You are here
Home > Prachar News > ખેરાલુ પાલિકા દ્વારા સરકારી નાણાંનો દુર્વ્યય

ખેરાલુ પાલિકા દ્વારા સરકારી નાણાંનો દુર્વ્યય

માલિકીની જમીનોમાંં વોટબેંક સાચવવા રોડ બનાવતા

ખેરાલુ પાલિકા દ્વારા સરકારી નાણાંનો દુર્વ્યય

(પ્ર.ન્યુ.સ.) ખેરાલુ,રવિવાર
ખેરાલુ નગરપાલિકા દ્વારા સિમ વિસ્તારનો વિકાસ કરવા નેળીયામાં રોડ બનાવવા ૩.ર૭ કરોડનું ટેન્ડર બહાર પાડવાના સમાચારો પ્રચાર સાપ્તાહિકમાં પ્રસિધ્ધ થતા જાગૃત વકીલોએ પ્રચાર સાપ્તાહિકનો સંપર્ક કરી પાલિકા દ્વારા છેલ્લા દસ વર્ષમાં કરોડો રૂપિયા વોટબેંક સાચવવા ખોટી રીતે ખર્ચી નાંખ્યા છે તેની ચર્ચા કરી હતી. જેમા જણાવ્યુ હતુ કે નેળીયા વર્ષોથી ખેડુતોને આવવા જવા માટે સરકારી ચોપડે રસ્તા તરીકે ઉપયોગમાં લેવાય છે. તેના નકશા પણ હોય છે. પરંતુ નેળીયા મોટા હોય અને તેમાંથી ખેડુતોના ઘરો સુધી માલિકીના ખેતરોમાં રસ્તા ટેમ્પરરી બનાવ્યા હોય છે ત્યાં પણ ખેરાલુ પાલિકા દ્વારા સરકારી નાણાનો દુર ઉપયોગ કરી ફલાણાના ઘરથી ફલાણાના ઘર સુધી, ફલાણા નેળીયાથી ફલાણા ઘર સુધી તેવો શબ્દ પ્રયોગ કરી વિકાસ કામો કરી દેવામાં આવે છે. આ બાબતે કોઈ વ્યક્તિ હાઈકોર્ટેમાં રીટ કરે તો છેલ્લા દસ વર્ષમાં જેટલા ખેતરોમાં રસ્તા બન્યા તે ગેરકાયદેસર સાબિત થાય અને તે વેડફાયેલા નાણા વખતો વખતના સભ્યો પાસેથી વસુલવા હાઈકોર્ટ હુકમ કરી શકે. આ બાબતે વકીલશ્રીએ વધુમા જણાવ્યુ હતુ કે ખેરાલુમા સિમ વિસ્તારમા રોડ બનાવવો હોય તો સૌથી પહેલા રેવન્યુ સર્વે નંબરમાં રોડ બનાવવો હોય તે ખેડુતે આ રસ્તો સાર્વજનિક હેતુ માટે નગરપાલિકાને સુપ્રત કરતો સંમતિપત્ર પાલિકામાં આપવો પડે. પાલિકા દ્વારા રેવન્યુ સર્વે નંબરની સરકારી નિયમ પ્રમાણે માપણી કરી લંબાઈ પહોળાઈનો ખેરાલુ પાલિકામાં ઠરાવ કરવો પડે. ખેરાલુ પાલિકામાં ઠરાવ થાય તે પછી ખેરાલુ પાલિકા દ્વારા ઈ-ધરામાં ૧૦૦/- રૂાના સ્ટેમ્પ ઉપર શુન્ય (ઝીરો) અવેજથી રસ્તા માટેની જમીન સંપ્રાપ્તનો સ્ટેમ્પ કરવો પડે. આ સ્ટેમ્પ થાય તે પછી ખેડુતના ૭-૧ર ના બીજા હક્કમાં રસ્તાની જમીનની કાચી નોંધ પડે ૪પ દિવસે નોંધ પાકી થાય તે પછી ખેરાલુ પાલિકા દ્વારા સરકારી ગ્રાન્ટનો ઉપયોગ કરી સી.સી.