You are here
Home > News > વિસનગરનું બાહોશ વ્યક્તિત્વ પુર્વ ધારાસભ્ય પ્રહેલાદભાઈ ગોસાનું અવસાન

વિસનગરનું બાહોશ વ્યક્તિત્વ પુર્વ ધારાસભ્ય પ્રહેલાદભાઈ ગોસાનું અવસાન

આકસ્મીક અવસાનથી લોકોમાં આઘાતની લાગણી – તમામ સમાજ અંતિમયાત્રામાં જોડાયા

વિસનગરનું બાહોશ વ્યક્તિત્વ પુર્વ ધારાસભ્ય પ્રહેલાદભાઈ ગોસાનું અવસાન

(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
શનિવારની રાત્રે વિસનગરનું બાહોશ વ્યક્તિત્વ ધરાવતા પુર્વ ધારાસભ્ય પ્રહેલાદભાઈ ગોસાના દુઃખદ અવસાનના સમાચારથી સોશીયલ મિડીયા ધમ ધમી ઉઠ્યુ હતું. વિસનગરના લોકો લોકલાડીલા નેતા ગુમાવ્યાનું માનવા તૈયાર ન હોતા. સમગ્ર ગુજરાતમાં વિસનગર તળ કડવા પાટીદાર સમાજની ઓળખ ઉભીકરનાર કોંગ્રેસ હટાવી ભાજપ સંગઠન મજબૂત કરનાર પ્રહેલાદભાઈ ગોસાના અવસાનથી સમાજે નભનો સિતારો ખરી પડ્યાની લાગણી અનુભવી રહ્યો છે. રવિવારે નિકળેલી સદ્‌ગતની સ્મશાન યાત્રામાં વિસનગરના તમામ સમાજના આગેવાનો મોટી સંખ્યામાં જોડાયા હતા.
વિસનગરની ખુમારી,ખમીરવંતા, લડવૈયા,નિડર,બાહોશ,લોકલાડીલા રાજકારણ ના માહીર, સહકારી અગ્રણી, ઈત્તર સમાજના નેતા, આખાબોલા, પાટીદાર અગ્રણી, તળ કડવા પાટીદાર સમાજનો સિતારો જેવા જેટલા ઉપનામ આપીએ તેટલા ઓછા એવા પુર્વ ધારાસભ્ય, માર્કેટયાર્ડના પુર્વ ચેરમેન, પાલિકાના પુર્વ પ્રમુખ, તળ કડવા પાટીદાર સમાજના પ્રમુખ, પટણી દરવાજા ઉમિયા માતા મંદિરના પ્રમુખ જેવી અનેક સંસ્થાઓમાં સેવા આપી ચુકેલા તેમજ સેવા આપી રહેલા પ્રહેલાદભાઈ મોહનભાઈ પટેલ (ગોસા)નું તારીખ ૨-૦૩-૨૦૧૯ની રાત્રે અમદાવાદ સ્ટર્લીગ હોસ્પિટલમાં દુઃખદ અવસાના થતા આ સમાચાર વિસનગર શહેર અને તાલુકા માટે વજ્રઘાત સમાન હતા. જેમના અવસાનના સમાચારથી વિસનગરનું સોશિયલ મિડીયા ધમધમી ઉઠ્યુ હતું. કોઈ ગંભીર બિમારી ન હતી. કોઈ લાંબી માંદગી ન હતી ત્યારે પ્રહેલાદભાઈ ગોસાના અચાનક અવસાનના સમાચાર કોઈ માનવા તૈયાર ન હતું.
પ્રહેલાદભાઈ ગોસાને છેલ્લા એકાદ માસથી શરદી, કફ, ઉધરસની તકલીફ હતી. પરંતુ સમાજના સમુહલગ્ન તેમજ પ્રમુખ તરીકે લીધેલી જવાબદારી બાદ સમાજ માટે કંઈ કરી છુટવાની તરવરાટમાં સતત વ્યસ્તતાના કારણે બિમારી વધી હતી. ફેફસામાં પાણી ભરાવાના અને શ્વાસની તકલીફ વધતા તેમને બુધવારના સાંજે અમદાવાદ સ્ટર્લીગ હોસ્પિટલમાં સારવાર્થે દાખલ કરાયા હતા. સારવાર દરમિયાન એટેક આવતા શુક્રવારના દિવસે આઈ.સી.યુ માંથી ક્રિટીકલ કેરમાં સારવાર શરૂ કરાઈ હતી. જે સારવાર દરમિયાન શનિવારના દિવસે રાત્રે લગભગ ૧૦-૦૦ કલાકે તેમનું અવસાન થયુ હતું.
