You are here
Home > News > પ્રમુખ ગોવિંદભાઈ ગાંધીની અધ્યક્ષતામાં રૂા.૧.૪૦ કરોડની પુરાંતનુ બજેટ મંજુર

પ્રમુખ ગોવિંદભાઈ ગાંધીની અધ્યક્ષતામાં રૂા.૧.૪૦ કરોડની પુરાંતનુ બજેટ મંજુર

ગીરીશભાઈ પટેલ બજેટની ખામીઓની ચર્ચા કરે તે પહેલાજ જન ગણ મન થઈ ગયુ

પ્રમુખ ગોવિંદભાઈ ગાંધીની અધ્યક્ષતામાં રૂા.૧.૪૦ કરોડની પુરાંતનુ બજેટ મંજુર

બજેટમાં આવક અને જાવકના આંકડાઓ ગળે ઉતરે નહી તેવા છે-ગીરીશભાઈ પટેલ

(પ્ર. ન્યુ.સ.) વિસનગર,રવિવાર
વિસનગર પાલિકા પ્રમુખ ગોવિંદભાઈ ગાંધીની અધ્યક્ષતામાં રજુ થયેલ રૂા.૧.૪૦ કરોડની પુરાંત્તવાળુ બજેટ બહુમતીથી મંજુર થયુ હતુ. બજેટ બેઠકમાં આંકડાકીય ખામીઓ બાબતે વિરોધપક્ષના ગીરીશભાઈ પટેલ ચર્ચા કરે તે પહેલાજ જન ગણ મન રાષ્ટ્રગીત ગાઈ બેઠક પૂર્ણ કરાઈ હતી. બજેટમાં ખોટી આંકડાકીય માહિતી આપી હોવાની ગીરીશભાઈ પટેલે રોષ વ્યક્ત કર્યો હતો.
વિસનગર પાલિકાના સભાગૃહમાં તા.૨૬-૨-૨૦૧૯ ને મંગળવારના દિવસે વર્ષ-૨૦૧૯-૨૦ ના બજેટ માટે ખાસ સાધારણ સભા મળી હતી. પાલિકા પ્રમુખ ગોવિંદભાઈ ગાંધીના અધ્યક્ષસ્થાને તેમજ ચીફ ઓફીસર સંજયભાઈ પટેલ, ઉપપ્રમુખ ભાવનાબેન રબારી, દંડક જશુભાઈ પટેલ તથા સભ્યોની ઉપસ્થિતિમાં ઉઘડતી સીલક તથા વર્ષ-૨૦૧૯-૨૦ ની અંદાજીત જમા સાથે કુલ રૂા.૪૮,૪૫,૩૩,૭૫૯.૫૨ ની આવક સામે રૂા.૪૭,૦૪,૫૩,૦૦૦/- ના ખર્ચના અંદાજ સાથે રૂા.૧,૪૦,૮૦,૭૫૯.૫૨ ની પુરાંતવાળુ બજેટ બહુમતીથી મંજુર કરવામાં આવ્યુ હતુ. આ બેઠકમાં વિસનગર તાલુકા પોલીસ સ્ટેશન માટે સરકારી પડતરની કુલ ૬૦૦૦ ચો.મી. જમીન ફાળવવાનો તથા તિરૂપતી માર્કેટની સામે ટેક્ષી મેક્ષીનુ સ્ટેન્ડ ફાળવવાનો ઠરાવ નામંજુર કરવામાં આવ્યો હતો. ફક્ત ત્રણ મીનીટ ચાલેલી બજેટ બેઠક પૂર્ણ જાહેર કરવામાં આવતા વિરોધપક્ષના ગીરીશભાઈ પટેલે બજેટની આંકડાકીય માહિતી વિશે ચર્ચા કરવા ઉભા થયા હતા, તે પહેલા શાસક પક્ષના સભ્યો ઉભા થઈ જન ગણ મન રાષ્ટ્રગીત ગાઈ બજેટ માટેની ખાસ સાધારણ સભા પૂર્ણ જાહેર કરી હતી. ચર્ચા કર્યા વગર બહુમતીના જોરે બજેટ બેઠક પૂર્ણ કરવા બાબતે ગીરીશભાઈ પટેલે ભારે વિરોધ દર્શાવ્યો હતો.
