણીમાં કોંગ્રેસને ભાજપ કરતા વધુ બેઠકો મળવાનો દાવો કરી રહ્યા છે અને લોકસભાની ચુંટણી પહેલા કોંગ્રેસ સંગઠનને મજબુત બનાવવા કમરકસી રહ્યા છે. કોંગ્રેસના આગેવાનો દ્વારા કાર્યકરોનો ઉત્સાહ વધારવા ઠેર ઠેર મીટીગો યોજાઈ રહી છે. જેમા વિસનગર તાલુકા પંચાયતના પટાંગણમા આવેલ આરામગૃહમાં ગત મંગળવારે બપોરે કોંગ્રેસના તાલુકા અને જીલ્લાના હોદ્દેદારોની મીટીંગ મળી હતી. આ મીટીંગમાં તાલુકા કોંગ્રેસ પ્રમુખ પશાભાઈ પટેલ, તાલુકા પંચાયત પ્રમુખ પ્રવિણભાઈ પટેલ, જીલ્લા પંચાયતના પુર્વ પ્રમુખ રણજીતસિંહ ઠાકોર, જીલ્લા કોંગ્રેસ માલધારી સેલના પ્રમુખ શૈલેષભાઈ રબારી, કોંગ્રેસ અગ્રણી ચુનાજી ઠાકોર સહિત તાલુકા અને જીલ્લા કોંગ્રેસ સંગઠનના ૩૦ જેટલા હોદ્દેદારો હાજર રહ્યા હતા. આ મીટીંગમાં પ્રદેશના હોદ્દેદાર તરીકેની જવાબદારી સંભાળનાર રણજીતસિંહ ઠાકોરે વિસનગર તાલુકામાં કોંગ્રેસની મૃતપ્રાય પરિસ્થિતિ પાછળ તાલુકા કોંગ્રેસ પ્રમુખ પશાભાઈ પટેલને જવાબદાર ઠેરવતા બન્ને હોદ્દેદારો વચ્ચે સામાન્ય બોલાચાલી થઈ હતી. આ દરમિયાન જીલ્લા માલધારી સેલના પ્રમુખ શૈલેષભાઈ રબારીએ રણજીતસિંહ ઠાકોરના સમર્થનમાં આવી તાલુકા કોંગ્રેસ પ્રમુખને કોંગ્રેસ સંગઠનની કફોડી સ્થિતિ બાબતે જવાબદાર ગણતા બન્ને વચ્ચે સામસામે આક્ષેપો થતા ઝપાઝપી થઈ હતી. જયાં કોંગ્રેસના બીજા હોદ્દેદારો વચ્ચે પડતા મામલો શાંત પડયો હતો અને પોલીસ કાર્યવાહી થતા અટકી હતી. આ અંગેની પ્રચારને જાણ થતા તાલુકા કોંગ્રેસ પશાભાઈ પટેલના સંપર્ક કરી વાતચીત કરતા તેમને જણાવ્યુ હતુ કે આગઉ શૈલેષ રબારીએ તેમના જ સમાજના એક આગેવાન ભાજપ સાથે સંકળાયેલા હોવાનો આક્ષેપ કરતુ પ્રચાર સાપ્તાહિકમાં નિવેદન આપવા મને આગ્રહ કરતા મે તેમની વાતમાની નહતી. ત્યારબાદ શૈલેષ રબારી ઉપર એક પોલીસ કેસ થતા તેમને મારા લેટરપેડનો ઉપયોગ કરી અંગત કામ માટે આવેદન આપવાની વાત કરતા મે ઈન્કાર કર્યો હતો. ત્યારથી શૈલેષને મારા પ્રત્યે મન દુઃખ થયુ હતુ. અને ત્યારથી તે મારો વિરોધ કરી રહ્યો હતો. જ્યારે જીલ્લા કોંગ્રેસ માલધારી સેલના શૈલેષભાઈ રબારીનો સંપર્ક કરતા તેમને જણાવ્યુ હતું કે, અત્યારે તાલુકા કોંગ્રેસ પ્રમુખપદ માટે દાવેદાર છું. જેથી મેં પ્રમુખપદ માટે પ્રદેશ કોંગ્રેસમાં રજુઆત કરતા પશાભાઈ પટેલ મારી ઉપર કિન્નાખોરી રાખી રહ્યા છે. અને અગાઉ શહેરના પાલડી ત્રણ રસ્તા પાસે આવેલ ફન પોઈન્ટ હોટલના હૉલમાં મળેલ કોંગ્રેસની મીટીંગમાં પશાભાઈએ રબારી અને ઠાકોર સમાજના કેટલાક વ્યક્તિઓ ભાજપમાં ફરતા હોવાની ખોટા આક્ષેપો કર્યા હતા. જ્યારે આ મીટીંગમાં પશાભાઈએ એવુ કહ્યુ હતું કે, રબારી અને ઠાકોર કોંગ્રેસમાં હોદ્દેદાર બનશે તો પાર્ટી ક્યાંથી ચાલશે. આવુ તેમને ન શોભે તેવુ વર્તન કરતા અમારા વચ્ચે બોલાચાલી થતા પશાભાઈએ ગાળાગાળી કરી ઝપાઝપી કરી હતી. આમ કોંગ્રેસની આ મીટીંગમાં કોંગ્રેસ સંગઠનનો આંતરિક જૂથવાદ સપાટી ઉપર દેખાતા આવનારી લોકસભાની ચુંટણીમાં કોંગ્રેસને મોટુ નુકશાન થાય તેવી શક્યતા સેવાઈ રહી છે. ત્યારે પ્રદેશ કક્ષાના નેતાઓ તાલુકા કોંગ્રેસનો આંતરિક જૂથવાદ ડામવા કઈ અસરકારક ઔષધિ લાવે છે તેની કાર્યકરો રાહ જોઈને બેઠા છે.

Leave a Reply

Top