You are here
Home > News > રાત્રીના સમયે કેટલાક તત્વો દ્વારા ખેતરોમાં રજકો વઢાતા હસનપુરના ખેડૂતોની સામુહિક ઉપવાસ અને ચુંટણી બહિષ્કારની ચીમકી

રાત્રીના સમયે કેટલાક તત્વો દ્વારા ખેતરોમાં રજકો વઢાતા હસનપુરના ખેડૂતોની સામુહિક ઉપવાસ અને ચુંટણી બહિષ્કારની ચીમકી

રાત્રીના સમયે કેટલાક તત્વો દ્વારા ખેતરોમાં રજકો વઢાતા
હસનપુરના ખેડૂતોની સામુહિક ઉપવાસ અને ચુંટણી બહિષ્કારની ચીમકી
(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
પાટીદાર અનામત આંદોલનમાં ફક્ત વિસનગર તાલુકાના હસનપુર ગામનાજ પાટીદારો નહી પરંતુ સમગ્ર ગુજરાતના પાટીદારો આ આંદોલનમાં જોડાયા હતા. ત્યારે ભાજપ સરકાર અને પોલીસ તંત્ર આંદોલનની કિન્નાખોરી રાખી હસનપુરના પાટીદાર ખેડૂતોને ન્યાય ન આપે તે કેટલુ વ્યાજબી? બે દિવસના અંતરમાં હસનપુર ગામના ચાર ખેડૂતોના ખેતરમાં રાત્રે રજકો વઢાઈ ગયો હતો. જોકે આ અગાઉ પણ રજકો વાઢવાના અને ખેતરમાં નુકશાન કર્યાના બનાવો બન્યા છે. નુકશાન કરનાર તત્વોના નામ જોગ અરજીઓ કરવા છતા પોલીસ કાર્યવાહી નહી કરતા છેવટે ખેડૂતોએ તાલુકા પોલીસ સ્ટેશનમાં હલ્લો કર્યો હતો. ખેડૂતોનો રોષ જોઈ પોલીસે રજકો વાઢવા બાબતે ત્રણ ખેડૂતોની અરજી લઈ તપાસ હાથ ધરી છે.
વિધાનસભાની ચુંટણીમાં વિસનગર વિધાનસભા સીટમાં મતદાનના દિવસે હસનપુર ગામમાં પટેલો અને ઠાકોરો વચ્ચે મોટી જુથ અથડામણ થઈ હતી. જેમાં સામ સામે ફરિયાદ થઈ હતી. વિધાનસભાની ચુંટણી પત્યા બાદ આજ ૧૫ માસ વિતવા છતા હસનપુરમાં આ જુથ અથડામણના પડઘા શાંત પડતા નથી. સમાધાનના પ્રયત્નો ચાલી રહ્યા છે. પરંતુ ખેડૂતોના ખેતરમાંથી રજકો વાઢવાના અને ખેતરમાં નુકશાન કરવાના વારંવાર બનાવો બનતા સમાધાન શક્ય બનતુ નથી. છેલ્લા કેટલાક દિવસથી રજકો વાઢી નાખવાના બનાવો શરૂ થયા હતા. એમાંય તા.૨૦-૩-૨૦૧૯ ના રોજ કોર્ટમાં મુદત હતી ત્યારે ૧૮ અને ૧૯ ની રાત્રે ચાર ખેતરમાં રજકો વાઢી નુકશાન કરતા ખેડૂતોમાં ભોર રોષ જોવા મળ્યો હતો. અગાઉ રજકો વાઢનારના નામ જોગ અરજીઓ કરવા છતા પોલીસની ઢીલી નિતિથી આ તત્વોને મોકળુ મેદાન મળતા રોષે ભરાયેલા ખેડૂતોએ તાલુકા પોલીસ સ્ટેશનમાં હલ્લો મચાવ્યો હતો. ખેડૂતોનો રોષ જોઈ પોલીસે હસનપુર ગામના પટેલ કાન્તીભાઈ નાથાલાલના ખેતરમાં રજકો વાઢી રૂા.૨૦૦૦ નુ નુકશાન કરતા, પટેલ નટવરભાઈ શીવરામભાઈના ખેતરમાંથી સાત પાળીયા રજકો વાઢી નુકશાન કરતા, પટેલ જીજ્ઞેશકુમાર હરિભાઈ ભોળીદાસના ખેતરમાંથી એક વિઘાનો રજકો વાઢતા તેમજ તથા પટેલ કિરીટકુમાર પરષોત્તમદાસના ખેતરમાંથી બે પાળીયા રજકો વાઢતા આ બાબતે પોલીસે અરજી લીધી હતી. શકના આધારે રજકો વાઢનારની નામ જોગ અરજી કરવામાં આવી છે. ખેડૂતોનો રોષ જોઈ ડીવાયએસપી એમ.બી.વ્યાસ તથા તાલુકા પોલીસ સ્ટેશનના પી.આઈ. પી.કે.પ્રજાપતિ બન્ને હસનપુર પહોચી સમાધાનનો પ્રયાસ કરવા ચર્ચા કરી હતી. પરંતુ તેનુ કોઈ નિષ્કર્ષ આવ્યુ નહોતુ.
હસનપુરના પાટીદાર ખેડૂતોનો રોષ હતો કે, રાત્રીના સમયે ખેતરોમાં રજકો વાઢી સમાધાન માટે નાક દબાવવાનો પ્રયત્ન કરાય છે. પાટીદાર અનામત આંદોલનની કિન્નાખોરી રાખી ભાજપ સરકારના પદાધિકારીઓ સાંભળતા નથી. રજુઆત કરવા જઈએ છીએ તો, કેમ બહુ ફુંગરે થયા હતા ને હવે ભોગવો તેવુ કહી અડધૂત કરવામાં આવે છે. પાટીદાર આંદોલનના પવનમાં ફક્ત હસનપુર ગામનાજ પાટીદાર નહી પરંતુ સમગ્ર ગુજરાતના પાટીદારો આંદોલનમાં જોડાયા હતા. ત્યારે હસનપુરના પાટીદાર ખેડૂતો પ્રત્યે આટલો રાગદ્વેષ કેમ? હસનપુરના પાટીદાર ખેડૂતોના ખેતરમાં રજકો વાઢવાની અને ભંજવાડની પ્રવૃત્તિ ૧૫ દિવસમાં બંધ નહી થાય તો તાલુકા સેવાસદન આગળ ઉપવાસ ઉપર ઉતરવાની અને લોકસભાની ચુંટણીનો બહિષ્કાર કરવાની ફરજ પડશે.

Leave a Reply

Top