You are here
Home > News > ટેક્ષ કન્સલ્ટન્ટને બીલ નહી આપી શિક્ષક દિઠ રૂા.૨૦૦/- ઉઘરાવવા પાછળનું રહસ્ય શુ? તાલુકા પંચાયતના શિક્ષણ શાખાની નિષ્ક્રીયતાનો ભોગ શિક્ષકો બનશે?

ટેક્ષ કન્સલ્ટન્ટને બીલ નહી આપી શિક્ષક દિઠ રૂા.૨૦૦/- ઉઘરાવવા પાછળનું રહસ્ય શુ? તાલુકા પંચાયતના શિક્ષણ શાખાની નિષ્ક્રીયતાનો ભોગ શિક્ષકો બનશે?

ટેક્ષ કન્સલ્ટન્ટને બીલ નહી આપી શિક્ષક દિઠ રૂા.૨૦૦/- ઉઘરાવવા પાછળનું રહસ્ય શુ?
તાલુકા પંચાયતના શિક્ષણ શાખાની નિષ્ક્રીયતાનો ભોગ શિક્ષકો બનશે?
(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
વિસનગર તાલુકા પંચાયતના શિક્ષણખાતાની નિષ્કાળજી કે અંગત સ્વાર્થના લીધે તાલુકાના પ્રાથમિક શિક્ષકોના ટીડીએસના રિટર્ન માટે ફોર્મ ૨૪ઊ ભરવાની કામગીરી કરતા ટેક્ષ કન્સલ્ટન્ટના છેલ્લા સાત વર્ષના લેણીના બીલના નાણાં ચુકવવામાં નહી આવતા આગામી સમયમાં ઈન્કમટેક્ષ વિભાગ દ્વારા શિક્ષકોને નુકશાન થવાની શક્યતા છે. શિક્ષણ ખાતાએ આ કામગીરી બીજા ટેક્ષ કન્સલ્ટન્ટને સોંપી તાલુકાના શિક્ષકો પાસેથી ફી પેટે એડવાન્સ રૂા.૨૦૦ ઉઘરાવવાનું નક્કી કરતા શિક્ષકોમાં ગણગણાટ ફેલાયો છે. ત્યારે વિસનગર તાલુકા શિક્ષક સંઘના આગેવાન શિક્ષકોને થતુ ખોટુ રૂા.૨૦૦ નું નુકશાન અટકાવવા શિક્ષણશાખા સામે અવાજ ઉઠાવવાને બદલે મૂકપ્રેક્ષક બનીને પોતાની ખિચડી પકવતા હોવાનું ચર્ચાય છે.
વિસનગર તાલુકાની પ્રાથમીક શાળાઓના શિક્ષકોના ટીડીએસના રીટર્ન માટે ફોર્મ-૨૪ઊ નું ચલણ ભરવાની જવાબદારી તાલુકા પંચાયતના શિક્ષણશાખાની હોય છે. જેથી શિક્ષણશાખાના ક્લાર્ક અનુભવી ટેક્ષ કન્સલ્ટન્ટ પાસે વ્યાજબી ફીમાં ફોર્મ ૨૪ઊ ભરાવવાની કામગીરી કરાવે છે. આ કામગીરી માટે શિક્ષણ શાખાના ક્લાર્ક દર ત્રણ મહિને શિક્ષકનો પાન નંબર ફોર્મ ૨૪ઊ ભરવાનું ચલણ સહીત અન્ય વિગતો સમયસર ટેક્ષ કન્સલ્ટન્ટને પહોંચાડવાની હોય છે. જો ક્લાર્ક શિક્ષકની વિગત આપવામાં ભૂલ કરે તો તેનું નુકશાન શિક્ષકને ભોગવવું પડે છે. વિસનગર તાલુકા પંચાયતના શિક્ષણ શાખા દ્વારા તાલુકાના શિક્ષકોના ટીડીએસ રિટર્ન મેળવવા ફોર્મ ૨૪ઊ ભરવાની કામગીરી માટે ધોળકાના જાણીતા અનુભવી ટેક્ષ કન્સલ્ટન્ટ ઘનશ્યામભાઈ જે.પટેલ (વકીલ)ની નિમણુંક કરી હતી. ઘનશ્યામભાઈ પટેલ છેલ્લા દશ વર્ષથી વ્યાજબી ફીમાં વિસનગર તાલુકાના શિક્ષકોના ટીડીએસ રિટર્ન માટે ફોર્મ ૨૪ઊ નું ચલણ ભરવાની કામગીરી કરતા હતા. પરંતુ કોઈ કારણોસર શિક્ષણ શાખા દ્વારા છેલ્લા સાત વર્ષથી આ ટેક્ષ કન્સલ્ટન્ટને તેમની લેણીના બીલના નાણાં ચુકવવામાં ઠાગાઠૈયા કરવામાં આવતા હતા. છતાં શિક્ષકોને ઈન્કમટેક્ષ વિભાગ દ્વારા કોઈ નોટીસ કે આર્થિક નુકશાન ન થાય તેવા હેતુથી આ ટેક્ષ કન્સલ્ટન્ટ શિક્ષકોના ૨૪ઊ નું ચલણ ભરવાની કામગીરી કરી રહ્યા હતા. જો શિક્ષણખાતાના ક્લાર્ક શિક્ષકોના પાન નંબર, ટીડીએસની વિગત કે અન્ય જરૂરી વિગત આપવામાં ભૂલ કરે તો શિક્ષકોના ખાતામાં ટીડીએસ જમા થાય નહી. ત્યારે આ કન્સલ્ટન્ટ ક્લાર્કની ભૂલ થાય તો પણ પોતાની ફરજના ભાગરૂપે શિક્ષકોના હિતમાં ઈન્કમટેક્ષ વિભાગની કચેરીમાં દોડધામ કરી ૨૪ઊ ના ચલણમાં સુધારો કરાવતા હતા. તા.