You are here
Home > News > “પ્રચાર” સાપ્તાહિક પરિવારના અમેરીકા સ્થિત ર્ડા.રવિ બ્રહ્મભટ્ટે ૧૦૦૦ રોબોટીક સર્જરી કરી વિક્રમ સર્જ્યો

“પ્રચાર” સાપ્તાહિક પરિવારના અમેરીકા સ્થિત ર્ડા.રવિ બ્રહ્મભટ્ટે ૧૦૦૦ રોબોટીક સર્જરી કરી વિક્રમ સર્જ્યો

“પ્રચાર” સાપ્તાહિક પરિવારના અમેરીકા સ્થિત
ર્ડા.રવિ બ્રહ્મભટ્ટે ૧૦૦૦ રોબોટીક સર્જરી કરી વિક્રમ સર્જ્યો
(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
“પ્રચાર” સાપ્તાહિક પરિવારના ભારતમાં સર્જન બની અમેરીકામાં સ્થાયી થયેલ જર્સીસીટી, હડસન કાઉન્ટીના પ્રથમ રોબોટીક સર્જન ર્ડા.રવિ બ્રહ્મભટ્ટ અને તેમના ગૃપે ૧૦૦૦ (એક હજાર) રોબોટીક ઓપરેશન પૂર્ણ કરી વિસનગરનું ગૌરવ વધાર્યુ છે.
ઉત્તર ગુજરાતમાં લોકપ્રિય બનેલ “પ્રચાર” સાપ્તાહિકના તંત્રી બાલમુકુન્દભાઈ બ્રહ્મભટ્ટના સૌથી નાના પુત્ર, પ્રચાર મેનેજીંગ ડીરેક્ટર મનોજ બ્રહ્મભટ્ટ તથા પ્રચારના પ્રોપરાયટર શ્યામ બ્રહ્મભટ્ટના નાના ભાઈ ર્ડા.રવિ બ્રહ્મભટ્ટે એમ.એસ.યુનિવર્સિટીમાં અભ્યાસ કરી જનરલ સર્જનની પદવી મેળવી છેલ્લે લાયન્સ હોસ્પિટલ મહેસાણામાં સર્વીસ કરી વધુ અભ્યાસ અર્થે અમેરીકા ગયા હતા. ન્યુયોર્કમાં જનરલ સર્જરીમાં રેસીડેન્સી કરી, જનરલ સર્જરીની પદવી મેળવ્યા બાદ કેમડેન હોસ્પિટલમાં ટ્રોમા સર્જરીની ફેલોશીપ કરી જર્સીસીટી ક્રાઈસ્ટ હોસ્પિટલમાં ટ્રોમા સર્જન તરીકે જોડાયા હતા. ટ્રોમા સર્જનનું કાર્ય જ્યારે અકસ્માત વાળો કેસ આવે ત્યારે જ પડે. સતત કામ કરવા ટેવાયેલા ર્ડા.રવિ બ્રહ્મભટ્ટે હોસ્પિટલ સંચાલકો પાસે જનરલ સર્જરીની મંજૂરી મેળવી જનરલ સર્જરી શરૂ કરી હતી. ત્યારબાદ નવી એડવાન્સ ટેકનોલોજી રોબોટીક સર્જરીમાં અભ્યાસ કરી ૨૦૧૪ ફેબ્રુઆરીમાં રોબોટીક સર્જરી શરૂ કરી હતી. ત્યારે હોસ્પિટલ જે વિસ્તારમાં છે તે હડસન કાઉન્ટીના તે પ્રથમ રોબોટીક સર્જન બન્યા હતા. રોબોટીક સર્જરીનો વ્યાપ વધતાં ૨૦૧૯ ના ફેબ્રુઆરીમાં પાંચ વર્ષના ટૂંકા ગાળામાં તેમના વડપન વાળા ગૃપે એક હજાર(૧૦૦૦) રોબોટીક સર્જરી પૂરી કરી છે. એક હજાર પૈકી છસો થી સાતસો સર્જરી ર્ડા.રવિ બ્રહ્મભટ્ટ એકલા હાથે કરી વિક્રમ સર્જ્યો છે. ર્ડા.રવિ બ્રહ્મભટ્ટ અમેરીકામાં રહેતા હોવા છતાં હિન્દુ ધર્મના પાયાને છોડ્યો નથી. વિસનગર દાદા ભગવાન સેન્ટરની સ્થાપનામાં તેમનું મોટુ યોગદાન રહ્યુ છે. સોખડાવાળા સ્વામી નારાયણ ધર્મના હરીપ્રસાદ સ્વામી પણ ચાર દિવસ સુધી ર્ડા.રવિ બ્રહ્મભટ્ટની ટ્રીટમેન્ટમાં રહી ચુક્યા છે. નેપાળના બૌદ્ધ ધર્મના મઠાધિપતિએ પણ ર્ડા.રવિ બ્રહ્મભટ્ટ પાસે રોબોટીક સર્જરી કરાવી હતી. ર્ડા.રવિભાઈએ ગુંદીખાડ બ્રહ્મભટ્ટ સમાજ, વિસનગર શહેર તથા જે શાળામાં ધો.૧૨ સુધી અભ્યાસ કર્યો હતો તે નૂતન સર્વ વિદ્યાલયનું ગૌરવ વધાર્યુ છે.

Leave a Reply

Top