You are here
Home > News > વિસનગર ભાજપે આતશબાજી કરી સૈન્યની કાર્યવાહીને વધાવી

વિસનગર ભાજપે આતશબાજી કરી સૈન્યની કાર્યવાહીને વધાવી

ભારતીય વાયુસેનાએ ૩૫૦ જેટલા આતંકીઓનો સફાયો કરતા

વિસનગર ભાજપે આતશબાજી કરી સૈન્યની કાર્યવાહીને વધાવી

(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
તાજેતરમાં કાશ્મીરના પુલવામાં પાકિસ્તાની આતંકવાદીઓએ કરેલા હુમલામાં ભારતના ૪૨ સૈનિકો શહિદ થતા સમગ્ર દેશમાં પાકિસ્તાન સામે બદલો લેવાનો આક્રોશ ઉભો થયો હતો. ત્યારે પુલવાના હુમલાનો બદલો લેવા માટે ભારતીય વાયુસેનાએ ગત સોમવારે પરોઢીયે પીઓકેના બાલાકોટમાં આવેલા આતંકવાદી કેમ્પો ઉપર હવાઈ હુમલો કરીને ૩૫૦ જેટલા આતંકીઓનો ખાત્મો કરતા સમગ્ર દેશમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. જેમાં વિસનગર ભાજપના કાર્યકરોએ ધારાસભ્ય કાર્યાલય પાસે આતશબાજી કરી આનંદ વ્યક્ત કર્યો હતો.આ સમયે ૪૦૦ આતંકવાદીઓનો સફાયો નહિ થાય ત્યા સુધી ભાજપનો ખેસ નહી ધારણ કરવાની પ્રતિજ્ઞા લેનાર મનુભાઈ પટેલે ધારાસભ્ય ઋષિકેશભાઈ પટેલના હસ્તે ખેસ ધારણ કરી પોતાનું આત્મસન્માન પાછુ મેળવ્યુ હતું.
કાશ્મિરના પુલવામાં પાકિસ્તાન પ્રેરીત આતંકવાદી હુમલામાં ભારતના ૪૨ સૈનિકો શહિદ થતા સમગ્ર દેશમાં આતંકવાદીઓ અને પાકિસ્તાન સામે બદલો લેવાનો ભારે રોષ ઉભો થયો હતો. ત્યારે સરકારે આ હુમલાનો બદલો લેવા માટે ભારતીય સેનાને છુટ આપતા ભારતીય વાયુસેનાએ સોમવારે મોડી રાત્રે ૩-૪૫ કલાકે એરફોર્સના મિરાજ-૨૦૦૦ વિમાનોથી પાકિસ્તાનની સરહદમાં ઘુસી બાલાકોટમાં આવેલા આતંકવાદી કેમ્પો ઉપર હવાઈ હુમલો કરી ૩૫૦ જેટલા આતંકવાદીઓનો ખાત્મો બોલાવી દીધો હતો. આ સમાચાર સમગ્ર દેશમાં ફેલાતા ઠેર ઠેર ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. જેમાં વિસનગર ધારાસભ્ય ઋષિભાઈ પટેલની ઉપસ્થિતિમાં ભાજપ સંગઠનના કાર્યકરોએ મંગળવારે સવારે ધારાસભ્ય કાર્યાલય આગળ ફટાકડા ફોડી આનંદ વ્યક્ત કર્યો હતો. આ કાર્યક્રમમાં જ્યા સુધી સરકાર આપણા દેશના ૪૨ શહિદોનો બદલો નહિં લે ત્યા સુધી ભાજપનો ખેસ ધારણ નહિ કરવાની પ્રતિજ્ઞા લેનાર ભાજપના સક્રિય કાર્યકર મનુભાઈ પટેલ લાછડીએ ભાજપના કાર્યકરોની હાજરીમાં ધારાસભ્ય ઋષિકેશભાઈ પટેલના હસ્તે ભાજપને ખેસ ધારણ કર્યો હતો. આ કાર્યક્રમમાં ધારાસભ્ય ઋષિકેશભાઈ પટેલે જણાવ્યુ હતું કે આપણા દેશના ૪૨ શહિદોનો બદલો લેવા માટે પાકિસ્તાન અને આતંકવાદીઓને જડબાતોડ જવાબ આપવા આવો હવાઈ હુમલો જરૂરી હતો. અને સાથે આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આખા વિશ્વને સાબિત કરી બતાવ્યુ છે કે ભારતનું સૈન્ય કેટલુ શક્તિશાળી છે. અને ભારતના સૈનિકોને છુટ આપવામાં આવે તો શુ નથી કરી શક્તા, જ્યારે મનુભાઈ પટેલે દેશના સૈન્યએ હવાઈ હુમલો કરી ૩૫૦ જેટલા આતંકવાદીઓનો સફાયો કરતા પોતાને આત્મ સન્માન પાછુ મળ્યુ હોવાની લાગણી વ્યક્ત કરી હતી. આ કાર્યક્રમમાં શહેર ભાજપ પ્રમુખ વિજયભાઈ પટેલ, તાલુકા ભાજપ પ્રમુખ સતિષભાઈ પટેલ, તાલુકા ભાજપ ઉપપ્રમુખ એલ.કે.પટેલ, મહામંત્રી મુકેશભાઈ ચૌધરી, પુર્વ જીલ્લા યુવા મોરચાના પ્રમુખ નિરવભાઈ પટેલ, ભાજપના કાર્યકર જે.કે.ચૌધરી, નાગજીભાઈ રબારી, જનકભાઈ બારોટ, મહેશભાઈ પટેલ (સુંશી), ઈશ્વરભાઈ રબારી, કલ્પેશ પટેલ, જે.એમ.ચૌહાણ, મુકેશભાઈ પટેલ (ઘાઘરેટ), કમલેશભાઈ પટેલ(ઉમતા), કમલેશભાઈ પટેલ (વકીલ) સહિત ભાજપના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

Leave a Reply

Top