You are here
Home > News > વિસનગર પાલિકા દ્વારા ગેરકાયદેસર ધમધમતા બાંધકામ અટકાવવામાં આવતા નથી ત્યારે હેરીટેજ માર્કેટના પાર્કિંગનુ દબાણ હટાવવાની કાર્યવાહી પાછળનુ રહસ્ય શુ?

વિસનગર પાલિકા દ્વારા ગેરકાયદેસર ધમધમતા બાંધકામ અટકાવવામાં આવતા નથી ત્યારે હેરીટેજ માર્કેટના પાર્કિંગનુ દબાણ હટાવવાની કાર્યવાહી પાછળનુ રહસ્ય શુ?

વિસનગર પાલિકા દ્વારા ગેરકાયદેસર ધમધમતા બાંધકામ અટકાવવામાં આવતા નથી ત્યારે
હેરીટેજ માર્કેટના પાર્કિંગનુ દબાણ હટાવવાની કાર્યવાહી પાછળનુ રહસ્ય શુ?
(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
વિસનગર પાલિકાની દબાણ ટીમ દ્વારા કડા રોડ ઉપરના હેરીટેજ માર્કેટના પાર્કિંગનુ દબાણ તોડવાની અચાનક કાર્યવાહી થતા ભારે ચકચાર જાગી હતી. પાલિકા પ્રમુખ તાત્કાલીક સ્થળ ઉપર પહોચી દબાણ ટીમનો ઉધડો લેતા દબાણ તોડવાની કાર્યવાહી અટકી હતી. વિસનગરમાં અત્યારે ગેરકાયદેસર બાંધકામો ધમધમી રહ્યા છે ત્યારે આ માર્કેટના પાર્કિંગનુ દબાણ તોડવાની કાર્યવાહી થઈ તેની પાછળનુ રહસ્ય શુ તે અત્યારે ચર્ચાનો વિષય બન્યો છે.
વિસનગર પાલિકા ચીફ ઓફીસર સંજયભાઈ પટેલની સુચનાથી બુધવારના દિવસે પાલિકાની દબાણ ટીમ કડા રોડ ઉપર આવેલ હેરીટેજ માર્કેટના પાર્કિંગ ઉપર થયેલ દબાણ તોડવા પહોચી હતી. જેસીબી સાથે દબાણ તોડવા માટેની પ્રક્રિયા હાથ ધરાય તે પહેલા માર્કેટના વેપારીઓએ દબાણ તોડવાની કાર્યવાહી સામે ભારે વિરોધ કર્યો હતો. વેપારીઓનો રોષ હતો કે કોઈ બાંધકામ કરવામાં આવ્યુ નથી પછી દબાણ તોડવાની કાર્યવાહી કેમ? માર્કેટમાં પાર્કિંગની પુરતી વ્યવસ્થા છે. આ માર્કેટ અત્યારે શહેરનુ એકમાત્ર ફૂડ કોર્ટ સાબીત થયુ છે. શહેરની સ્વાદપ્રેમી જનતા શાંતીથી બેસીને જમવાની અને વિવિધ નાસ્તાની મજા માણે છે. આ માર્કેટ સામે કોઈનો વિરોધ નથી પછી પાલિકાએ દબાણની કાર્યવાહી કરવાની શુ જરૂર પડી? દબાણ હટાવવાની કાર્યવાહી શરૂ થાય તે પહેલા પ્રમુખ ગોવિંદભાઈ ગાંધી, દંડક જશુભાઈ પટેલ, ઈકબાલભાઈ ચોકસી, સભ્યપતિ બકુલભાઈ ત્રીવેદી તથા જયેશભાઈ પ્રજાપતિ સ્થળ ઉપર પહોચી ગયા હતા. પ્રમુખે દબાણ ટીમનો ઉધડો લીધો હતો કે, કોને પુછીને દબાણ હટાવવા માટે આવ્યા છો. એક બાજુ ઠરાવ કરી દબાણ હટાવવાની સત્તા પ્રમુખને આપવામાં આવે છે ત્યારે મને કેમ વિશ્વાસમાં લેવામાં આવ્યો નથી. ચીફ ઓફીસર કર્મચારી છે. જ્યારે ચુંટાયેલુ સત્તામંડળ તમામ સત્તાઓ ધરાવે છે. દંડક જશુભાઈ પટેલ અને અન્ય સભ્યોએ દબાણ ટીમને જણાવ્યુ હતુ કે, દબાણ તોડવાનો શોખ હોય તો આવો અમારી સાથે દબાણ બતાવીએ હિમ્મત હોય તો તોડી બતાવો. પ્રમુખ અને સભ્યોનો રોષ જોઈ પાલિકાની દબાણ ટીમ પરત ફરી હતી.
