You are here
Home > News > વિસનગર પાલિકા દ્વારા દિપરા દરવાજા ડ્રેનેજ પપીંગ સ્ટેશન પાસે રૂા.૫૨ લાખના ખર્ચે બનાવેલ ઓવરહેડ ટાંકીના ઉપયોગ પહેલાજ લીકેજ

વિસનગર પાલિકા દ્વારા દિપરા દરવાજા ડ્રેનેજ પપીંગ સ્ટેશન પાસે રૂા.૫૨ લાખના ખર્ચે બનાવેલ ઓવરહેડ ટાંકીના ઉપયોગ પહેલાજ લીકેજ

વિસનગર પાલિકા દ્વારા દિપરા દરવાજા ડ્રેનેજ પપીંગ સ્ટેશન પાસે
રૂા.૫૨ લાખના ખર્ચે બનાવેલ ઓવરહેડ ટાંકીના ઉપયોગ પહેલાજ લીકેજ
(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
વિસનગર પાલિકાના કોન્ટ્રાક્ટરો દ્વારા થતા વિકાસ કામોમાં ગેરરીતી અને હલકી ગુણવત્તાનુ કામ થતુ હોવાની અગાઉ અનેક ફરિયાદો થઈ છે. ત્યારે ઓવરહેડ ટાંકીમાં હલકી ગુણવત્તાનુ કામ થયુ હોવાનો વધુ એક કિસ્સો બહાર આવ્યો છે. દિપરા દરવાજા પપીંગ સ્ટેશન પાસે બનાવવામાં આવેલ ઓવરહેડ ટાંકી તેના ઉપયોગ પહેલાજ લીકેજ થતા આ ઓવરહેડ ટાંકી કેટલા વર્ષ ચાલશે તેવી ચર્ચાઓ શરૂ થઈ છે.
વિસનગર પાલિકા દ્વારા દિપરા દરવાજા પપીંગ સ્ટેશન પાસે રૂા.૧,૫૪,૮૫,૬૩૯/- ના ખર્ચે ઓવરહેડ ટાંકી, સંપ તથા પાઈપલાઈન નાખવા કોન્ટ્રાક્ટરને વર્કઓર્ડર આપવામાં આવ્યો હતો. જેમાં કોન્ટ્રાક્ટર દ્વારા સંપ તથા ઓવરહેડ ટાંકીનુ કામ પૂર્ણ કરવામાં આવ્યુ છે. રૂા.૫૨ લાખની માતબર રકમના ખર્ચે બનાવવામાં આવેલ ઓવરહેડ ટાંકીનો ઉપયોગ શરૂ થાય તે પહેલાજ ટાંકીમાં લીકેજ જોવા મળી રહ્યુ છે. ટાંકીને દુરથી જોતા લીકેજ દેખાતુ નથી. પરંતુ નજીક જઈને જોતા સંપની સાઈડે ઓવરહેડ ટાંકીમાંથી સતત પાણી લીકેજ થતુ જોવા મળે છે. આર.સી.સી.ની ટાંકી લીકેજ હોય તો લોખંડની ખીલાસરી ફુલે છે અને લીકેજ વધે છે. આર.સી.સી.માં ખીલાસરી કાટના કારણે ફુલતા તેનુ ક્યારેય રીપેરીંગ શક્ય બનતુ નથી. હજુ તો ટાંકીનો ઉપયોગ પણ શરૂ થયો નથી. ત્યારે અત્યારથી જો લીકેજ હોય તો, લાખ્ખો રૂપિયાના ખર્ચે બનાવેલ ઓવરહેડ ટાંકીની આવરદા કેટલી તે પ્રશ્ન ઉભો થયો છે.
આ બાબતે પાલિકાનો સંપર્ક કરવામાં આવતા પાલિકા સુત્રો દ્વારા જણાવવામાં આવ્યુ છેકે, ઓવરહેડ ટાંકીના આર.સી.સી. કામ વખતે પ્લેટો મુકવા ક્લેમ તથા પીનો લગાવવાના કારણે હોલ રહી જતા હોય છે. આવા હોલ પુરવા માટે ટાંકીના ઉપયોગ પહેલા અંદર મોઘા ભાવનુ કેમિકલ લગાવવામાં આવે છે. આ કેમિકલ લગાવવાથી હોલ પુરાઈ જાય છે અને લીકેજ બંધ થઈ જાય છે. કોન્ટ્રાક્ટરને પુરેપુરૂ બીલ ચુકવવામાં આવ્યુ નથી. ડીપોઝીટ જમા છે. લીકેજ બંધ નહી થાય ત્યાં સુધી બીલ ચુકવવામાં આવશે નહી.
દિપરા દરવાજા ઢાળથી કડા રોડ ઉપર કડા ત્રણ રસ્તા સુધી સોસાયટીઓ બની છે. શહેરના છેવાડાના વિસ્તારમાં બનેલી સોસાયટીઓમાં પુરતા પ્રમાણમાં પાણી નહી મળવાની બુમરાડ ઘણા સમયથી છે. ત્યારે ઘણો લાબો સમય પાણીની તકલીફ ભોગવ્યા બાદ ઓવરહેડ ટાંકી બની છે. જેનો હજુ તો ઉપયોગ પણ શરૂ થયો નથી ત્યાં ઓવરહેડ ટાંકી લીકેજ થતા કેટલા વર્ષે કામમાં આવશે તેની ચર્ચા શરૂ થઈ છે. પપીંગ સ્ટેશન પાસેની ઓવરહેડ ટાંકી પહેલા શહેરમાં ઘણી ઓવરહેડ ટાંકીઓ બની છે જે ટાંકીઓમાં ઉપયોગ પહેલા લીકેજ જોવા મળ્યુ નથી. ત્યારે પાલિકા કયા આધારે કહે છેકે કેમિકલ લગાવ્યા બાદ લીકેજ બંધ થઈ જશે. કોન્ટ્રાક્ટરની હલકી ગુણવત્તાની કામગીરી સામે પાલિકા દ્વારા તપાસ કરવામાં આવશે ખરી?

Leave a Reply

Top