You are here
Home > Prachar News > બાહોશ ભાગીદાર ગુમાવ્યાનું દુઃખ છે-આર.કે.ફાયનાન્સના ભાગીદારો

બાહોશ ભાગીદાર ગુમાવ્યાનું દુઃખ છે-આર.કે.ફાયનાન્સના ભાગીદારો

નાણાંકીય વ્યવહારમાં મનદુઃખ થયુ હોવાની વાતમાં કોઈ તથ્ય નથી

બાહોશ ભાગીદાર ગુમાવ્યાનું દુઃખ છે-આર.કે.ફાયનાન્સના ભાગીદારો

(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
વિસનગરના આર.કે.ફાયનાન્સના ભાગીદાર વિજયભાઈ પટેલે આત્મહત્યા કરતા ભાગીદારો વચ્ચે નાણાંકીય વ્યવહારના મનદુઃખમાં ભાગીદારે આત્મહત્યા કરી હોવાનુ ચર્ચાતુ હતુ. ત્યારે આર.કે.ફાયનાન્સના ભાગીદારોએ નાણાંકીય વ્યવહારમાં કોઈ મનદુઃખ નહોતુ તેમ જણાવી વિજયભાઈ પટેલની આત્મહત્યા પાછળની તમામ અફવાઓ અને ચર્ચાઓનો અંત લાવી દીધો છે.
વિસનગરના આર.કે.ફાયનાન્સના ભાગીદાર વિજયકુમાર શીવરામભાઈ પટેલે તા.૭-૩-૨૦૧૯ ના રોજ બપોરે રીવોલ્વોરથી આત્મહત્યા કરી હતી. વિજયભાઈ પટેલની આત્મહત્યા બાદ એવુ ચર્ચાતુ હતુ કે, આર.કે.ફાયનાન્સના ભાગીદારો વચ્ચેના નાણાંકીય વ્યવહારના કારણે આશાસ્પદ યુવાન ભાગીદારે આત્મહત્યા કરી હતી. છેલ્લા છ એક મહિનાથી ભાગીદારો વચ્ચે ફાયનાન્સ પેઢીને લઈને વિવાદ ચાલતો હતો. ત્યારે ફાયનાન્સના ભાગીદારોએ જે ખુલાસો કર્યો છે તેના કારણે આત્મહત્યા પાછળની તમામ અફવાઓ અને ચર્ચાઓનો અંત આવી ગયો છે.
આર.કે.ફાયનાન્સના ભાગીદાર રાજુભાઈ ડી.પટેલ, અનીલભાઈ એન.પટેલ તથા કમલેશભાઈ જે.પટેલે પ્રચાર સાપ્તાહિકને જણાવ્યુ છેકે, વિજયભાઈ પટેલ સ્વમાની, ઈમાનદાર તથા બહાદુર વ્યક્તિ હતા. જેમની સાથે અમારો મિત્ર કરતા વિશેષ સબંધ હતો. તેમની સાથે ફાયનાન્સ પેઢીના હિસાબોની કોઈ લેવડ દેવડ બાકી નહોતી. આર.કે.ફાયનાન્સની પેઢી તો વર્ષ ૨૦૦૧ થી બંધ કરવામાં આવી હતી. જેમાં હિસાબ લેવડ દેવડની કોઈ વાત જ નહોતી તથા અન્ય પ્રકારના હિસાબોની લેવડ દેવડની કોઈપણ વાત તથ્ય વગરની છે. પરંતુ મિત્રતામાં થોડી ગેરસમજ અને અણસમજના કારણે બોલવા ચાલવાના વ્યવહાર બંધ થયા હતા. ભાગીદારો કરતા, વર્ષોથી ભાઈ કરતા પણ વિશેષ મિત્રતાના સબંધ હોવાથી લગ્નપ્રસંગે કંકોત્રી આપવા લેવાના પણ સબંધ ચાલુ હતા. નાણાંકીય વ્યવહારોને લઈ અમારા વચ્ચે કોઈ ખટરાગ નહોતો. પરંતુ અગમ્ય કારણોસર અમારા બાહોશ મિત્રએ આત્મહત્યા કરી તેનુ અમને ભારોભાર દુઃખ છે. અમને એનો રંજ છેકે મિત્રતા વચ્ચેની અણસમજ જો થોડા સમય પહેલા દુર થઈ હોત તો અમારા મિત્રને ગુમાવવાનો સમય આવ્યો ન હોત. સ્વર્ગસ્થ વિજયભાઈ પટેલના ખાનદાન પરિવારની જવાબદારી હવે અમારી થઈ પડે છે. પરમ કૃપાળુ પરમાત્મા અમારા મિત્ર વિજયભાઈ પટેલના આત્માને શાંતી અર્પે તેમજ તેમના પરિવાર ઉપર આવી પડેલી આપત્તી સહન કરવાની શક્તિ આપે તેવી પ્રાર્થના.

Leave a Reply

Top