You are here
Home > News > પુરતી મજુરીની અપેક્ષા રાખવામાં આવે છે તો સફાઈ કામદારોના લઘુત્તમ વેતન માટે કેમ કોઈ બોલતુ નથી

પુરતી મજુરીની અપેક્ષા રાખવામાં આવે છે તો સફાઈ કામદારોના લઘુત્તમ વેતન માટે કેમ કોઈ બોલતુ નથી

પુરતી મજુરીની અપેક્ષા રાખવામાં આવે છે તો
સફાઈ કામદારોના લઘુત્તમ વેતન માટે કેમ કોઈ બોલતુ નથી
(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
સફાઈ કામદારોના ન્યાય માટે લડતા એક કાર્યકરે જણાવ્યુ છેકે, સફાઈ કામદારો પાસે પુરતી મજુરીની અપેક્ષા રાખવામાં આવે છેતો, કામદારોને લઘુત્તમ વેતન મળે તે માટે કેમ કોઈ બોલતુ નથી. આઉટ શોર્સીંગ દ્વારા સફાઈ કામદારોનું શોષણ કરવામાં આવી રહ્યુ છે.
સફાઈ કામદારોના ન્યાય અને હિત માટે અવાજ ઉઠાવનાર એક કાર્યકરે જણાવ્યુ છેકે, વિસનગરમાં સફાઈ કામદારો રોડ ઉપરની માટી ઉખાડી સફાઈ કરે, રોડ ઉપર થોડો પણ કચરો ન રહેવો જોઈએ તેવી પાલિકા જનરલમાં સભ્યો દ્વારા રજુઆત કરવામાં આવી રહી છે. સફાઈ કામદારોનુ કામ સ્વચ્છતા માટેનુ છે. શહેરમાં પુરતી સ્વચ્છતા થાય તેની જવાબદારી સફાઈ કામદારોની છે. સફાઈ કામદારો પાસે પુરેપુરા કામની અપેક્ષા રાખવામાં આવે છે તો સમાજના દબાયેલા, ચંપાયેલા, શોષીત સફાઈ કામદારોને પૂરતુ વેતન મળે તે માટે પણ સભ્યોએ જનરલમાં અવાજ ઉઠાવવો જોઈએ. પાલિકા દ્વારા આઉટ શોર્સીંગથી જે કામ કરાવવામાં આવે છે તે એક પ્રકારનું કૌભાંડ અને ગેરરીતી કરવાનુ સાધન છે. આઉટ શોર્સીંગમાં એક સફાઈ કામદારના વેતન માટે રૂા.૩૫૦ થી ૪૦૦ નુ ટેન્ડર ભરવામાં આવે છે. જ્યારે હકીકતમાં સફાઈ કામદારોને છ થી આઠ કલાકની નોકરીમાં રૂા.૨૦૦ વેતન આપવામાં આવે છે.
અત્યારે સરકાર દ્વારા લઘુત્તમ વેતન લગભગ રૂા.૩૦૦ થી ૩૧૦ નક્કી કરવામાં આવ્યુ છે. ત્યારે નવાઈની બાબત છેકે અર્ધ સરકારી સંસ્થાઓ તથા આ સંસ્થાના કોન્ટ્રાક્ટરો જો લઘુત્તમ વેતન દરનો અમલ કરતા ન હોય તો અન્ય ખાનગી સંસ્થાઓ પાસે કેવી રીતે લઘુત્તમ વેતનની અપેક્ષા રાખી શકાય? આઉટ શોર્સીંગમાં મોટી મલાઈ હોવાથી પાલિકાઓ સફાઈ કામદારોને સીધા લઘુત્તમ વેતનમાં રાખતા નથી. કોન્ટ્રાક્ટરને ટેન્ડર આપી તેના દ્વારા સફાઈ કામદારો પાસે કામ લેવામાં આવે છે. ૨૦ થી ૨૨ વર્ષની ઉંમરે રોજગારી અને પરિવારના પાલન માટે વાલ્મીકી સમાજના યુવક અને યુવતીઓ સફાઈ કામદારની ફરજ અદા કરે છે. આઉટ શોર્સીંગમાં ૧૦ થી ૧૫ વર્ષ કામ કરવાના કારણે ૩૫ વર્ષની ઉંમર થઈ જતા નોકરીના હક્કદાર પણ રહેતા નથી. સફાઈ કામદારો માટે અત્યારે લઘુત્તમ વેતનની માગણી તથા અન્ય હક્ક માટે સફાઈ કામદાર મહામંડળ અમદાવાદ દ્વારા ગુજરાતની ૧૬૨ પાલિકામાં હડતાળનું એલાન કર્યુ છે. વિસનગર પાલિકામાં પણ લઘુત્તમ વેતનની માગણી માટેની લડત શરૂ કરવામાં આવનાર છે. સફાઈ કામદારો કામકાજથી અળગા રહે તે પહેલા પાલિકાએ લઘુત્તમ વેતન માટે વિચાર કરવો જોઈએ. જ્યારે પાલિકા સભ્યોએ પણ સફાઈ કામદારોના હિતમાં અવાજ ઉઠાવવો જોઈએ.

Leave a Reply

Top