બજેટની ખાસ સાધારણ સભા ગીરીશભાઈ પટેલે આંકડાકીય માયાજાળ વાળા બજેટ વિશે જણાવ્યુ હતું કે, બજેટમાં ખોટા આંકડાઓ દર્શાવવામાં આવ્યા છે. બજેટમાં આવકના આંકડાઓ અને જોગવાઈઓ બાબતે માહિતી આપી હતી કે, પાણી વેરાની આવક વર્ષ ૨૦૧૮-૧૯ માં રૂા.૧,૨૩,૮૪,૯૭૮/- છે જ્યારે ૨૦૧૯-૨૦ માં રૂા.૧,૨૦,૦૦,૦૦૦/- આવક બતાવી ઓછી આવક બતાવવામાં આવી છે. વર્તમાન વર્ષમાં મકાન ભાડુ ટ્રાન્સફર ફીની આવક રૂા.૧૯,૫૬,૩૩૭ છે. જ્યારે ૨૦૧૯-૨૦ માં રૂા.૨૨ લાખ આવક અંદાજવામાં આવી છે. જેમાં ગત વર્ષના અંદાજ કરતા ઓછી આવક બતાવવામાં આવી છે. પાણી જોડાણ ફીની વર્તમાન વર્ષની આવક રૂા.૩,૮૩,૦૦૦ છે જ્યારે ૧૯-૨૦ ના બજેટમાં રૂા.૫,૦૦,૦૦૦ આવક અંદાજવામાં આવી છે. પાણી જોડાણ ફીમાં રૂા.૪ લાખથી વધારે આવક થતી નથી. ત્યારે વધારે આવક બતાવવાનુ કારણ શું? મૂડી રોકાણ વ્યાજની આવક વર્તમાન વર્ષમાં એક રૂપિયાની પણ આવક નથી તેમ છતાં ૧૯-૨૦ માં રૂા.૪૦ લાખની આવક બતાવાઈ છે. બાંધકામ પાણીની ફીની વર્ષ ૨૦૧૭-૧૮ માં આવક રૂા.૧૯,૮૨,૯૯૨/- હતી. વર્તમાન વર્ષમાં સીધીજ છઠ્ઠા ભાગની આવક થઈ ગઈ. વર્તમાન વર્ષમાં પાણી ફીની આવક રૂા.૩,૪૫,૪૦૦ દર્શાવાઈ છે. જ્યારે ૧૯-૨૦ માં રૂા.૫ લાખ આવકની જોગવાઈ કરાઈ છે. ગત વર્ષ કરતા આ વર્ષે અચાનક પાણીની ફીની આવક આટલી બધી ઓછી કેમ થઈ ગઈ? વ્યવસાય વેરાની આવક રૂા.૮૪,૪૨,૭૫૪ થઈ છે. જ્યારે ૧૯-૨૦ માં રૂા.૧ કરોડની આવક બતાવવામાં આવી છે. વધારે આવક ક્યાંથી થવાની છે? ધારાસભ્ય ગ્રાન્ટની આવકના આંકડા ખોટા દર્શાવાયા છે. દુકાન હરાજી પ્રિમીયમમાં વર્તમાન વર્ષમાં રૂા.૧૦ લાખની આવકનો અંદાજ હતો. જેમાં એક રૂપિયાની આવક થઈ નથી તેમ છતાં ૧૯-૨૦ ના બજેટમાં રૂા.૨૦ લાખ આવક બતાવાઈ છે. ગ્રાન્ટોના વ્યાજની વર્તમાન વર્ષમાં એકપણ રૂપિયાની આવક નથી તેમ છતાં ૧૯-૨૦ ના બજેટમાં રૂા.૫૦ લાખની આવકનો અંદાજ મુકવામાં આવ્યો છે. રાષ્ટ્રીય પર્વની ગ્રાન્ટની આવકના આંકડા બજેટમાં તદ્દન ખોટા અને ભુલ ભરેલા છે. બજેટમાં વર્ષ ૨૦૧૮-૧૯ ના વર્ષની અંદાજીત જમા આવક રૂા.૨,૦૦,૦૦૦/-(બે લાખ) દર્શાવાઈ છે. જ્યારે ૧૮-૧૯ ના ત્રણ માસની અંદાજીત જમા આવકનો આંકડો રૂા.૨૦,૦૦,૦૦૦/- (વીસ લાખ) દર્શાવાયો છે. બે લાખની આવકનો અંદાજ જ્યારે રૂા.૨૦,૦૦,૦૦૦ અંદાજીત જમા? આતો કેવુ બજેટ અને તેના આંકડા કેવા? ૧૯-૨૦ માં રાષ્ટ્રીય પર્વ ગ્રાન્ટ રૂા.૩૦ લાખ અંદાજવામાં આવી છે. પર્ફોમન્સ ગ્રાન્ટની વર્તમાન વર્ષમાં એક રૂપિયાની આવક નથી તેમ છતાં રૂા.૫૦ લાખની આવક બતાવાઈ. નિર્મળ ગુજરાત વ્યક્તિગત શૌચાલય ગ્રાન્ટ, SJMMSVYની ગ્રાન્ટમાં વર્તમાન વર્ષમાં એક રૂપિયાની આવક ન હોવા છતાં ૧૯-૨૦ માં આવક આંકડા ખોટા અંદાજવામાં આવ્યા છે.
