You are here
Home > News > શહીદોને શ્રધ્ધાંજલિની મૌન રેલીમાં દેશના ગદ્દારો સામે રોષ દેખાયો

શહીદોને શ્રધ્ધાંજલિની મૌન રેલીમાં દેશના ગદ્દારો સામે રોષ દેખાયો

દાતાઓની નગરી વિસનગરમાં શહીદ પરિવારોના લાભાર્થે દાનનો પ્રવાહ

શહીદોને શ્રધ્ધાંજલિની મૌન રેલીમાં દેશના ગદ્દારો સામે રોષ દેખાયો

 

(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
જમ્મુ કાશ્મીરમાં થયેલા આતંકી હુમલામાં દેશના ૪૪ વીર જવાનો શહીદ થતા આ જધન્ય હુમલાને સમગ્ર દેશવાસીઓએ વખોડ્યો છે. વિસનગરમાં શહીદ વીરોને શ્રધ્ધાંજલી આપવા માટે કેન્ડલ માર્ચ સાથે મૌન રેલીનુ આયોજન કરવામાં આવ્યુ હતુ. ત્યારે મૌન રેલીમાં જોડાયેલા લોકોના મુખ ઉપર દેશના ગદ્દારો સામે રોષ જોવા મળ્યો હતો. શહિદોના પરિવારના લાભાર્થે દાનની અપીલ કરવામાં આવતા દાતાઓની નગરીમાં એકજ દિવસમાં ૧૪ થી ૧૫ લાખ દાનની જાહેરાત થઈ હતી.
જમ્મુ કાશ્મીરના પુલવામા જીલ્લાના અવંતિપોરામાંથી પસાર થઈ રહેલા સી.આર.પી.એફ.ના ૨૫૦૦ સૈનિકોના કાફલા ઉપર જૈસએ મહંમદના આતંકીઓએ વિસ્ફોટક ભરેલી ગાડી સાથે હુમલો કરતા ૪૪ જવાનો શહીદ થયા હતા. દેશના ગદ્દારો દ્વારા થયેલા આ જધન્ય હુમલાથી આખો દેશ હચમચી ગયો છે. શહીદો પ્રત્યે એક તરફ લાગણી છે તો બીજી તરફ આતંકવાદીઓ સામે ભારે રોષ છે. આ બનાવના બીજા દિવસે વિસનગરમાં શહીદોને શ્રધ્ધાંજલી આપવાના વિવિધ કાર્યક્રમો થયા હતા. જેમાં સવારે એ.પી.એમ.સી. તથા ગંજબજાર વેપારી મંડળ દ્વારા માર્કેટયાર્ડના હૉલમાં શોકસભા યોજવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ધારાસભ્ય ઋષિભાઈ, ગંજબજાર વેપારી મંડળના પ્રમુખ, ડીરેક્ટરો તથા વેપારીઓએ હાજરી આપી શહીદોને શ્રધ્ધાંજલી આપી હતી. એસ.કે.યુનિવર્સિટીમાં નૂતન ઉડાન એન્યુઅલ કલ્ચરલ ફેસ્ટીવલનો કાર્યક્રમ રદ કરી શહીદોને શ્રધ્ધાંજલી માટે શોકસભાનુ આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં મીણબત્તી સળગાવી શહીદોને શ્રધ્ધાંજલી આપવામાં આવી હતી. ભારત વિકાસ પરિષદ, રોટરેક્ટ ક્લબ ઓફ વિસનગર, વેપારી મહામંડળ, લાયન્સ ક્લબ ઓફ વિસનગર તથા અન્ય સંસ્થાઓ દ્વારા શુક્રવારની સાંજે રેલ્વે સર્કલથી શહીદોને શ્રધ્ધાંજલી આપવા કેન્ડલ માર્ચ સાથે મૌન રેલીનુ આયોજન કરવામાં આવ્યુ હતુ. કોઈ આમંત્રણ કે જાહેરાત વગર ફક્ત સોશીયલ મીડીયા ઉપર મેસેજ ફરતો થતા વિસનગરના લોકો સ્વયંભુ મૌન રેલીમાં ઉમટ્યા હતા. કેન્ડલ માર્ચ સાથેની રેલીમાં લોકોના મુખ ઉપર ૪૪ જવાનોની શહીદીનુ દુઃખ હતુ. ત્યારે બીજી બાજુ દેશના જવાનો માટે દેશનુ અન્ન ખાઈને દુશ્મન બનેલા ગદ્દારો સામે મનમા ભારેલા અગ્નિ જેવો રોષ જોવા મળ્યો હતો.