ટીપી ચેરમેન પરેશભાઈ પટેલે પાલિકાની દબાણની કાર્યવાહી સામે રોષ ઠાલવ્યો હતો કે, હેરીટેજ માર્કેટની સામે તો પાર્કિંગની પુરતી વ્યવસ્થા છે. જ્યારે શહેરના ઘણા માર્કેટો છે જ્યાં પાર્કિંગની જગ્યા છોડવામાં આવી નથી, અને પાર્કિંગમાં બાંધકામ કરવામાં આવ્યુ છે. શહરેમાં મંજુરી વગર બાંધકામ થઈ રહ્યા છે. પાલિકા દ્વારા ચાલુ બાંધકામે ગેરકાયદેસર બાંધકામની નોટીસ આપવામાં આવે છે પરંતુ બાંધકામ અટકાવવામાં આવતુ નથી. ગેરકાયદેસર બાંધકામ સામે કોઈ કાર્યવાહી થતી નથી. પરેશભાઈ પટેલે વધુમાં જણાવ્યુ હતુ કે, જેમને પાર્કિંગની જગ્યા છોડી નથી અને માર્કેટ બનાવ્યા છે તેની આકારણી કરવામાં આવે છે. ઠરાવ થયો છે અને તેની અમલવારી કરાઈ છેકે બીયુ પરમિશન વગર આકારણી કરવી નહી, છતાં આકારણી કરવામાં આવે છે. ગેરકાયદેસર બાંધકામ થતુ હોય તે અટકાવવામાં આવતુ નથી. અને જ્યારે બાંધકામ થઈ જાય છે પછી તોડવાની કાર્યવાહી કરાય છે. પાલિકામાં કેવો વહિવટ ચાલે છે તેનો ખ્યાલ આવતો નથી. હેરીટેજ માર્કેટમાં તો પાર્કિંગની વિશાળ જગ્યા મુકી છે. પરંતુ જ્યા પાર્કિંગમાં બાંધકામ થઈ ગયા છે તે માર્કેટના દબાણ પ્રથમ તોડવા જોઈએ.
હેરીટેજ માર્કેટના પાર્કિંગમાં થયેલ દબાણ તોડવાની સુચના આપનાર ચીફ ઓફીસર સંજયભાઈ પટેલનો સંપર્ક કરવામાં આવતા તેમણે જણાવ્યુ હતું કે, માર્કેટનુ કોઈ બાંધકામ તોડવાનુ નથી પરંતુ પાર્કિંગના સ્થળે જે રેલીંગ લગાવવામાં આવી છે. શેડ બનાવવામાં આવ્યા છે તે દુર કરી પાર્કિંગ ખુલ્લુ કરવાનુ છે. પ્રાદેશિક કમિશ્નરનો પરિપત્ર છેકે, પાલિકા વિસ્તારમાં જેટલા માર્કેટોના પાર્કિંગમાં દબાણ હોય તે દુર કરવા. આ પરિપત્રનો અમલ સમગ્ર ગુજરાત માટે છે. હેરીટેજ માર્કેટ એ હાઈવે ઉપરનુ માર્કેટ છે. રાત્રે વાહનો રોડ ઉપર પાર્ક કરવામાં આવે છે. જેના કારણે અકસ્માતની પુરેપુરી શક્યતા છે. પ્રાદેશિક કમિશ્નરના પરિપત્રના અમલરૂપે હેરીટેજ માર્કેટથી પાર્કિંગનુ દબાણ હટાવવાની કાર્યવાહી કરવામાં આવશે ત્યારબાદ શહેરના તમામ માર્કેટોના પાર્કિંગમાં થયેલા દબાણો દુર કરી પાર્કિંગ ખુલ્લુ કરવામાં આવશે.

Leave a Reply

Top