ખર્ચ બજેટના આંકડાની માહિતી આપતા જણાવ્યુ હતું કે, ૨૦૧૭-૧૮ માં વોટર વર્કસ નિભાવ ખર્ચ રૂા.૨,૭૭,૩૬,૭૮૯/- થયો હતો. વર્તમાન વર્ષમા નવ માસનો ખર્ચ રૂા.૨,૭૬,૯૪,૦૯૫ થઈ ગયો છે. બાકીના બીજા ત્રણ માસનો ખર્ચ રૂા.૧.૫૦ કરોડ અંદાજવામાં આવ્યો છે. નવ માસમાં રૂા.૨.૭૬ કરોડનો ખર્ચ અને ત્રણ માસમાં રૂા.૧.૫૦ કરોડ ખર્ચ બતાવવાનુ કારણ શું? ત્રણ માસમાં આટલો બધો ખર્ચ કંઈ રીતે થાય. કંઈ ગેરરીતી કરવા આટલો ખર્ચ અંદાજવામાં આવ્યો છે. દર વર્ષે લગભગ રૂા.૩ કરોડનો ખર્ચ થતો હોય તો વર્ષ ૨૦૧૯-૨૦ માં રૂા.૫.૫૦ કરોડ ખર્ચ બતાવવા પાછળનુ રહસ્ય શુ? ધર્મશાળા મહેકમ તથા નિભાવમાં ૧૭-૧૮ માં રૂા.૭,૧૧,૪૨૦ ખર્ચ થયો હતો. વર્તમાન વર્ષમાં છેલ્લા ત્રણ માસ સાથે રૂા.૮,૫૫,૭૨૦ ખર્ચ દર્શાવાયો છે. જ્યારે વર્ષ ૧૯-૨૦ માં રૂા.૫૦ લાખની માતબર રકમનો ખર્ચ કેમ દર્શાવ્યો છે. પ્રધાનમંત્રી આવાસ યોજના પગાર મહેકમ રૂા.૫,૧૨,૦૦૦ બતાવ્યુ છે જ્યારે ૧૯-૨૦ માં રૂા.૧૦ લાખ દર્શાવ્યો છે. કોમન કેડર પગાર મહેકમનો કોઈ ખર્ચ નહી હોવા છતાં રૂા.૧૦ લાખ ખર્ચ દર્શાવાયો છે. પેટ્રોલ, ડીઝલ ઓઈલનો વર્તમાન નવ માસનો ખરેખર ખર્ચ રૂા.૧૦,૩૮,૮૯૪ થયો છે. બાકીના ત્રણ માસમાં રૂા.૫ લાખના ખર્ચનો અંદાજ કંઈ ગેરરીતી કરવા માટે બતાવાયો છે. જ્યારે ૧૯-૨૦ માં આ ખર્ચ રૂા.૨૦ લાખ અંદાજવામાં આવ્યો છે. જંતુનાશક દવાનો ચાલુ વર્ષનો નવ માસનો ખરેખર ખર્ચ રૂા.૩,૪૫,૨૨૦/- થયો છે. જ્યારે બીજા ત્રણ માસનો ખર્ચ રૂા.૪ લાખ અંદાજવામાં આવ્યો છે. જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ ૧૯ માં ચોમાસુ આવવાનુ નથી પછી રૂા.૪ લાખનો ખર્ચ કેમ અંદાજવામાં આવ્યો? જ્યારે ૧૯-૨૦ ના બજેટમાં રૂા.૨૫ લાખનો ખર્ચ બતાવાયો છે. જે ગત વર્ષ કરતા ડબલ ખર્ચ છે. કયુ મોટુ કૌભાંડ કરવા માટે આ ડબલ ખર્ચ બતાવાયો છે? બજેટમાં ખોટા આંકડાઓની ભરમાઈ બતાવી, ખોટા આંકડાઓ દર્શાવી આવક અને ખર્ચના બજેટની બજેટ બેઠકમા કોઈ ચર્ચા નહી કરતા, રજુ કરાયેલા ખોટા બજેટ સંદર્ભે કલેક્ટરમાં રજુઆત કરવા માટે ગીરીશભાઈ પટેલે જણાવ્યુ છે.

Leave a Reply

Top