કે ડામર રોડ બનાવી શકાય. ખેરાલુ પાલિકાના ઈતિહાસમાં આ પ્રકારે જમીનો સંપ્રાપ્ત કરી રોડ બનાવવામાં આવ્યો જ નથી. જેના કારણે જાહેર નેળીયા સિવાય બનાવેલા તમામ રોડ સરકારી નાણાનો દુર વ્યય ગણાય. અત્યાર સુધી બનાવેલા રોડમાં ખેડુતની માલિકીમાંથી પસાર થવાના હક્કો ન હોવાથી રસ્તા પુર્ણ થતો હોય તે રોડ પછીના ખેડુતોને આવવા જવાનો હક્ક આપતા નથી. જે બાબતે બોલાચાલી, દાદાગીરી અને વિવાદો થવાના બનાવો બન્યા છે. ખેરાલુ પાલિકા દ્વારા અત્યાર સુધી જે રોડ બનાવી દીધા હોય તે તમામ રોડ સરકારી નાણાનો દુર ઉપયોગ કહેવાય પરંતુ તમામ રોડ જેની માલિકીમા બન્યા છે તે ખેડુતો તાત્કાલિક અરજી કરી રસ્તો પાલિકાને સુપ્રત નહી કરે તો આગામી સમયમાં મોટા પ્રશ્નો ઉભા થઈ શકે છે. ખેરાલુ શહેરનો કોઈ વ્યક્તિ આ બાબતે હાઈકોર્ટમાં રીટ કરશે તો ખેરાલુ પાલિકાના તમામ સભ્યોને ઘેર બેસવા વારો આવશેે અને તમામ સભ્યો પાસેથી સરકારી નાણાના દુર ઉપયોગની વસુલાત પણ સરકાર કરી શકે છે.
ખેરાલુ પાલિકા દ્વારા સિમ વિસ્તારના નેળીયામા રસ્તા બને વિકાસ કહેવાય પરંતુ ફલાણાના ઘરથી ફલાણાના ઘર સુધી તેમજ ફલાણા રોડથી ફલાણાના ઘર સુધી તેવા લખાણો લખી નાણાનો દુર ઉપયોગ થાય છે તે બંધ થવુ જોઈએ. ખેરાલુ પાલિકાના નવા ચુંટાયેલા સભ્યોને ગ્રાન્ટો વાપરવાના નિયમોની ખબર નહી હોય તે સ્વાભાવિક બાબત કહેવાય પણ પાલિકા પ્રમુખ, ઉપપ્રમુખ અને કારોબારી ચેરમેન આ બાબતે સંપુર્ણ વાકેફ હોવા છતા ઈરાદાપુર્વક સરકારી નાણાનો દુર ઉપયોગ કરે તે વ્યાજબી તો ન જ કહેવાય. શું આ બાબત ચિફ ઓફિસર જાણતા નથી ? અને જો નથી જાણતા તો તેમણે ચિફ ઓફિસરપદેથી રાજીનામુ આપી દેવુ જોઈએ. સરકારી નાણાનો દુર ઉપયોગ ચિફ ઓફીસર હરીશ અગ્રવાલ નહી અટકાવેતો અને કોઈ હાઈકોર્ટમાં રીટ કરશે તો તેમનો પણ નોકરીનો રીપોર્ટ ખરાબ થશે. ખેરાલુ ચિફ ઓફીસર કે ઈજનેર ઈરાદાપુર્વક આંખ આડા કાન કરી સરકારી નાણાનો દુર ઉપયોગ થવા દે છે. ખરેખર જયારે પ્લાન એસ્ટીમેટ બને ત્યારે ઈજનેર સ્થળ ઉપર જઈ માપણી કરવી પડે છે. ખરેખર સરકારી ચોપડે નેળીયુ છેકે નહી તેનો રિપોર્ટ ચિફ ઓફીસરને કરવો પડે પરંતુ સત્તાધારી ચાર-પાંચ સભ્યોની આંખે જોતા ઈજનેર પણ સરકારી નાણાનો દુર વ્યય થવા દે છે જે વ્યાજબી નથી. હાલ જે નવા રોડ ગેરકાયદેસર રીતે બની રહ્યા છે તે અટકી જવા જોઈએ. પણ…વોટ બેંકની રાજનિતી આ સરકારી નાણાના દુર વ્યય કરશે જ તેવુ લાગે છે.

Leave a Reply

Top