૨૦-૧૦-૨૦૧૮ ના રોજ આ કન્સલ્ટન્ટે વિસનગર તાલુકા પંચાયતના શિક્ષણખાતાના ક્લાર્ક દિનેશભાઈ ચૌધરી પાસે પોતાની લેણીના બિલના નિકળતા રૂપિયાની માગણી કરતા દિનેશભાઈએ તમને બીલ નહી મળે તેવો ઉડાઉ જવાબ આપતા ટેક્ષ કન્સલ્ટન્ટે શિક્ષણ શાખાનુ કામ છોડી દીધુ હતુ. ત્યારબાદ આ કન્સલ્ટન્ટે તા.૬-૧૧-૨૦૧૮ ના રોજ પોતાની બાકી બિલના નાણાં માટે વિસનગર તાલુકા શિક્ષક સંઘના પ્રમુખ જયંતીભાઈ પટેલનો સંપર્ક કરતા તેમને ન્યાય આપવાને બદલે શિક્ષણ શાખાના ક્લાર્કની તરફેણમાં જવાબ આપતા ટેક્ષ કન્સલ્ટન્ટે વિસનગર તાલુકાની શિક્ષણ શાખાનું કામ છોડી દીધુ હતુ. ત્યારે શિક્ષણખાતાના ક્લાર્કે ટીડીએસના ફોર્મ ૨૪ઊ ની કામગીરી માટે જેને અગાઉ કામ કર્યુ નથી તેવા બીજા ટેક્ષ કન્સલ્ટન્ટની નિમણુંક કરી તેમની એડવાન્સ ફીના નાણાં ચુકવવા માટે તાલુકાના તમામ શિક્ષકો પાસેથી રૂા.૨૦૦ ઉઘરાવવાનું નક્કી કર્યુ હોવાનુ શિક્ષકોમાં ચર્ચાય છે. શિક્ષકોમાં એવી પણ ચર્ચા છેકે ટીડીએસ રિટર્ન માટે ફોર્મ ૨૪ઊ ભરવાની જવાબદારી શિક્ષણખાતાની છે. તો પછી શિક્ષકો પાસેથી રૂા.૨૦૦ ઉઘરાવવાનું રહસ્ય શું? શિક્ષણખાતાએ અગાઉના ટેક્ષ કન્સલ્ટન્ટના લેણીના બીલના નાણાં આજદીન સુધી કેમ ન ચુકવ્યા? જો ટેક્ષ કન્સલ્ટન્ટનું કામ બરાબર ન હતું તો આટલા વર્ષ સુધી શિક્ષણખાતાને જ્ઞાન કેમ ન થયું? આતો શિક્ષણખાતાના ક્લાર્કે પોતાના અંગત ફાયદા માટે ટેક્ષ કન્સલ્ટન્ટને તેમના બીલના નાણાં ચૂકવ્યા વિના બીજા ટેક્ષ કન્સલ્ટન્ટને કામ આપી તેમને ફી આપવા માટે શિક્ષકો પાસેથી એડવાન્સ રૂા.૨૦૦ ઉઘરાવવાનું નક્કી કરાયુ છે. જોકે શિક્ષકોના ફોર્મ ૨૪ઊ નું ચલણ સમયસર સાચુ નહી ભરાય તો શિક્ષકોના ખાતામાંથી ટીડીએસ કપાશે પણ તેમનું રિટર્ન જમા થશે નહી. વધુમાં ક્લાર્કની નિષ્કાળજીના લીધે કોઈ શિક્ષક ઉપર ઈન્કમટેક્ષ વિભાગની નોટીસ આવશે તો તેની જવાબદારી કોની? આતો અગાઉના ટેક્ષ કન્સલ્ટન્ટ ઘનશ્યામભાઈ પટેલે પોતાની રીતે દોડધામ કરી શિક્ષકોના જેટલા પાન નંબરો સાચા મળ્યા તેનો સુધારો કરતા હાલમાં રૂા.૨૫,૯૭,૯૩૧ ડિમાન્ડની રકમ તાલુકા પંચાયતને ભરવાની થાય છે. હાલમાં વિસનગર શિક્ષણખાતાની નિષ્કાળજીના લીધે આગામી સમયમાં તાલુકાના કેટલાક શિક્ષકોને ઈન્કમટેક્ષની નોટીસ આવશે તો તેમને આર્થિક નુકશાન થવાની થવાની શક્યતા સેવાઈ રહી છે. ત્યારે આ નોટીસનો ખુલાસો કરવા શિક્ષકોએ તૈયાર રહેવું પડશે તેવું ઈન્કમટેક્ષ ક્ષેત્રના નિષ્ણાંતોનું માનવું છે.

Leave a Reply

Top