પ્રહેલાદભાઈ ગોસાએ બે ટર્મ ધારાસભ્ય પદે તે પહેલા પાલિકા પ્રમુખ પદે, માર્કેટયાર્ડના ચેરમેન પદે, તળ સમાજમા વિવિધ સંસ્થાઓમાં અમુલ્ય સેવાઓ આપી હતી. ધારાસભ્ય હોવા છતા સાદગી ભર્યુ જીવન જીવનાર લોકોની વચ્ચે ફરતા નેતા હતા. પાટીદાર નેતા હોવા છતા અન્ય નાના સમાજને પણ એટલા સાચવતા હોવાથી ઈત્તરના નેતા પણ હતા. કોઈની ગરજ હોય કે ન હોય પરંતુ કહેવાની જરૂર પડે ત્યારે સ્પષ્ટરીતે સંભળાવી દેતા. આખાબોલા વ્યક્તિત્વ ધરાવતા હતા. તળ કડવા પાટીદાર સમાજનું લોહી હોવાથી એક લડવૈયા હતા. વિસનગર શહેર ઉપરાંત તાલુકાના ગામડાઓમાં પણ પ્રહેલાદભાઈ ગોસાનું માન હતું. ગમે તે ગામમાં જઈને ઉભા રહે ત્યારે ૨૫-૫૦ માણસો તેમની આસપાસ ભેગા થઈ જાય તેવી લોકપ્રિયતા ધરાવતા હતા. સૌને ભાવતા, ગમતા એવા લોકપ્રિય આગેવાન વિસનગરે ગુમાવતા ઘેરા શોકની લાગણી ફેલાઈ છે.
પ્રહેલાદભાઈ ગોસાના અવસાનથી વિસનગર તળ કડવા પાટીદાર સમાજમાં ન પુરાય તેવી ખોટ પડી છે. સમાજના પ્રમુખ બન્યા બાદ કોઈ પૈસાપાત્ર વ્યક્તિના ખાનગી લગ્નની જેમ એવા ધામધુમથી તળ સમાજના સમુહલગ્ન કર્યા હતા. જે હંમેશા બધાને યાદ રહેશે. તળ સમાજના પ્રમુખની જવાબદારી સંભાળ્યા બાદ સમાજના ઉત્થાન માટે કંઈ કરી છુટવાની તમન્ના હતી. બુધવારના દિવસે સાંજે અમદાવાદ લઈ જતા હતા તેના બે કલાક પહેલાજ સમાજના મંત્રી ભરતભાઈ પટેલ (એકાઉન્ટન્ટ)સાથે મહિલા સંમેલનની તૈયારીઓ માટે ચર્ચા કરી હતી. જેમણે સારવાર લઈને આવ્યાબાદ ભવ્ય સંમેલન કરવા તૈયાર રહેવા સુચના આપી હતી. પરંતુ તળ સમાજ અને સમગ્ર વિસનગર પંથક માટે અકલ્પનીય ઘટના ઘટતા લોકો અચંબામાં મુકાઈ ગયા હતા. તારીખ ૩-૦૩-૨૦૧૯ના રોજ સવારે પ્રહેલાદભાઈ ગોસાનો નશ્વરદેહ તેમના નિવાસસ્થાને દર્શનાર્થે મુકવામાં આવ્યા હતો. ત્યારે શહેરના અને તાલુકાના વિવિધ સમાજના આગેવાનોએ ફુલહાર અર્પણ કરી શ્રધ્ધાજલિ આપી હતી. ધારાસભ્ય ઋષિભાઈ પટેલ, વિજાપુર ધારાસભ્ય રમણભાઈ પટેલ, પુર્વ મંત્રી ખોડભાઈ પટેલ સહિતના આગેવાનોએ હાજરી આપી હતી. ખમીરવંતા પ્રહેલાદભાઈ ગોસાના અંતિમ સંસ્કારમાં જોડાયા હતા. જેમની સ્મશાનયાત્રામાં તેમના નિવાસ્થાનેથી સાર્વજનિક સ્મશાના સુધી માનવ મહેરામણ ઉમટેલો જોવા મળ્યો હતો. પ્રહેલાદભાઈ ગોસા બે પુત્ર, પૌત્રો, પૌત્રીઓનું વિશાળ કુટુંબ વિલાપ કરતા મુકી ગયા છે. પ્રભુ તેમના આત્માને ચિર શાંતી અર્પે તેવી પ્રચાર સાપ્તાહિક પરિવારની પ્રાર્થના.

Leave a Reply

Top