કેન્દ્ર સરકાર જ્યારે કાશ્મીરના આતંકવાદીઓની તરફેણમાં પથ્થરમારો કરનાર લોકો ઉપર કડક હાથે કાર્યવાહી કરવા સૈન્ય બળનો ઉપયોગ કરતી હતી ત્યારે સૈન્ય કાર્યવાહી સામે માનવતાવાદીઓ અને માનવ અધિકાર પંચે ભારે વિરોધ કર્યો હતો. સૈન્યના જવાનો ઉપર પથ્થરો ફેકનાર પથ્થરબાજો ઉપર પેલેટ ગનનો ઉપયોગ કરવામાં આવતા રાજકીય પાર્ટીઓ અને વિવિધ સંગઠનોએ તેનો ભારે વિરોધ કર્યો હતો. ત્યારે આતંકીહુમલામાં ૪૪ જવાનો શહીદ થતા લોકોએ રોષ વ્યક્ત કર્યો છેકે આતંકવાદીઓ અને આતંકવાદીઓની તરફેણમાં પથ્થરમારો કરનારના ઉપરાણામાં નિકળેલા માનવતાવાદીઓ અત્યારે ક્યાં ખોવાઈ ગયા છે. જેમનામાં માનવતા નથી તેમના માટે માનવતાની અને માનવઅધિકારની વાતો તથ્યહીન છે. આંતકવાદીઓ દેશના લોકોને મારતા નથી પરંતુ દેશના જવાનોને, સૈનિકોને મારે છે તે પણ આપણા ભાઈ છે. આવા આતંકવાદીઓને ઉખાડી ફેકવા જોઈએ. આતંકવાદી સંગઠનોને પોષતા અલગતાવાદી નેતાઓનુ એન્કાઉન્ટર કરવુ જોઈએ. આતંકવાદીઓ દ્વારા વારંવાર સૈનિકો ઉપર હુમલા કરવામાં આવે છે. સૈનિકોનો ભોગ લેવાય છે. ત્યારે ક્યાં સુધી આતંકવાદીઓને અને તેમને પોષતા અલગતાવાદીઓને પંપાળવાના? બહુ થયુ હવે તો સમય આવી ગયો છે. હવે તો યુધ્ધ એજ કલ્યાણ. આંતકવાદીઓ સામેની કાર્યવાહીને અત્યાચાર ગણતી રાજકીય પાર્ટીઓ ક્યા ખોવાઈ ગઈ છે. આ રાજકીય પાર્ટીઓના નેતા કેમ બોલતા નથી કે દેશના જવાનોનો ભોગ લેનાર આતંકવાદીઓને નેસ્તનાબુદ કરો. આતંકવાદી સંગઠનો આ રાજકીય પાર્ટીઓ સાથે શુ સબંધ ધરાવે છે? આવા અનેક વિચારો અને પ્રશ્નો મૌન રેલીમાં સાંભળવા મળ્યા હતા.
આતંકી હુમલાનો ભોગ બનેલા શહીદોના પરિવારના લાભાર્થે વિસનગરમાં શ્રી હરિહર સેવા મંડળ દ્વારા સૌપ્રથમ રૂા.૫૦,૦૦૦ દાનની જાહેરાત કરવામાં આવી હતી. જે આ સંસ્થા દ્વારા દાનની અપીલ કરવામાં આવતા શ્રી વિસનગર વણીક મંડળ દ્વારા રૂા.૧,૨૫,૦૦૦ દાન જાહેર કરવામાં આવ્યુ હતુ. એસ.કે. યુનિવર્સિટીની શોકસભામાં શહીદોના પરિવાર માટે સહાયની અપીલ કરવામાં આવી હતી. જેમાં પ્રથમ એસ.કે.યુનિવર્સિટી દ્વારા રૂા.૧ લાખ, મજુર સહકારી મંડળી દ્વારા રૂા.૧ લાખ, મંડળીના ટ્રસ્ટી ર્ડા.લક્ષ્મણભાઈ પટેલ દ્વારા રૂા.૨૫,૦૦૦, શ્રી સ્વામિનારાયણ ગુરૂકુળ સ્કુલ કાંસા તરફથી રૂા.૫૧,૦૦૦, ડેન્ટલ કોલેજના ડીન ર્ડા.જે.આર.પટેલ તરફથી રૂા.૨૫,૦૦૦ સહાય આપવાની જાહેરાત કરાઈ હતી. આ ઉપરાંત યુનિવર્સિટીના તમામ સ્ટાફે એક દિવસનો પગાર શહીદ પરિવારના લાભાર્થે આપવાની જાહેરાત કરવામાં આવી હતી. આમ ફક્ત એસ.કે.યુનિવર્સિટીની અપીલથીજ રૂા.૧૦ લાખની સહાય શહીદ પરિવારો માટે એકત્રીત થઈ હતી. હરિહર સેવા મંડળ ટ્રસ્ટ દ્વારા જણાવાયુ છેકે કોઈ દાતા શહીદોને સહાય આપવા માગતા હોય તો સંસ્થાનો સંપર્ક કરવો. તમામ ફાળો એકત્ર થયા પછી મોકલવામાં આવશે.

Leave a Reply

Top